Friday, May 1, 2026
HomeGeneralપોલીસવાળાએ શરૂ કરેલા ઢાબા ઉપર નરેન્દ્ર મોદી લેમ્રેટા લઈ જમવા આવતા હતાઃ...

પોલીસવાળાએ શરૂ કરેલા ઢાબા ઉપર નરેન્દ્ર મોદી લેમ્રેટા લઈ જમવા આવતા હતાઃ કીટલીથી શરૂ થયેલી સફરે હોટેલીયર બનાવ્યો જુઓ Video

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): દામોદારદાસ ઠક્કર મુળ તો ગુજરાતના ડીસાના વતની પણ 1950માં અમદાવાદમાં આવ્યા અને પોલીસમાં નોકરીએ જોડાયા, પણ સ્વભાવ દરબાર જેવો જ તેજ, પોલીસની જ નોકરીમાં પોતાના ઉપરી અધિકારી સાથે બોલવાનું થયું તો ઉપરી અમલદારને બેલ્ટ કાઢી ફટકારી દીધો, પછી પોલીસની નોકરી છુટી જતા અમદાવાદની વીએસ હોસ્પિટલ પાસે ગેરેજ શરૂ કર્યું, સ્વભાવ મોજીલો અને રંગીન પૈસા આવે એટલે વાપરી નાખવાના જેના કારણે ગેરેજની બાજુમાં આવેલી ચાની કીટલીનું બીલ પણ ચઢી ગયું હતું, એક દિવસ દામોદરે બુમ પાડી ચાની કીટલીવાળાને બુમ પાડી ચા મંગાવી તો જવાબ મળ્યો, ઉતાવળ હોય તો જાતે બનાવી લે.. હજી ગયા મહિનાનું બીલ બાકી છે અને ગરમી કરે છે, બસ આ વાકય ખટકી ગયું, આમ તો ચાવાળાને સબક શીખવાડવો હતો બાજુમાં આવેલા ટંકારા સ્ટોરના માલિક પાસેથી 400 રૂપિયા ઉધાર લીધા અને વીએસ હોસ્પિટલની ગલીમાં ગોપી ચાની કીટલી શરૂ કરી, આ વર્ષ હતું 1976નું.



દામોદરદાસની જીંદગી બહુ કષ્ટમાં પસાર થઈ હતી. બાળપણમાં ડીસામાં આવેલી ગોપી રેસ્ટોરન્ટમાં બાળ મજુર તરીકે કામ કરતા હતા. જેના કારણે ચાની કીટલી શરૂ કરી તેનું નામ પણ ગોપી જ રાખ્યું, ચાની કીટલી સાથે ગાંઠીયા અને જલેબી પણ બનાવવા લાગ્યા, ચાની કીટલી સારી ચાલવા લાગી. દામોદર એકલા પહોંચી શકે તેમ ન્હોતા, આથી તેમણે સ્કૂલમાં ભણતા દિકરા દિલીપને સ્કૂલમાંથી ઉઠાવી લીધો અને કહ્યું ચાલ આ ભણવાનું કઈ કામ આવશે નહીં ધંધા ઉપર આવી જા, દિલીપની ઉંમર ત્યારે 14 વર્ષી હતી, સ્કૂલ છોડી પિતાની ચાની કીટલી ઉપર આવી ગયો, પણ દિલીપનું મન કચવાતુ હતું કીટલી ઉપર વીએસ હોસ્પિટલના ડૉકટર્સ રોજ આવતા, તેમની વાતો દિલીપ સાંભળતો, ડૉકટર બધા અંગ્રેજીમાં વાત કરતા દિલીપને સ્કૂલ છોડયાનો રંજ થતો, પિતાને વિનંતી કરી કે સવારની સ્કૂલમાં જવા દો… સ્કુલ છુટે એટલે કીટલી ઉપર આવી જઈશ અને સવારની સ્કૂલમાં જઈ પિતા સાથે દિલીપએ કીટલી સંભાળવાનું શરૂ કર્યું.

- Advertisement -

દામોદરદાસના ગાંઠીયા ફાફડા અને જલેબી ખાનાર અચુક પાછો ખાવા આવે જ તેવો જાદુ તેમના હાથમાં હતો. એક ડૉકટરે સલાહ આપી કે તમે આટલા સારા કારીગર છો તો રેસ્ટોરાં કેમ કરતા નથી. આ પ્રશ્નમાંથી જન્મ થયો ગોપી ડાઈનીંગ, નદીની આ પાર એક પણ ગુજરાતી થાળીની રેસ્ટોરરાં ન્હોતી, ડાઈનીંગ હોલ શરૂ કરતી વખતે દામદોરને પોતાના જુના શેઠ યાદ આવ્યા, ડીસામાં ગોપી રેસ્ટોરાં ચલાવતા માલિકને અમદાવાદ બોલાવ્યા અને તેમના હાથે ગોપી ડાઈનીંગનું ઉદ્દઘાટન કરાવ્યું, આ વર્ષ હતું 1979. વીએસ હોસ્પિટલ નાકે ગોપી ડાઈનીંગ શરૂ થયું, જો કે બેસવાની વ્યવસ્થા તો ઢાબા જેવી જ હતી, પણ ગોપીની થાળી એટલી વખણાઈ કે અમદાવાદના નામાંકીતો થાળી જમવા આવવા લાગ્યા. દિલીપ ઠક્કર કહે છે ત્યારે નરેન્દ્ર મોદી પણ લેમ્રેટા સ્કુટર લઈ જમવા આવતા હતા ત્યારે તેઓ પ્રચારક હતા, દિલીપ ભણવામાં હોશિયાર અભ્યાસ પુરો થયા પછી કોઈ મિત્રએ સલાહ આપી કે જો આ જ ધંધો કરવો છે તો હોટલ મેનેજમેન્ટ કરવુ જોઈએ.



દિલીપ ઠક્કરે હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને ઢાબા જેવી ચાલતી ગોપીને એક નવો લુક આપી ગોપી એર કંડીશન ડાઈનીગ હોલ બનાવ્યો આજે એક પણ અમદાવાદ ગોપીની થાળીથી અપરિચીત હોય તેવું બને નહીં. 1996માં દિલીપ ઠક્કર અને તેમના ભાઈ રાજુએ મળી બાલારામ રિસોર્ટ ખરીદ્યો જ્યાં અનેક ફિલ્મોના શૂટીંગ પણ થયા, થોડા વર્ષો પહેલા દામોદરદાસનું નિધન થયું પણ હવે આગળની સફરની બાગડોર દિલીપ અને રાજુ પાસે છે. આમ ચાની કીટલીથી શરૂ થયેલી સફરના દિલીપ ઠક્કર સાક્ષી રહ્યા છે, આજે હોટેલીયર તરીકેની તેમની ઓળખાણ છે, તા 6 જાન્યુઆરી 2022ના રોજ પોતાની 60મી વર્ષ ગાંઠ ઉજવશે આવો તેમની સફરનો એક નાનકડો વીડિયો જોઈએ…

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular