નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ બેંગકોક(Bangkok)થી ભારત(India)આવી રહેલી ફ્લાઈટમાં મુસાફરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો બીચક્યો હતો. થાઈ સ્માઈલ એરવેઝ (Thai Smile Airway)ની ફ્લાઈટમાં સવાર કેટલાક મુસાફરો વચ્ચે ઝઘડો થતાં મારામારી પર ઉતરી આવતા કેટલાક યાત્રીકોએ આ ઘટને રેકોર્ડ કરી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે મુસાફરો વચ્ચે બોલાચાલી શરૂ થતાં એર હોસ્ટેસ મામલો શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતું એક પેસેન્જરના અન્ય સાથીઓ આવી જતાં મામલો મારામારીએ પહોંચ્યો હતો.
આ ઘટના પર બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)ના ડીજી ઝુલ્ફીકાર હસનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે વાયરલ વીડિયોની નોંધ લીધી છે, બેંગકોકથી કોલકાતા જઈ રહેલી થાઈ એરવેઝની ફ્લાઈટમાં મુસાફરો વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)એ સંબંધિત ઓથોરિટી પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આગળની કાર્યવાહી કરવામાં આવશે.
થાઈ સ્માઈલ એરવેઝની ફ્લાઈટમાં સવાર કેટલાક મુસાફરો વચ્ચે કથિત રીતે ઝઘડો થયો હતો. આ ઝપાઝપીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્લેનની અંદરની ઝપાઝપીની વીડિયો ક્લિપ બુધવારે સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી હતી. ક્લિપમાં એક માણસને કેટલાક સહ-પ્રવાસીઓ દ્વારા ઘણી વખત થપ્પડ મારતા જોઈ શકાય છે. પ્લેનમાં સવાર એક મુસાફરના જણાવ્યા અનુસાર, આ ઘટના 26 ડિસેમ્બરે બની હતી, વિમાન ટેકઓફ માટે રનવે ઉતરે તે પહેલા ઘટના બની હતી.