નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections Gujarat) આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણીના ગરમાવાની વચ્ચે ગરમીનો પારો વધી રહ્યો હોવાથી તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો કર્યો છે. અંબાલાલ પટેલે (Ambalal Patel) કરેલી આગાહી અનુસાર મતદાનના દિવસે ગરમીનો પારો 41 થી 42 સેલ્સિયસ રહી શકે છે.
આગામી 26મી એપ્રિલ મતદાન (Voting Day) ના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 41 થી 42 સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે. ગરમીને લઈને રાજકીય પક્ષોએ સવારે 10 પહેલાં અને બપોરે સાડા ચાર વાગ્યા પછી વધુમાં વધુ મતદાન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. BJP, Congress અને Aam Aadmi Party એ મતદારોને મતદાન મથક સુધી લઈ આવવા અલગ-અલગ રણનીતિ અપનાવી છે. મતદાન મથકોની આસપાસ બેસતા કાર્યકર્તાઓ અને મતદારો માટે છત્રી, ઠંડુ પાણી અને ORS જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. દર વખતની જેમ મતદારોને બુથ સુધી પહોંચાડવા વાહન વ્યવસ્થા પણ કરવામાં આવશે.








