ક્રૂડ ઓઇલ બજારમાં મંદીનો ભય રોકાણકારો માટે બજારમાંથી નીકળી જવાની પ્રેરણા આપી રહ્યો છે
૨૦૨૩ના પાછલા છમાસિકમાં દૈનિક ૭ લાખ બેરલનો પુરવઠા વધારો દાખવશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : વૈશ્વિક સ્તરે વધતી મંદીનો માહોલ અને મોટા હેજ ફંડ ખેલાડીઓએ તેમના હાથ પરના સોદા હળવા કર્યાની અફવાએ, ક્રૂડ ઓઇલમાં આખાવર્ષનો સુધારો ધોવાઈ ગયો હતો. વાસ્તવિકતા કરતાં અફવાઓના વધુ ભયે સોદા ફેકી દેવાનું વલણ વધ્યું છે. ક્રૂડ ઓઇલ બજારમાં આવો ભય રોકાણકારો માટે બજારમાંથી નીકળી જવાની પ્રેરણા આપી રહ્યો છે, ખાસ કરીને અમેરિકન ફેડરલ રિઝર્વે કહી દીધું છે કે અમે બજારના દેરવ્યા દોરવાવાના નથી, આથી બજાર તમને ગેરમાર્ગે દોરવે છે. ગત ગુરુવારે એકજ દિવસમાં ૪ ટકાનું ગાબડું પડ્યું, આવી ઘટના હવે સામાન્ય બની જવાની.
આ બધી ઘટના વચ્ચે શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફેબ્રુઆરી વાયદો સતત છટ્ઠા સત્રમાં ઘટી એક વર્ષના તળિયા નજીક ૭૫.૧૧ ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો હતો. યૂરોપમાં મંદીની ગંભીર ચિંતાઓએ સેન્ટ્રલ બેન્કોને વિહવળ બનાવી દીધી છે. રશિયા પર પશ્ચિમના દેશોએ પ્રત્યેક બેરલ વેચાણ ભાવ ૬૦ ડોલરની મર્યાદા મૂક્યા પછી, ગત સપ્તાહના આરંભથીજ ભાવ નીચે જવાનો હોડ લાગી છે.
રશિયન યૂરાલ ક્રૂડ ઓઇલ પરની ૬૦ ડોલરની ભાવ મર્યાદા આવશ્યક છે કે કેમ તે ચકાસવાનું રહેશે. બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈના ભાવ તેથી પણ નીચે જશે કે કેમ તે પણ જોવાનું રહેશે. રશિયન ભાવ મર્યાદા લદાઈ હોઇ, હવે કયા ભાવે ટ્રેડ કરવો તેના નિર્ધારણ કરવાનું રહેશે, ટૂંકાગાળામાં હવે બે ડોલરનની દૈનિક ભાવ વધઘટ સામાન્ય બની જવાની.
ચીન ટૂંકાગાળામાં કોરોના સંબંધના નિયંત્રણો જલદી દૂર નહીં કરે, આ સમાચારે ચીનનું અર્થતંત્ર નબળું પડશે, એવી વાયકા પણ બજારમાં વેચનારાની સંખ્યામાં વધારો કરશે. ગતવર્ષની તુલનાએ નવેમ્બરમાં ચીનના વેપારમાં ૮.૭ ટકાની નરમાઈ આવી છે. અને આયાતની ટકાવારી તો બજારની અપેક્ષા કરતાં વધુ ઘટી ૧૦.૬ ટકા નોંધાઈ છે. અલબત્ત, આ ઘટના સાથે જ અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટ્યૂટનો અહેવાલ કહે છે કે ૬૪.૨૬ લાખ બેરલ ક્રૂડ ઓઇલની સપ્લાય ઘટ નોંધાઈ છે. પણ સાથે જ આ અહેવાલ એવું પણ કહે છે કે ૩૫.૫ લાખ બેરલ ડીસ્ટિલેટ સ્ટોકમાં જબ્બર વૃધ્ધિ થઈ છે.
એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનનો ટૂંકાગાળાનો અહેવાલ કે છે કે હાલમાં જાગતિક ક્રૂડ ઓઇલ બજારની સપ્લાય સ્થિતિ નબળી છે, પણ નવા વર્ષના પાછલા તબક્કામાં દાખલ થતાં જ સપ્લાયમાં વધારો થશે. ઇઆઈએ કહે છે કે ૨૦૨૩ના પ્રથમ છમાસિકમાં દૈનિક બે લાખ બેરલની સપ્લાય ઘટ જોવાશે, ત્યાર પછીના છમાસિકમાં તે દૈનિક ૭ લાખ બેરલનો વધારો દાખવશે.
અમેરિકન પેટ્રોલિયમ માંગને ધ્યાનમાં લઈએ તો, બજારના ઓપરેટરો એવાત ભૂલી જાય છે કે કમર્સિયલ ક્રૂડ ઓઇલ રિઝર્વમાં ૫૧.૮૭ લાખ બેરલ ઘટાડા સામે રિફાઈન્ડ પ્રોડક્ટ સ્ટોક પણ મૂલવવો જોઈએ. ગેસોલીન સ્ટોક જે ધારણા મુજબ ૨૭ લાખ બેરલ હોવો જોઈએ તે બમણો ૫૩.૨૦ લાખ બેરલે પહોંચી ગયો છે, તેથી પણ બજાર નીચે જઈ રહી છે. આથી જ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન કહે છે કે ૨૦૨૩ના અંતિમ તબક્કામાં જાગતિક ઓઇલ સ્ટોક, આગાહી કરતાં પણ ખૂબ મોટો હશે. આને લીધે ગતમહિને તેમણે ક્રૂડ ઓઇલની વાર્ષિક ભાવ સરેરાશમાં આગાહીમાં ૩ ડોલરનો ઘટાડો કરીને ૨૦૨૩ માટે ૯૨ ડોલર પ્રતિ બેરલ કર્યો છે.
(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








