નવજીવન ન્યૂઝ. ગાંધીનગર:ગુજરાતના દક્ષિણ ભાગમાં તાપી-પાર-નર્મદા લિંક યોજનાનો આદિવાસી વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી સ્થાનિક આંદોલનો કતી રહ્યા હતા, તે આંદોલન હવે ગુજરાતના પાટનગર ગાંધીનગર સુધી પહોંચ્યું છે. ગાંધીનગરમાં આવેલી સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા છે અને પોતાનું આંદોલન આગળ ધપાવી રહ્યા છે. જ્યાં સુધી તેમની માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તે ગાંધીનગર છોડવાના નથી તેવો હુંકાર કરી રહ્યા છે. આદિવાસી સમાજના આ આંદોલનને ગુજરાત કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી આવી પહોંચ્યા છે.

નવજીવન ન્યૂઝની ટિમ દ્વારા સત્યાગ્રહ છાવણી પર એકત્રિત થયેલા આદિવાસી ક્રાંતિકારીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકારની જે તાપી-પાર-નર્મદા લિંક યોજના છે તેના કારણે આદિવાસી વિસ્તારમાં વસતા લોકોને જે તકલીફ પડવાની છે તેના વિરોધમાં આજે અમે અહીંયા એકત્રિત થયા છે. ડેમ બનવાના કારણે આદિવાસી લોકોને પોતાની જમીન છોડીને વિસ્થાપન કરવું પડશે, જે અમને મંજુર નથી. ડેમના કારણે આદિવાસી સમાજના લોકોની જમીનો છીનવાઈ જશે. અમેરિકા જેવા વિકસિત દેશમાં ડેમ તોડવામાં આવી રહ્યા છે જ્યારે આપણાં દેશમાં ડેમ ઉપર ડેમ બની રહ્યા છે જેના કારણે પ્રકૃતિને પણ નુકસાન થાય રહ્યું છે. અમારા જંગલો નષ્ટ થઈ રહ્યા છે તેના વિરોધમાં અમે અહીંયા એકત્રિત થયા છે. જય આદિવાસી, જય જોહર.”
આદિવાસી સત્યાગ્રહ અંગે વાત કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, “આદિવાસી સમાજના સળગતા પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં બેઠેલી બહેરી-મુંગી સરકારને જગાડવા માટે સત્યાગ્રહ છાવણી ખાતે જનઆંદોલન – સત્યાગ્રહની શરૂઆત થઈ છે. આદિવાસી સમાજના પ્રશ્નોના નીરાકરણ માટે સત્તામાં બેઠેલી ભાજપ સરકારે આંખ અને કાન બંધ કરી દીધા છે. આદિવાસી સમાજના અવાજને ભાજપ સરકાર સાંભળવા તૈયાર નથી. સ્થાનિક પ્રશાંસનને વારંવાર રજુઆત છતાં પ્રશ્નોનું નિરાકરણ થયું નથી ત્યારે આદિવાસી સમાજના આગેવાનો – ધારાસભ્યશ્રીઓ – સાંસદસભ્યશ્રીઓ અને કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ સૌ ભેગા મળીને “ચલો ગાંધીનગર” નો કોલ આપ્યો છે. આદિવાસી સમાજને જમીન ન આપવી, તેમના ઘર તોડી પાડવા સહિતના અનેક હથકંડાઓ અપનાવી ભાજપ સરકાર હક્ક અને અધિકાર આપવાની જગ્યાએ આદિવાસી સમાજને ખતમ કરવાનું કાવતરુ કરી રહી છે. કોંગ્રેસ પક્ષ આદિવાસી સમાજની સાથે તેમના હક્ક અને અધિકાર માટે મજબુતાઈથી લડત આપતો રહ્યો છે અને આપશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આદિવાસી સમાજે શહેર તરફ પ્રયાણ કરવા મજબુર બન્યાં છે તેવા સંજોગોમાં કેન્દ્ર સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા તાપી – પાર – નર્મદા લીંક યોજનાના નામે આદિવાસી સમાજને પોતાની જળ, જમીન અને જંગલથી દુર કરવાનું કાવતરુ કરી રહી છે. 500 કરોડની માતબાર રકમ આ ડેમ બનાવવા માટે બજેટમાં ફાળવવામાં આવી છે. ભાજપ સરકાર આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું બંધ કરે અને તાપી – પાર – નર્મદા લીંક યોજના અંગે શ્વેતપત્ર જાહેર કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.”
![]() |
![]() |
![]() |











