પ્રશાંત દયાળ.અમદાવાદઃ Deesa Blast Case: ડીસા ફેક્ટરીમાં લાગેલી આગને લઈને મૃત્યુ પામેલા મૃતકોના પરિવાર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છે. ગુજરાત દુર્ઘટનાઓનું રાજ્ય બનતું જાય છે અને સરકારને સામાન્ય લોકોની પડી નથી આવી ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં થઈ છે. બનાસકાંઠાના ડીસા પાસેની એક ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 22 લોકોના મોત થયા હતા. આ મામલે પોલીસે જે તે સમયે 2 આરોપી પિતા-પુત્ર દીપક અને ખૂબચંદ મોહાનીને ઝડપ્યા હતા. SITની રચના કરવામાં આવી હતી. 1 એપ્રીલ 2025ના દિવસે દીપક ટ્રેડર્સ નામની ગેરકાયદે ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો હતો. આ ફેક્ટરી પરવાનગી વગર કેવી રીતે ધમધમી રહી હતી? ગેરકાયદે એકમો સામેની કામગીરી કયા અધિકારીની હતી? તે બધા જ પ્રશ્નો પ્રશ્નો જ રહી ગયા, પણ હવે આ મમલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.
ઘટના કાંઈક એવી હતી કે, બનાસકાંઠાના ડીસા નજીક ઢુવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગે છે અને 22 ગરીબ મજૂરો માર્યા જાય છે. સરકાર મૃતકોને 4 લાખ રૂપિયા આપી પોતાની જવાબદારી પૂરી થઈ હોય તેવું માની રહી હતી પણ હવે આ મધ્યપ્રદેશના મજૂરો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે પહોંચ્યા છે સુપ્રીમ કોર્ટ અને તેમણે કહ્યું છે કે આ અંગેની એક નવી તપાસ આપો અને આ તપાસ ગુજરાત બહારની પોલીસને આપો. તેની પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે, અમને ગુજરાતની પોલીસ ઉપર ભરોસો નથી કે તે પોતાના માણસો સામે કાર્યવાહી કરશે.
આપણે ત્યાં ઘટનાઓ પછી ઘટનાઓ ઘટી છે પણ આપણું તંત્ર ઘટનાઓમાંથી શીખતુ નથી અને લાગે છે કે આ સરકાર બહેરી-બોબડી, લૂલી-લંગડી, થઈ ગઈ છે અને તેનામાં હવે હૃદય જ રહ્યું નથી. મોરબી કાંડ થાય છે જેમાં 150 લોકો માર્યા જાય છે, પછી હરણીકાંડ થાય છે, હરણીકાંડ પછી ટીઆરપી કાંડ થાય છે અને છેલ્લે બનાસકાંઠામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં રોટલો રળવા આવેલા મધ્યપ્રદેશના 22 મજૂરો ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં મોતને ભેટે છે. સરકાર 4 લાખ રૂપિયાનું વળતર આપી પોતાની જવાબદારી પૂરી થઈ છે એમ કપડા ખંખેરી નાખે છે. આ બેશરમીની હદ હતી પણ અહીંયા સરકારને પૂછનારું કોઈ નથી એટલે સરકારને એવું લાગે છે કે જ્યારે હવે આ પ્રજાએ અમને 156 બેઠકો આપી દીધી છે તો કોણ પૂછશે?
જોકે એવું નથી, પૂછનારું કોઈક છે. મધ્યપ્રદેશના મજૂરો જેમણે પોતાના સ્વજન ગુજરાતના ફટાકડા કાંડમાં ગુમાવ્યા તે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. અમારી જાણકારી એવું કહે છે કે, ગુજરાતના જાણીતા વકીલ ઉત્કર્ષ દવે દ્વારા તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે અને તેમણે એક પછી એક ઘટનાઓ સુપ્રીમ કોર્ટ સામે મૂકીને કહ્યું છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતે દુર્ઘટનાનું રાજ્ય બનતું જાય છે અને સરકારને અહિયા માણસની કોઈ કિંમત નથી, સરકારની બેદરકારી છે અને સરકારની બેદરકારીને કારણે આ 22 લોકો મૃત્યુ પામ્યા છે. તેમને પ્રત્યેકને બે કરોડ રૂપિયાનું વળતર આપવા અને જેઓ ઈજાગ્રસ્તોને 50 લાખ રૂપિયાનું વળતર આપવાાં આવે તેવી માગ સુપ્રીમ કોર્ટ સામે મુકી છે.
સુપ્રીમ કોર્ટ સામે થયેલી પીટીશનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, દરેક વખતે કોઈને કોઈ દુર્ઘટના પાછળ સરકારી અમલદારો સ્થાનિક તંત્ર જવાબદાર હોય છે પણ આખા મામલામાં સ્થાનિક અધિકારીઓને સરકાર સાક્ષી બનાવે છે, ખરેખર તો તેઓ આરોપી બનવા જોઈતા હતા પણ સરકાર પોતાના અધિકારીઓને બચાવે છે. ટીઆરપી કાંડ પછી ગુજરાત હાઈકોર્ટે ગુજરાતના તમામ ચીફ ફાયર ઓફિસરને ઠપકો આપીને કહ્યું હતું કે, એવી વ્યવસ્થા ઊભી કરો કે હવે આ પ્રકારનો કાંડ ન થાય છતાં ડીસાની અંદર ફટાકડા કાંડ થાય છે. પીટીશનમાં એવું કહેવામાં આવ્યું છે કે, આખી ઘટનાને માટે સ્થાનિક પોલીસ સહિત કલેક્ટરની જવાબદારી છે પણ કોઈ સામે પગલા લેવામાં આવતા નથી. બધા પોતું મારવાનું કામ કરે છે, એટલે જ પીટીશનમાં એવી માંગણી થઈ કે આ મામલાની તપાસ ગુજરાત બહારની પોલીસને સોંપો તો જ શક્ય છે કે, ગુજરાતના જે અધિકારીઓ આખી ઘટના માટે જવાબદાર છે, તેમને આરોપી બનાવવામાં આવે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જોવું રહ્યું કે, સુપ્રીમ કોર્ટ આ દિશામાં કયો આદેશ કે કયો નિર્દેશ આપે છે પણ સરકાર દરેક વખતે દાવો કરે છે કે અમે ચમરબંધીને છોડીશું નહીં પણ અહીં જાણવા મળે છે કે સરકાર કોઈ ચમરબંધીને પકડતી જ નથી આ દાવાઓ વચ્ચે ગુજરાતનો ગરીબ-સામાન્ય વર્ગનો માણસ મરવા માટે જન્મ્યો હોય એવું લાગી રહ્યું છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








