Tuesday, June 23, 2026
HomeGujaratFlipkart પાસે છે તમારી તમામ અંગત માહિતીઃ જાણો આણંદ પોલીસની ઈન્વેસ્ટિગેશમાં શું...

Flipkart પાસે છે તમારી તમામ અંગત માહિતીઃ જાણો આણંદ પોલીસની ઈન્વેસ્ટિગેશમાં શું ઘટસ્ફોટ થયો

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.આણંદ): આપણે એવું માનીએ છીએ કે ફોન પર થયેલી આપણી વાત બે વ્યક્તિઓ પુરતી જ સિમિત છે, ના પણ આ સાયબર યુગમાં ઈ કોમર્સનો ધંધો કરતી Flipkart જેવી મલ્ટિનેશનલ કંપનીએ તેમના દ્વારા વેચવામાં આવેલા ફોનને ગેરકાયદે રીતે સર્વેલન્સમાં રાખ્યા હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગુજરાતની આણંદ પોલીસે બેંગલોર ખાતે આવેલી Flipkartના ટેકનીકલ અને લીગલ ટીમને આણંદ પોલીસ સામે હાજર થવાના સમન્સ પાઠવ્યા છે.

2020-21માં કોરોનાકાળ જ્યારે ટોચ પર હતો ત્યારે બહુ સ્વાભાવીક છે કે મોબાઈલ ફોન સહિતની વસ્તુઓનું વેચાણ ઘટ્યું હતું. આ દરમિયાન દેશભરના કેટલાક મોબાઈલ ફોન ડિલર્સે ફોનની મૂળ કિંમત કરતા સસ્તા ભાવે ફોન વેચવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જેમણે ફોન ખરીદ્યા તેવા અનેક લોકોની દેશભરમાંથી ફરિયાદ ઉઠી હતી કે છ મહિના પછી તેમના ફોન અચાનક બંધ થઈ ગયા છે. દેશના અનેક પોલીસ સ્ટેશનમાં પહોંચેલા આવા ગ્રાહકોએ પોતાના બંધ થઈ ગયેલા મોબાઈલની ફરિયાદ આપવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસે તમારા ફોનમાં વાયરસ આવી ગયો હશે, ટેકનીકલ ફોલ્ટ વગેરે કારણ આપી ફરિયાદ લેવાનું ટાળ્યું હતું. જ્યારે કેટલાક ગ્રાહકો ગ્રાહક ફોરમમાં પણ ગયા હતા.

- Advertisement -

આવી જ એક ફરિયાદ આણંદના સાયબર સેલ સામે આવતા પ્રથમ તબક્કે આણંદ પોલીસે પણ આ બાબત મોબાઈલ કંપની અને ગ્રાહક વચ્ચેની તકરાર છે તેવું જણાવ્યું હતું પરંતુ સાયબર સેલની પ્રારંભીક તપાસમાં જે ગ્રાહકનો ફોન બંધ થઈ ગયો છે તે કયા કારણે થયું છે તેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરાયો. તેની જાણકારી જે સામે આવી તે જોઈ ખુદ આણંદ પોલીસના અધિકારીઓ ચોંકી ગયા હતા. આથી આણંદ પોલીસે ગ્રાહકે જે ડિલર પાસેથી ફોન ખરીદ્યો હતો તે ડિલરને સાયબર સેલમાં બોલાવી પુછપરછ કરતાં અધિકારીઓના હાથે કેટલીક મહત્વની કળીઓ લાગી હતી. પોલીસને મળેલી માહિતી પ્રમાણે 2020-21માં કોરોનાકાળની ગંભીર સ્થિતિ હતી ત્યારે Flipkart દ્વારા EMIની સ્કિમથી ફોન વેચવાની સ્કિમ હતી અને આ સ્કિમ હેઠળ દેશના ઘણા મોબાઈલ ફોન ડિલર્સે Flipkart પાસેથી જથ્થાબંધ ફોન ખરીદ્યા હતા.

જેમાં જે ફોનનું વેચાણ થાય તે ફોનના ઈએમઆઈ ગ્રાહકે ભરવાના હતા, પરંતુ ડિલર્સે ગ્રાહકને આ ઈએમઆઈની યોજના જણાવી જ નહીં અને મૂળ કિંમત કરતાં ઓછા ભાવે ફોન વેચવાની શરૂઆત કરી હતી. બીજી તરફ સસ્તા ભાવે મળેલા ફોનના હપ્તા ભરવાના છે તેવી ગ્રાહકને તો ખબર જ ન હતી. એટલે છ મહિના પછી આ સ્કિમ હેઠળ વેચવામાં આવેલા ફોન ટપોટપ બંધ થવા લાગ્યા હતા. મોટાભાગના ગ્રાહકોએ ફોન બગડી ગયો છે તેવું માની લીધું હતું. જ્યારે કેટલાક પોલીસ અને ગ્રાહક ફોરમ પાસે ગયા હતા.

આ પુરાવાઓ મળ્યા પછી બંધ પડેલા ફોનનું પોલીસ દ્વારા ફોરેન્સીક એનાલીસીસ કરતા આણંદ પોલીસના સાયબર સેલને ચોંકાવનારી વાત જાણવા મળી હતી કે આ ફોન Flipkartની બેંગલોર ઓફીસ દ્વારા લોક કરવામાં આવ્યો છે. આમ વેચાણ કરવામાં આવેલા ફોનના એક્સેસીસ Flipkart પાસે હતા. આમ નાગરિકની સ્વતંત્રતા અને ગુપ્તતા પર તરાપ મારવામાં આવી હતી. કોઈપણ મોબાઈલ ફોન ઉત્પાદક આ પ્રકારે ગેરકાયદે રીતે પોતાના ગ્રાહકનો ફોન સર્વેલન્સ કરી શકે નહીં. સાયબર સેલના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર જો Flipkart વેચવામાં આવેલા ફોનને લોક કરે છે તો તેનો અર્થ કે Flipkart પાસે ફોન ધારકના તમામ એક્સેસ છે. ફોન ધારક જે પણ વાત કરે, જે પણ બેન્ક ટ્રાન્ઝેક્સન્સ કરે, મેસેજીસની આપલે કરે તેવી તમામ બાબતો Flipkart જોઈ અને સાંભળી શકે છે. આમ કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થાને આ પ્રકારે સર્વેલન્સ કરવાનો અધિકાર નથી આથી આણંદ પોલીસે Flipkartને સાત સમન્સ મોકલ્યા છત્તાં અત્યંત જાયન્ટ કંપની આજ સુધી જવાબ આપવા આણંદ આવી નથી. સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આણંદ પોલીસની એક ટીમ બેંગલોર ખાતે Flipkartની ઓફીસમાં જવાની છે.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular