રશિયાનું ૯.૨૦ લાખ ટન કોપર ઉત્પાદન: એલએમઇ ગોદામોમાં બિનજરૂરી જથ્થો જમા કરાવી દીધો
કોપર ઉત્પાદન ધીમું પાડવાની ચિંતા, માંગની અચોક્કસતા અને પુરવઠા અછતના પ્રશ્નો સર્જાયા
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): વિશ્વના સૌથી મોટા કોપર વપરાશકાર ચીનમાં કોરોના મહામારી નિયંત્રણો, વચ્ચે ઔધ્યોગિક ઉત્પાદન ધીમું પાડવાની ચિંતાઓ એ માંગની અચોક્કસતાઓ અને પુરવઠા અછતના પ્રશ્નો સર્જાયા છે. પરિણામે ભવાના મોમેન્ટમને સંઘર્ષ કરતાં કરી મૂક્યા છે. લંડન મેટલ એક્સ્ચેન્જ પર ત્રિમાસિક કોપર વાયદો મંગળવારે ૭૪૮૦ સુધી ઘટયા પછી વધીને ૭૫૨૪ ડોલર થયો હતો. નવેમ્બર શાંઘાઇ ફ્યુચર્સ એક્સ્ચેન્જ વાયદો ૬૨,૯૧૦ યુઆન મુકાયો હતો. આખા જગતની સેન્ટ્રલ બેન્કોએ ફુગાવો અંકુશમાં લેવા, ઉતાવળે વ્યાજ વધારવાનું શરૂ કરતાં તાંબાની તેજી ઘોંચમાં પડી છે. સામાન્ય રીતે તાંબાને અર્થતંત્રનું ઇન્ડિકેટર ગણવામાં આવે છે.
દરમિયાન યુરોપની મંદી, જ્યાં ઊર્જા કટોકટી સર્જાઇ છે, ત્યાં પણ ધાતુની માંગના દિશાનિર્દેશ નબળા છે, પરિણામે ટ્રેડરો મોટું જોખમ લેવા તૈયાર નથી. જગતના સૌથી મોટા કોપર ઉત્પાદક ચિલીમાં ઓગસ્ટ ઉત્પાદન ૧૦.૨ ટકા ઘટીને ૪,૧૫,૫૦૦ ટન આવ્યું હતું. એક તરફ સપ્લાય અછત બીજી તરફ ચીનમાં સારી માંગને લીધે, ગત સપ્તાહે ચિલીમાં ઓપન આયાત આરબીટ્રાજ પ્રીમિયમ ગત સપ્તાહે ટન દીઠ વધીને ૧૫૨.૫ ડોલર થાય હતા, જે માર્ચ ૨૦૧૪ પછી સૌથી વધુ નોંધાયા હતા. ચીનના સ્પોટ કોપર બજારમાં શિફિ (શાંઘાઇ કોમોડિટી એક્સ્ચેન્જ) ભાવ સામે ડિસ્કાઉન્ટ વધીને ૨૨૫ યુઆન પ્રતિ ટન થયા હતા, જે એપ્રિલ ૨૦૨૧ પછીના સૌથી વધુ હતા.
આ તરફ સપ્ટેમ્બર મધ્યથી એલએમઇ માન્યતા પ્રાપ્ત જર્મની, નેધરલેન્ડ્સ અને તાઈવાન વેરહાઉસમાં રશિયન મૂળના તાંબાનો બીનાવશ્યક મોટો જથ્થો જમા કરાવી દેવામાં આવ્યો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા પછી પશ્ચિમી દેશોએ મોસ્કો પર વેપાર પ્રતિબંધ મૂક્યા, પછી અત્યાર સુધી રશિયન ધાતુ વેપાર પર તેની કોઈ અસર પડી નથી. અમેરિકન જીઓલૉજીકલ સર્વે અનુસાર ગતવર્ષે રશિયાએ ૯.૨૦ લાખ ટન રિફાઈન્ડ કોપરનું ઉત્પાદન કર્યું હતું, જે વિશ્વના કૂલ ઉત્પાદનનો ૩.૫ ટકા હિસ્સો હતો.
ઉત્પાદકો અને વપરાશકારો માટે બજારનો છેલ્લો અને અસરકારક સ્ત્રોત ગણાતા એલએમઇ ગોદામમાં ડિલીવર્ડ થનાર રશિયન કોપર, કેટલાંક ગ્રાહકોએ છેલ્લી ઘડી નકારી કાઢ્યું હતું. આ બધી ઘટનાથી પરિચિત એક સૂત્રએ કહ્યું હતું કે, ઘણા બધા ગ્રાહકો રશિયન કોપર લેવાજ માંગતા ન હતા, કારણ કે આવા સોદાના ગ્રાહકો પોતે જ રશિયા પર વેપાર નિયંત્રણનો અમલ કરવા માંગતા હતા અથવા તેમના અંતિમ વપરાશકારો પણ રશિયન માલનો બહિષ્કાર કરવા ઇચ્છતા હતા.
એલએમઇ ડેટા સૂચવે છે કે રોટરદામ, હેમ્બર્ગ અને કાયહોસયુંગના સત્તાવાર ગોદામોમાં ૧૫ સપ્ટેમ્બરથી સત્તાવાર સ્ટોક અનુક્રમે ૨૨૫ ટકા વધી ૧૪,૮૦૦ ટન, ૧૫૩ ટકા વધી ૨૪,૮૨૫ ટન, અને ૨૬ ટકા વધી ૨૨,૮૦૦ ટન થયો હતો. આ ડેટા વધુમાં સૂચવે છે કે ૧૬ સપ્ટેમ્બર સુધીમાં એલએમઇ કોપર સ્ટોક ઘટીને ૧,૦૨,૦૦૦ ટનની નવી નીચી સપાટીએ પહોંચી ગયો હતો જે ત્યાર પછી સતત વધવા લાગ્યો છે.
તાજા આંકડા કહે છે કે સ્ટોક ૪૦ ટકા કરતાં વધુ વધીને ચાર મહિનાની નવી ઊંચાઈએ ૧,૪૩,૭૭૫ ટન થયો છે. જો આ વર્ષનો વૈશ્વિક સ્ટોક ૨૫૦ લાખ ટન જોઈએ તો એલએમઇના આ આંકડા ખૂબ ઓછા છે, પરંતુ સૂત્રો કહે છે કે જો આ જ રીતે રશિયન માલ એલએમઈમાં ખડકાતો રહેશે તો વહેલા મોડા એક્સ્ચેન્જ મુશ્કેલીમાં મુકાઇ જશે. એલએમઇ, શાંઘાઇ ફ્યુચર્સ એક્સ્ચેન્જ અને શાંઘાઇ આસપાસના ગોદામોમાં મળીને ગત સપ્તાહે સાપ્તાહિક ધોરણે ૧૨૦૦૦ ટન ઘટીને કૂલ સ્ટોક, ૨,૫૩,૦૦૦ ટન રહ્યો હતો.
(અસ્વીકાર સુચના: કોમોડિટીડિએનએ અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








