Saturday, April 20, 2024
HomeGujaratટેગ વગરના સંબંધો ! - રામ મોરી

ટેગ વગરના સંબંધો ! – રામ મોરી

- Advertisement -

हमने देखी है उन आँखों की महकती ख़ुशबू
हाथ से छू के इसे रिश्तों का इल्ज़ाम न दो
सिर्फ़ एहसास है ये रूह से महसूस करो
प्यार को प्यार ही रहने दो कोई नाम न दो

ફિલ્મ ખામોશી ( 1969)માં ગુલઝાર દ્વારા લખાયેલું આ ગીત લતાજી દ્વારા ગવાયું છે. ગીતના આ શબ્દોમાં  એવા સંબંધની પણ વાત કરાઈ છે જે સંબંધ આપણે બધા ક્યાંકને ક્યાંક જીવતા આવીએ છીએ. એક એવો સંબંધ જે આપણા માટે ખાસ છે પણ આપણે એને કોઈ નામ આપવાં નથી માગતાં. એક એવો સંબંધ જેમાં આપણે અરીસા જેવું ધબકી રહ્યા છીએ. ખુલ્લી હથેળી જેવું વર્તી શકીએ છીએ. એકબીજાની લાગણીઓને ટેકો આપવા સિવાય અહીં બીજાં કોઈ લાભ કે હાનિનાં સરવાળા બાદબાકી નથી. એવો સંબંધ જે આપણા મૂડની ડાઉન બેટરીને એક સ્માઈલથી ચાર્જ કરી દે. એક એવો સંબંધ જે છાતીમાં ગોરંભાયેલાં વાદળોની વચ્ચે તાજગીનું મેઘધનુષ ઉગાડી જાણે છે. આ સંબંધ મારી ને તમારી સાથે છે જ અને આપણે એને કોઈ નામ આપવા માટે રાજી નથી કેમ કે નામ આપીને ક્યાંક એ સંબંધની નક્કરતાને પોલી કરી દઈશું એ વાતની સતત મનમાં ભીતિ રહેતી હોય છે. દરેક સંબંધને ટેગની જરૂર નથી ને એક મિનિટ, ટેગ આપણે કોના માટે આપવા પડે?આપણા માટે કે સમાજ માટે?અભિનેત્રી ને કવયિત્રી દીપ્તી નવલના કાવ્યસંગ્રહ ‘લમ્હા લમ્હા’માં એક સુંદર રચના છે કે,

- Advertisement -

लोग एक ही नज़र से देखते हैं
औरत और मर्द
के रिश्ते को
क्योंकि उसे नाम दे सकते हैं ना!
नामों से बँधे
बेचारे यह लोग!

એક લડકા ઔર લડકી કભી દોસ્ત નહીં હો સકતે… આવા ડાયલોગ્સવાળી બોલિવુડ ફિલ્મ પણ બદલાતા સમયે ધરમૂળથી બદલાઈ ગઈ છે પણ સામાજિકતા માનસિકતા આજે પણ ત્યાં ઊભી રહી ગઈ છે. આપણી માનસિકતા તો એટલી હદે તળિયે જઈને બેસી ગઈ છે કે એક બાઈક પર બેસીને જતાં છોકરા છોકરીને કપલ જ માની લઈએ છીએ. સગા ભાઈબહેનને પણ અવેર રહેવું પડે છે કે એક જ બાઈક પર બેસીને જઈ રહ્યાં છે ત્યારે ભૂલથી પણ કોઈ કપલ ન સમજી બેસે. સોશિયલ મિડિયા પર કોઈ પુરુષનો ફોટો કોઈ સ્ત્રી સાથે હોય એ એની પત્ની જ હોય કે કોઈ સ્ત્રી કોઈ પુરુષ મિત્ર સાથેનો ફોટો અપલોડ કરે એટલે એ પતિ કે પ્રેમી જ હોય એવી પૂર્વધારણાઓ કેટલી વધારે પડતી છે!એક સ્ત્રી પુરુષ સોશિયલ મિડિયા પર પોતાની લાગણીઓને રજૂ કરે ને જો એ પતિ પત્ની નથી તો કંઈક બીજું જ છે… એવું વિચારીને મંદ મંદ હસતાં આપણે કેટલા માનસિક કે સામાજિક ગરીબ છીએ!

સોશિયલ મિડિયા પર ચેટ કરનારી દરેક સ્ત્રી પોતાના પતિ કે પ્રેમીથી દુઃખીયારી હોય ને એને કદર કરનારા ખભાની જરૂર હોય જ છે કે સોશિયલ મિડિયા પર ચેટ કરનારા દરેક પુરુષ સ્ત્રીઓ બાબતે ડેસ્પરેટ જ હોય છે એવી માન્યતાઓ પાયા વગરની ને વધારે પડતી છે. આ બધાની વચ્ચે આપણને સોશિયલ મિડિયાની કૃપાથી એવા લોકો પણ મળ્યા છે જે જાણે અજાણ્યે આપણા જીવનના સાંતાક્લોઝ બની ગયા છે. એમની સાથે વાતો કરીએ છીએ, કૉફી માટે મળીએ છીએ, વારંવાર મળતા રહીએ છીએ. સેલ્ફીઓ ક્લિક કરીને સોશિયલ મિડિયા પર બિન્દાસ શેર કરતા રહીએ છીએ. આપણે જ્યારે એ વ્યક્તિને મળીએ છીએ ત્યારે જાણે બત્રીસ કોઠે દિવા થઈ જતા હોય એવી લાગણી થઈ આવે છે. હવે લોકો શું વિચારે છે… લોકો તમને પૂછે પણ ખરા કે આમની સાથે તમારો શો સંબંધ છે? તમારા પતિ કે પત્ની કશું કહેતાં નથી?તમારો સંબંધ તો બહુ નવાઈભર્યો કહેવાય! એકબીજાને વળગી વળગીને સરસ ફોટો લઈ લો છો… આવી જાતભાતની કમેન્ટ ને હળવા કટાક્ષ આવતાં રહે છે. હવે નક્કી તમારે કરવાનું છે કે આ બધી પંચાયતોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવું છે કે જે ગતિએ, જે મોજથી જીવન જીવો છો એ મોજથી જીવતા રહેવું છે. આવા ટેગ વગરના સંબંધોમાં જ્યારે આપણે અવેરનેસ સાથે જીવવા લાગીએ છીએ ત્યારે પેલી સ્વાભાવિકતા ઝાકળનાં ટીપા સુકાઈ જાય એમ સુકાઈ જાય. કેટલાક સંબંધો લજામણીના છોડ જેવા હોય છે. દરેક સંબંધને અમુક તમુક નામો આપવાની લ્હાયમાં પાંદડા બિડાઈ જશે.

- Advertisement -

આ પ્રકારની માનસિકતા કે પ્રશ્નોની સામે આંખ આડા કાન કેવી રીતે કરવા? એવો સ્વાભાવિક પ્રશ્ન થાય જ. તો જવાબ તમારી અંદર જ છે કે તમે કોના માટે જીવો છો? તમારા માટે કે લોકો માટે? લોકોની નજરમાં આદર્શ ને ઉત્તમ બનવાની કસરતમાં ક્યાંક તમે જ તમારી નજરમાં નીચા ઉતરી જશો. કોઈપણ પોતીકો કહી શકાય એ સંબંધ સાક્ષાત કુદરતી આશિર્વાદ છે. અંજળપાણી બહુ મોટો શબ્દ છે. આ અંજળપાણી હોય,  સંવેદનની લેણ-દેણ નસીબમાં લખાયેલી હોય ત્યાં સુધી આવા ટેગ વગરના સંબંધો જીવી શકાતા હોય છે. આવા સંબંધો તૂટી નથી જતા ઓગળી જાય છે. ધુમ્મસ જેવું એક અસ્તિત્વ વધારે પડતા ખુલાસાઓના તાપમાં ઓસરી જાય છે. નામ વગરના જે કોઈ સંબંધો તમારી સાથે છે એને ભરપૂર જીવી લો કેમકે એ કુમળાશના કલ્પવૃક્ષ છે. આ તમારા એવા સંબંધ છે જે તમારા ઉમળકાના એન્જલ છે, જેને પ્રકૃતિએ તમારા માટે તમારી પાસે મોકલ્યા છે. એ મોંધી જણસ જેવા સથવારાને ભરપૂર માણી લો અને સંબંધોને ટેગ આપવાના બદલે એને ઋણાનુબંધનો સ્વેગ આપો. જે કંઈ છે એ અત્યારની ક્ષણ છે તો આ ક્ષણને વેડફ્યા વિના રાજીપાનો અખૂટ અસબાબ લોકોનાં જજમેન્ટની ચિંતા કર્યા વગર જીવી લો કેમકે કુછ તો લોગ કહેંગે… લોગો કા કામ હૈ કહેના!

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular