નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરામાં એક અચંબિત કરી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ રેલવે ભરતીની પરીક્ષામાં નકલી ઉમેદવારને ઊભો કર્યો હતો. અત્યાર સુધી નકલી માર્કશીટની વાતો સાંભળી હતી, પરીક્ષા દરમિયાન ચોરી કરવાના પણ કિસ્સા સાંભળ્યા હતા પણ અહિયાં તો ઉમેદવાર જ નકલી ઊભો કરવામાં આવ્યો હતો. જેમાં નકલી ફિંગરપ્રિન્ટ બનાવવા સુધીનો પ્લાન આરોપીએ ઘડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપીઓએ જેવી રીતે નકલી ઉમેદવાર બેસાડવા મગજ દોડાવ્યું તેટલું પરિક્ષાની તૈયારી માટે દોડાવ્યું હોત તો કદાચ જેલના સળિયા ન ગણવા પડતાં.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા નારાયણ ગાર્ડન પાસે અનન્તા ટ્રેન્ડઝમાં રેલવેની લેવલ -1 ની રિક્રુટમેન્ટની ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે 5 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન થયું હતું, પરંતુ પરીક્ષાર્થીઓને બેઠક વ્યવસ્થા કરવાની હોવાને કારણે 3 વાગ્યે બોલાવી લેવામાં આવ્યા હતા.
પરીક્ષા પહેલા ઉમેદવારોને એડમીટ કાર્ડ, ફોટો ID, મેટલ ડિટેક્ટર અને બારકોડ સ્કેન જેવી ખરાઈની કામગીરી કરવામાં આવી હતી. તે સમયે મનીષ શંભુપ્રસાદ બિહારના ગનૈલીનો રહેવાસી પણ ત્યાં પહોંચ્યો હતો, પરંતુ તપાસમાં ઉમેદવારનો ફિંગરપ્રિન્ટ માટે અંગુઠો મેચ થતો ન હતો. મનીષ વારંવાર પોતાનો હાથ ખિસ્સામાં નાખતો હતો જેના કારણે તપાસકર્તા અધિકારીને શંકા ઉપજી હતી. ત્યાર બાદ અધિકારી મનીષના હાથમાં સેનેટાઈઝર નાખતા જ અંગુઠાની ખોટી ચામડી જે નકલી ફિંગર માટે લગાવી હતી તે સામે આવી ગઈ હતી. ત્યારે વાત સામે આવી હતી કે આરોપી મનીષ નથી.
સ્થળ પર હાજર અધિકારીએ તાત્કાલિક પોલીસને બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. લક્ષ્મીપુરા પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપી રાજ્યગુરૂ ગુપ્તા બિહારના બેલાડીહ ગામના રહેવાસી મનીષનો ડમી ઉમેદવાર હતો તેવું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે ખોટી ચામડી જે અંગુઠા પર લગાવી હતી તે કબ્જે કરી ફોરેન્સિકની મદદથી તપાસ હાથ ધરી છે.