Friday, March 29, 2024
HomeGujaratગંગામાં શરીર નહીં, નેગેટિવિટી ઝબકોળો

ગંગામાં શરીર નહીં, નેગેટિવિટી ઝબકોળો

- Advertisement -

હું બનારસ 18 વર્ષથી જાઉં છું. ફોટોગ્રાફી કરવા માટેનું આ એક ઉત્તમ સ્થળ છે એવું મારું નહીં વિશ્વભરના અનેક ફોટોગ્રાફરનું માનવું છે. ફોટોગ્રાફીની સાથે સાથે શહેર જોડે તમે એક અજબ પ્રકારનાં બંધનથી બંધાવ છો. તમે ધાર્મિક ન હોવ તો પણ તમે ગંગા નદી સાથે કનેક્ટ થાવ છો. ઘાટનાં પગથિયે બેસીને ગંગાનો પ્રવાહ જોવાથી આંખોમાં એક અજબની શાંતિનો અનુભવ થાય છે. માના ખોળામાં બેઠા હોઈએ એવો અનુભવ ચોક્કસ થાય જ. લોકો પહેલા આવી વાતો કરતા તો મારાં માન્યામાં આવતી નહોતી. નદી જેવી નદી. એમાં વળી શું શાંતિ ને શું પવિત્રતા! પણ ગંગા સામે તાકીને બેસી રહો તો જ આ વાત સમજાય એવી છે. ધીમી ગતિએ ચાલતી હોડીઓનાં હલેસામાંથી આવતો ડબુક ડબુક અવાજ તમને કોઈ ને કોઈ ભૂતકાળની યાદોમાં લઈ જાય છે. ગંગા બંને કાંઠે એની મસ્તીમાં વહે છે. હજુ એને ‘રિવરફ્રન્ટ’ નામનું ગ્રહણ લાગ્યું નથી. હજારો લોકો અહીં સ્નાન કરીને પાપ ધોવાઈ ગયાના વ્હેમ સાથે ચાલતી પકડે છે ત્યારે એમ થાય કે આ શરીર નહીં પણ નેગેટિવિટી ઝબકોળવાની જગ્યા છે.

માથે તિલક કરી, ખભા પર ગમછો નાખીને ગળામાં સ્ફટિક ને રુદ્રાક્ષની માળા ધારણ કરીને ગંગાકિનારે બેસવાની મજા શબ્દોમાં વર્ણવાય એવી નથી. બનારસે મને ઘણું આપ્યું છે. બિસ્મિલ્લાખાંની ગાળોનો કોળિયો ગળ્યો તો ખરો પણ સાથે સાથે એમના છેલ્લા ફોટોગ્રાફ્સ મને ક્લિક કરવા મળ્યા એવું સદભાગ્ય કોને મળે! પંડિત કિશન મહારાજનો લુંગી ને બંડીમાં ફોટો ખેંચવાનો કેવો રોમાંચ હોય? ને ગિરિજાદેવી તમને સીધા રસોડામાં દોરી જાય ને કહે “યહાં બૈઠો, પહલે યે કટલેટ ખા લો બેટા, મૈને અપને હાથોસે બનાઈ હૈ” ને પછી બે કલાક સુધી મન મુકીને ગાય… હું એકલો જ શ્રોતા! સ્વપ્નમાં પણ ન આવે એવા ચમત્કારો મેં આ ધરતી પર અનુભવ્યા છે. બનારસની ગલીઓએ મને ક્યારેય એકલો પડવા દીધો નથી. સાધુ-સંતો, ચરસ-ગાંજા ને ભાંગની મસ્તી, તાંત્રિકની ખોપડી ને મણિકર્ણિકા ઘાટના બળતા મડદા બધું જ જાણે શરીરમાં ઉતરી ગયું છે. આ શહેર સાથે મારે ગયા જન્મનો નાતો લાગે છે. નહીં તો કાશી વિશ્વનાથનાં મંદિરના પુજારીએ ફેંકેલો હાર મારા ગળામાં આવીને પડે નહીં! જય ભોલેનાથ…

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular