નવજીવન ન્યૂઝ.શિવપુરીઃ છેલ્લા કેટલાક સમયથી મધ્યપ્રદેશમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ગત રવિવારે ભારે વરસાદ વચ્ચે મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો. મગર એટલો મહાકાય હતો કે તેને જોઈને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. અહીંની રહેણાંક કોલોનીમાં દેખાયેલા આ મગરને પકડવા વનવિભાગને જાણકારી આપવામાં આવી હતી. કોલોનીના લોકોએ કહ્યું કે શક્ય છે કે આ રહેણાંક વિસ્તારની પાસેથી પસાર થનારી નાવડીઓમાંથી ઘણી પાણી આવ્યું હતું જેના કારણે મગર પણ કોલોનીમાં ઘૂસી આવ્યો હોય. (અહીં કેટલાક વીડિયો દર્શાવ્યા છે.)
માહિતી મળતાની સાથે જ માધવ નેશનલ પાર્કમાંથી રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. લગભગ એક કલાકની જહેમત બાદ મગરને પકડી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આ મગરની લંબાઈ આઠ ફૂટ હતી. ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓએ આ મગરને સાંખ્ય સાગર તળાવમાં છોડી દીધો હતો.
નોંધનીય છે કે ભૂતકાળમાં ભારે વરસાદને કારણે ધાર જિલ્લામાં કરમ નદી પર બનેલા બંધનો એક ભાગ તૂટી ગયો હતો. આ પછી વહીવટીતંત્ર અને રાહત ટીમે સાથે મળીને ત્યાં બચાવ કામગીરી હાથ ધરી હતી. 18 જેટલા ગામોને ખાલી કરાવવામાં આવ્યા હતા. જોકે ડેમના કારણે સર્જાયેલું આ અણધાર્યું સંકટ ટળી ગયું હતું.








