પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગાંધીનગરના અડાલજમાંથી 2017માં નવનીત પ્રેસના માલિક નવીન શાહનું અપહરણ કરી તેમની હત્યા કરી દેવામાં આવી હતી, આ મામલે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી આ હત્યા કેસમાં સામેલ આઠમાંથી સાત આરોપીને ઝડપી લીધા હતા, આ તમામ આરોપીઓ સામે પોલીસ દ્વારા કોર્ટમાં તહોમતનામુ ફરમાવવામાં આવ્યું જે કેસ સેશન્સ જજ ડી કે સોની સામે ચાલી જતા તેમણે તમામ આરોપીઓને કસુરવાર ઠેરવી આજીવન કારાવાસની સજા ફરમાવી છે. પરંતુ આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ સુધી પહોંચવા માટે ગાંધીનગર પોલીસને ખાસ્સી જદ્દોજહદ કરવી પડી હતી.
ઘટનાની શરૂઆત આ પ્રમાણે થઈ હતી, નવનીત પ્રેસના માલિક નવીન શાહ (ઉ-70) તેમના ડ્રાઈવર પ્રભાત દેસાઈ સાથે તા 25મી જુલાઈના 2017ના રોજ ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર આવેલા વૈષ્ણવદેવી મંદિર પાસે આવ્યા હતા, નવીનભાઈ શાહે પોતાના ડ્રાઈવરને સૂચના આપી હતી કે તે કોઈને મળી હમણાં આવે છે એટલે ડ્રાઈવર કારમાં જ રાહ જોતો હતો પણ લાંબો સમય થવા છતાં નવીન શાહ પાછા ફર્યા ન્હોતા, આથી તેણે શેઠ નવીનભાઈને ફોન જોડતા તેમનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો, નવનીત પ્રેસની ઓફિસ અમદાવાદ ગુરૂકુળમાં આવેલી છે જ્યારે પ્રેસ છારોડી છે એટલે ડ્રાઈવે ઓફિસ અને પ્રેસ ઉપર ફોન કરી શેઠ આવ્યા છે તેવી તપાસ કરતા તેઓ ત્યાં પણ પહોંચ્યા ન્હોતા આથી પરિવારને જાણ કરતા પરિવારે તેમની તપાસ શરૂ કરી હતી.
મોડી સાંજ સુધી નવીન શાહનો પત્તો નહીં લાગતા તેઓ ફરિયાદ કરવા અડાલજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જયાં નવીન શાહના પરિવારે આખો ઘટના ક્રમ પોલીસને જણાવ્યો હતો, મામલો પેચીદો લાગતા અડાલજ પોલીસે આ મામલે ગાંધીનગરના ડીએસપી વિરેન્દ્ર યાદવને જાણ કરતા તેમને પણ અંદાજ આવી ગયો હતો કે મામલો ગુમ થવાનો નથી, આથી તેમણે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર જુગલ પુરોહીતને તપાસ સંભાળી લેવાનો આદેશ આપ્યો હતો. નવીન શાહને કોઈને ફોન આવ્યો હતો. જેના કારણે તેઓ બહાર નીકળ્યા હતા. તેવી પહેલી જાણકારી મળી હતી, પોલીસ જ્યારે નવીન શાહનો ફોન સ્વીચ ઓફ ક્યાં થયો તેની તેની તપાસ કરતા ફોન નાના ચીલોડા પાસે સ્વીચ ઓફ થયા હોવાનું બહાર આવ્યું હતું. આમ ઈન્સપેક્ટર પુરોહીતને અંદાજ આવી ગયો કે અપહરણ થયું છે.
ડીએસપી યાદવ અને પીઆઈ પુરોહીતે અપહરણની આશંકાને આધારે તપાસ શરૂ કરી પણ કોઈ ઠોસ માહિતી મળી નહીં, પણ જે નંબરથી ફોન આવ્યો તે ફોન પછી નવીન શાહ બહાર નીકળ્યા હોવાને કારણે પુરોહીતે નવીન શાહના ફોનની તપાસ કરતા ફોન કરનારનું સરનામુ અરવલ્લી જિલ્લાનું મળ્યું હતું, ગાંધીનગર પોલીસે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને નવીન શાહ ગુમ થયાની જાણકારી મોકલી આપવામાં આવી હતી, આ દરમિયાન બીજા દિવસે અરવલ્લી પોલીસે ગાંધીનગર પોલીસને સંદેશો મોકલ્યો હતો કે માલપુર પાસે આવેલા કાજળ ગામે તેમને એક અજાણ્યા માણસની લાશ મળી આવી છે આ સંદેશો મળતા ગાંધીનગર પોલીસે નવીન શાહના પરિવારજનોને બોલાવી તેમની સાથે અરવલ્લી પહોંચ્યા હતા.
અરવલ્લી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રહેલી લાશ જોતા નવીન શાહના પરિવારજનો ભાંગી પડયા હતા કારણ નવીન શાહનો જ મૃતદેહ હતો, નવીન શાહનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉકટરનો અભિપ્રાય હતો કે નવીન શાહનું મોત શ્વાસ રુંધાઈ જવાને કારણે થયું છે, આથી ઈન્સપેકટર પુરોહીતે હત્યાનો ગુનો નોંધી તપાસ સધન બનાવી હતી. હવે પોલીસનું ધ્યાન ફોન કરનાર વ્યકિત તરફ હતું, ગાંધીનગર પોલીસે અરવલ્લી જઈ તપાસ કરતા ફોન જેના નામે હતો તે તો એક સામાન્ય આદીવાસી હતો, તેને તો આ મામલે કંઈ ખબર જ ન્હોતી, આથી પોલીસની એક ટીમ સીમકાર્ડ વેચનાર ડીલર પાસે પહોંચી હતી આ સીમકાર્ડ ક્યાં ક્યાં ગયું તેની તપાસમાં આખરે પોલીસને એક કરિયાણાની દુકાને લઈ પહોંચી હતી.
કરિયાણાની દુકાનના માલિકે પોલીસને જાણકારી આપી કે તેની પાસે એક ઉપયોગમાં આવેલુ કાર્ડ પડ્યું હતું. તે ગાંધીનગરમાં રહેતા એક સગા રમેશ પટેલ લઈ ગયો હતો, આથી ગાંધીનગર પોલીસ ગાંધીનગર આવી તપાસ શરૂ કરતા તેમને કુડાસણમાં રહેતો રમેશ પટેલ મળી આવ્યો હતો, પહેલા તો તેણે પોતે અજાણ હોવાની જાણકારી આપી હતી પરંતુ ગાંધીનગર પોલીસે રમેશનો જુનો રેકોર્ડ તપાસતા ખબર પડી કે રમેશ અગાઉ પણ ગાંધીનગરના એક અપહરણમાં સેડોવાયેલો હતો, આથી પોલીસે રમેશ સાથે કડકાઈ કરતા રમેશ પોપટની જેમ બધુ બોલવા લાગ્યો અને તેણે એક પછી એક નામ આપતા પોલીસે કુલ સાત આરોપીઓને ઝડપી લીધા હતા.
શું હતો પ્લાન અને શું બન્યું
પોલીસે જ્યારે એક એક આરોપીની પુછપરછ શરૂ કરી ત્યારે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થયું હતું, આ કેસના આરોપીઓને મોટી રકમની જરૂર હતી આથી તેમણે કોઈનું અપહરણ કરી ખંડણી માંગવાની યોજના બનાવી હતી, આ કેસનો આરોપી જીગ્નેશ ભાવસાર અગાઉ નવનીત પ્રેસમાં નોકરી કરતો હતો તેની પાસે જાણકારી હતી કે પ્રેસના માલિક નવીન શાહ પાસે ખુબ પૈસા છે અને તેમનું અપહરણ ખંડણી માંગવામાં આવે તો પાંચ કરોડ મળી શકે તેમ છે. આથી તમામ આરોપીઓ નવીન શાહનું અપહરણ કરવાની યોજના બનાવી હતી પરંતુ કોઈ અજ્ઞાત સ્થળે નવીન શાહને બોલાવવા જરૂરી હતા. આ ઉપરાંત એક સીમકાર્ડની પણ જરૂર હતી. આથી રમેશ પટેલે પોતાના એક પરિચીત પાસેથી અરવલ્લીથી અન્યના નામનું સીમકાર્ડ મેળવી લીધુ હતું.
જીગ્નેશ ભાવસાર પાસે જાણકારી હતી કે નવનીત પ્રેસમાં યુનિયનનો પ્રશ્ન ચાલે છે જેના કારણે શેઠ નવીનભાઈ ચિંતીત હોય છે, આ ગેંગમાં રહેલા બંકીમ પટેલ નામના આરોપીએ નવીન શાહને ફોન કરી જાણકારી આપી હતી કે તમારી પ્રેસના યુનિયન અંગે મારી પાસે જાણકારી છે અને હું યુનિયનનો પ્રશ્ન ઉકેલી શકું તેમ છું જો તમે મને મળવા આવો તો કશું થાય, આ માહિતી મળતા નવીન શાહ ફોન કરનારને મળવા તૈયાર થયા અને ડ્રાઈવર સાથે વૈષ્ણદેવી મંદિર પહોંચ્યા હતા, આરોપીઓ અગાઉથી ત્યાં હાજર હતા બંકીમે સૂચના આપી હતી કે એકલામાં વાત કરવી એટલે કારમાંથી ઉતરી પાછળ ઊભી રહેલી કાળી સફારી કારમાં બેસી જાવ આથી નવીન શાહ ડ્રાઈવરને હમણાં આવું છું તેમ કહી કાળી સફારી કારમાં બેસી ગયા હતા.
નવીન શાહ કાળી સફારી કારમાં બેસી જતા કાર ગાંધીનગર તરફ રવાના થઈ હતી કાર ચલાવી રહેલા મૌનીક પટેલ નામના આરોપીએ નર્માદા કેનાલ પાસે પોતાની પાસે રહેલી સ્ટાર્ટર ગનમાંથી ફાયરિંગ કરતા નવીન શાહ ડરી ગયા હતા અને તેમને કહ્યું તમારૂ અપહરણ થયું છે., નવીન શાહ જે સીટ ઉપર બેઠા હતા તેની પાછળની સીટમાં રહેલા બે આરોપીઓએ પોતાની પાસે રહેલી સેલો ટેપ નવીન શાહના ગળા અને મોઢા સહિત નાક ઉપર લપેટી દીધી હતી જ્યારે આગળની સીટમાં બેઠેલા આરોપીઓએ હાથ પગ બાંઘી દીધા હતા પરંતુ બન્યું એવું કે આરોપીઓ નવીન શાહના ગળા અને મોંઢા સહિત નાક ઉપર લગાવેલી સેલો ટેપ વધુ પડતી ટાઈટ થઈ જતા ગાંધીનગર આવતા સુધી નવીન શાહનું રૂંધાઈ જવાને કારણે મોત નિપજયુ હતું. આમ ખંડણી માંગે તે પહેલા નવીન શાહ માર્યા ગયા હતા.
નવીન શાહ મરી ગયા છે તેવી ખબર પડતા આરોપીઓ ડરી ગયા હતા અને ખંડણી માગવાનો વિચાર પડતો મુકી લાશનો નિકાલ ક્યાં કરવો તેની મુંઝવણમાં પડી ગયા હતા. આરોપીએ નાના ચીલોડા થઈ અરવલ્લી પહોંચ્યા હતા અને કાજળ ગામે નિર્જન જગ્યા જોતા ત્યાં લાશ ફેંકી ગાંધીનગર પરત આવી ગયા હતા, આ મામલે ગાંધીનગર પોલીસે જીગ્નેશ ભાવસાર, બંકીમ પટેલ, મૌનીક પટેલ, રમેશ પટેલ, પરીન ઠક્કર, શૈલેષ પટેલ અને ઉત્પલ પટેલની ધરપકડ કરી હતી પરંતુ આ સુધી શંકર ગોસ્વામી નામનો આરોપી પોલીસને મળી આવ્યો નથી.
આ તમામ આરોપીઓ સામે પોલીસે તહોમતનામુ રજુ કરી ટ્રાયલ શરૂ કરી હતી સરકારી વકિલ પ્રિતેશ વ્યાસે 100 કરતા વધુ સાક્ષીઓ રજુ કર્યા હતા અને વૈજ્ઞાનિક પુરાવાઓ રજુ કરી આ આરોપી જ કસુરવાર છે તેવો પક્ષ રજુ કર્યો હતો. તમામ પુરાવાઓ પોલીસ અધિકારીની તપાસના કાગળો સાક્ષીઓના નિવેદનના આધારે જજ ડી કે સોનીએ તમામ છ આરોપીને કસુરવાર ઠરાવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી આ કેસમાં શંકર ગોસ્વામી આજ સુધી પકડાયો નથી જયારે મૌનીક પટેલનો અતિ શ્રીમંત આરોપી જેલમાં હતો, તે દરમિયાન રજા ઉપર બહાર આવ્યો અને વિદેશ જતો રહ્યો હોવાની પોલીસને શંકા છે. કોર્ટે મૌનીક અને શંકર સિવાય તમામને આજીવન કેદની સજા આપી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











