નવજીવન ન્યુઝ. ભરુચ: Bharuch News: ભરુચમાં (Bharuch)કુદરતી હાજતે ગયેલા એક વ્યક્તિ પર ધડાધડ 4 રાઉન્ડ ફાયરિંગ (Firing) કરાતા તે વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતાં SOG, LCBનો પોલીસ (Bharuch Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાની કાર્યવાહીમાં ઈજાગ્રસ્તના પુત્રએ પોલીસ સમક્ષ જેલમાંથી છૂટીને આવેલા પાડોશીએ અંગત અદાવતમાં ફાયરિંગ કર્યુ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
શું બની ઘટના?
ભરૂચના મકતમપુર ગામના પાટિયા પાસે ગાયત્રી ફ્લેટની સામે રોડ ટચ જગ્યાએ મૂળ બિહારના 55 વર્ષીય રામ ઈશ્વર શાહ સાળા અને બનેવી સાથે માટલા તેમજ નર્સરીનો વ્યવસાય કરે છે. આજે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ તેઓ ઘરેથી કુદરતી હાજત માટે કોઈ અવાવરુ જગ્યાએ ગયા હતા. ત્યા કોઈએ તેમના પર ધડાધડ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં ભરુચના પી.આઈ. સહિત SOG, LCB ની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવી હતી. જો કે આ ગોળીબારમાં રામ ઈશ્વર શાહને પેટ, માથા, હાથ અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પરંતુ ગંભીર ઈજાઓ થઈ હોવાને કારણે અને વધુ સારવારની જરુરિયાત હોય તેમને વડોદરા SSG હોસ્પિટલમાં રીફર કરાયા હતા.
પ્રાથમિક તપાસમાં થયો અંગત અદાવતનો ખુલાસો
આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તુરંત દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને ઘટના સ્થળ પરથી 4 ફુટેલી કારતુસ મળી આવી હતી. પોલીસે ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થનારના પુત્રની પૂછપરછ કરી ત્યારે પુત્ર લલન શાહે સજા કાપી આવેલા બિહારના વતની પાડોશી પર આશંકા વ્યક્ત કરી હતી.
ખુલાસો કરતાં તેણે જણાવ્યુ હતુ કે, તેમના વતન બિહારના સિહાર જિલ્લામાં 4 વર્ષ પહેલા વર્ષ 2019માં પાડોશી અસ્સરૂલ હક સાથે ગામની જમીન બાબતે માથાકૂટ થઈ હતી. જે અંગે તેમને અસ્સરૂલ હક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પાડોશી આરોપીને કોર્ટે જેલની સજા ફરમાવી હતી.
બિહારના પાડોશી આરોપીને સજા થતા તેણે રામ ઈશ્વર શાહને ઘમકી આપી હતી કે, “જેલમાંથી છૂટીને તને નહિ છોડું”. ત્યારે હાલમાં જ અસ્સરૂલ હક જેલમાંથી છૂટી આવતા તેણે જ અગાઉની અંગત અદાવતમાં પિતા પર ફાયરિંગ કર્યુ હશે. એવી આશંકા પુત્ર લલન શાહે પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.
પુત્રના શંકાના આધારે આપેલા નિવેદનને નોંધીને ભરુચ પોલીસે ઘટતી કાર્યવાહી શરુ કરી છે. ઘટના સ્થળના આસપાસના CCTV તપાસવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ શહેરની નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધર્યુ છે. ફાયરિંગ કરનાર હુમલાખોરને પકડી પાડવા માટે કમર કસી છે.








