નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા નેશનલ હાઈવે પર બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 15 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
વડોદરામાં કપુરાઈ બ્રિજ નેશનલ હાઈવે પર વહેલી સવારે ખાનગી બસ અને ટ્રેલરનો અકસ્માત થયો છે. બસ રાજસ્થાનના ભીલવાડાથી મુંબઈ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત થયો હતો. ટ્રેલરને ઓવરટેક કરતી વખતે બસ ઘંઉ ભરેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ ટ્રેલરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ટ્રેલર લઈને ફરાર થઈ ગયો હતો.

અકસ્માત એટલો ગંભીર હતો કે બસના બુકડા બોલી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયદ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતુ. બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસના પતરા કાપવા પડ્યા હતા. આ અકસ્માતમાં 3 મુસાફર અને ડ્રાઈવરનું મોત નિપજ્યુ છે. જોકે સારવાર લઈ રહેલા બે મુસાફરોના મોત થતાં મૃત્યુ આંક 6 પર પહોંચ્યો છે. પોલીસે ફરાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.








