નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના ધોળકા તાલુકાના લોલીયા ગામે સરપંચની ચૂંટણી મામલે ભરવાડ જ્ઞાતિના શખસોએ દલિત યુવકની હત્યા કરી હતી. આ મામલે કોઠ પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટિંગ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જે કેસની તપાસ તત્કાલીન એસડીપીઓ સરખેજ નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) કરી હતી. આ કેસ અદાલતમાં ચાલી જતાં 6 પૈકીના 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. એક આરોપીનું મોત થયું છે. કૉર્ટે મૃતકના પરિવારને 6 લાખ રૂપિયાનું વળતર ચૂકવી આપવા સરકારને આદેશ કર્યો છે.
શું હતો હત્યા તેમજ ધીંગાણાનો મામલો
ધોળકા તાલુકાના લોલીયા ગામે ચૂંટણીને લઈને ભરવાડ જ્ઞાતિના કેટલાંક શખસોએ એકઠાં થઈને વર્ષ 2013માં સરપંચ વિજય ચાવડાની ઘાતકી રીતે હત્યા કરી હતી. ભરવાડ સમાજના અડધો ડઝન શખસોએ કરેલા હુમલામાં અન્ય એક વ્યક્તિની હત્યાનો પ્રયાસ પણ કરાયો હતો. આ મામલે કોઠ પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ચકચારી હત્યા કેસની તપાસ તત્કાલીન અમદાવાદ ગ્રામ્ય એસપી ગગનદીપ ગંભીરે સરખેજના તત્કાલીન એસડીપીઓ નિર્લિપ્ત રાયને સોંપી હતી. જે કેસમાં રઘુભાઈ હરીભાઈ ભરવાડ, ભીમાભાઈ હરીભાઈ ભરવાડ, કાળુભાઈ રણછોડભાઈ ભરવાડ, મફાભાઈ રણછોડભાઈ ભરવાડ ઉર્ફે દાનુ, કુલદીપ મફાભાઈ ભરવાડ ઉર્ફે લાલો અને જિગ્નેશ રઘુભાઈ ભરવાડની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાયા હતા.
દલિત યુવાનના હત્યા કેસમાં 13 વર્ષે આવ્યો ચુકાદો
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોલીયા ગામ ખાતે વર્ષ ૨૦૧૩માં થયેલા ખૂન, ખૂનના પ્રયાસ, રાયોટિંગ તથા એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, ધોળકા દ્વારા 17 માર્ચના રોજ ચુકાદો આપવામાં આવ્યો છે. અદાલતે ભીમાભાઈ હરીભાઈ ભરવાડ, કાળુભાઈ રણછોડભાઈ ભરવાડ, મફાભાઈ રણછોડભાઈ ભરવાડ ઉર્ફે દાનુ, કુલદીપ મફાભાઈ ભરવાડ ઉર્ફે લાલો અને જિગ્નેશ રઘુભાઈ ભરવાડને હત્યાના કેસમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. અત્રે નોંધનીય છે કે, આ કેસના આરોપી રઘુભાઈ હરીભાઈ ભરવાડ માર્ચ-2023માં મૃત્યુ પામ્યા છે.
દોઢ વર્ષ બાદ મૃતકની બહેનની હત્યા કરી
સરપંચ વિજય ચાવડાની હત્યાના દોઢેક વર્ષ બાદ તેમના સગા બહેન અને પૂર્વ ચર્મ ઉદ્યોગના ચેરમેન પ્રવીણાબહેન અમરાભાઇ ચાવડાની હત્યા કરી દેવાઈ હતી. પ્રવીણાબહેન તેમના ભાઈના હત્યા કેસના ફરિયાદી હતા. બગોદરા હાઇવેના રોઇકા ગામના પાટિયા પાસે તેમની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવવા તેમજ પુરાવાનો નાશ કરવા સ્થળ પર વાહનથી પગ કચડી નાંખવામાં આવ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ગુનાના મુખ્ય આરોપી કુલદીપ ઉર્ફે લાલો દાનુભાઇ મફાભાઇ ભરવાડ અને ભીમા હરિભાઇ ભરવાડની ધરપકડ કરી હતી.








