Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadભાજપનો કિલ્લો અભેદ્ય થઈ ચૂક્યો છે?

ભાજપનો કિલ્લો અભેદ્ય થઈ ચૂક્યો છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): છેલ્લા દસ વર્ષથી ભારતીય જનતા પક્ષ (BJP) મજબૂત બની રહ્યો છે. આ વખતે પણ જે રીતે ચાર રાજ્યોના પરિણામ આવ્યા તેમાં ફરી એ સાબિત થયું. ભાજપનો કિલ્લો જાણે અભેદ બની રહ્યો તેમ લાગી રહ્યું છે. ભાજપ અને તેમના આગેવાનો અંગેની કેટલીક વાતો સ્પષ્ટ છે, જેના કારણે દેશભરમાં ભાજપનું પ્રભુત્વ વધતું દેખાય છે. પણ દર વખતે ભાજપતેની રણનીતિથી રાજકીય સ્પર્ધકોને હંફાવી આગળ નિકળે છે. હાલમાં ભાજપ પાસે સાડા નવ વર્ષથી કેન્દ્રમાં મજબૂત નેતા તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તો છે, પણ સાથે સાથે હવે આવેલા પરિણામ સાથે કુલ બાર રાજ્યોમાં ભાજપની સરકાર છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર જેવાં રાજ્યો પણ છે, જ્યાં ભાજપ ટેકો આપીને સરકારમાં પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે.

ભાજપનો કિલ્લો અભેદ લાગે છે તેનું મહત્ત્વનું કારણ ભાજપ પાસે આવતું ભંડોળ છે. હાલમાં ભાજપ પાસેનું કુલ ભંડોળ 6,046 કરોડ રૂપિયા છે અને ‘અશોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ્સ’ મુજબ રાજકીય પક્ષોને મળેલા કુલ ભંડોળમાં સિત્તેર ટકા જેટલું ભંડોળ માત્ર ને માત્ર ભાજપને મળ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, રાષ્ટ્રીય કક્ષાના આઠ પક્ષોનું કુલ ભંડોળ 8,829 કરોડ છે, જેની સામે એક જ ભાજપ પક્ષનું ભંડોળ 6,046 કરોડ છે. દેશમાં જેણે પચાસ વર્ષથી વધુ વર્ષ સુધી શાસન કર્યું તે કોંગ્રેસ પાર્ટીનું ભંડોળ આઠસો કરોડનું છે. મતલબ કે જે રીતે ભાજપ ચૂંટણીમાં મત મેળવવા માટે રણનીતિ ગોઠવે છે તે પ્રમાણે પક્ષનું ભંડોળ વધતું રહે તે માટેના પણ ભાજપના પ્રયાસ છે. ભાજપ આટલો મોટો પક્ષ હોવા છતાં જ્યારે તેમના વેબસાઈટ પર જઈએ ત્યાં પક્ષ દ્વારા માઇક્રો ડોનેશનની વ્યવસ્થા રાખી છે. તેમાં પાંચ રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનું ડોનેશન કરી શકાય છે. ‘માય નેતા’ નામની વેબસાઈટ પર 2021-22માં ભાજપને 614 કરોડ રૂપિયા ડોનેશન આપનારાંનો આંકડો 4957 છે. આ ડોનર્સનું સરેરાશ ભાજપને આપેલું ડોનેશન 12 લાખ છે.

- Advertisement -

નાણાં ઉપરાંત ભાજપ અત્યારે સભ્યસંખ્યામાં મજબૂત દેખાય છે. 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન જ્યારે ભાજપ દ્વારા મેમ્બરશીપની ડ્રાઇવ કરવામાં આવી હતી, ત્યારે પક્ષ પ્રમુખ જે. પી. નડ્ડાએ ભાજપ પક્ષના સભ્યોની સંખ્યા 18 કરોડ ગણાવી હતી. ભાજપના કાર્યકર્તા કે સભ્ય બનવાનું ખૂબ સરળ છે અને તે માટે ઓનલાઈન એન્ટ્રી કરવાની સવલત છે. સંભવત્ બીજા પક્ષોએ પણ આમ કર્યું હશે, પરંતુ ભાજપની સાઇટ પર તે પ્રક્રિયા સરળ દેખાય છે. જોકે ભાજપના સભ્યસંખ્યાને લઈને અનેક જગ્યાએ પ્રશ્ન પણ ઊઠ્યા છે. જેમ કે ‘ધ પ્રિન્ટ’ પોર્ટલ પર ડિ. કે. સિંઘે લખેલા લેખમાં લખ્યું છે કે, 2019માં ભાજપે 18 કરોડ મેમ્બર સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાના દાવો કર્યો હતો. 2014ની ચૂંટણી કરતાં સભ્ય સંખ્યાનો આ આંકડો 64 ટકા વધુ હતો. 2019માં ભાજપને લોકસભાની ચૂંટણીમાં કુલ વોટ 22.90 કરોડ મળ્યા હતા, મતલબ કે ભાજપને વોટ આપનારા 78 ટકા લોકો ભાજપના જ સભ્ય હોવા જોઈએ. આ શક્ય નથી, પરંતુ હજુય ભાજપ પક્ષ તરફથી તેવા દાવા થાય છે. જોકે 18 કરોડ ન હોય તો પણ ભાજપ દેશમાં અત્યારે સૌથી વધુ સભ્યસંખ્યા ધરાવતો પક્ષ તો છે જ.

અહીં સભ્યસંખ્યા અને કાર્યકર્તાઓની ભેળસેળ ન થવી જોઈએ. પક્ષનો કાર્યકર્તા છે તે પક્ષના રોજબરોજના કાર્ય સાથે સંકળાયેલો હોય છે જ્યારે સભ્ય માટે તે જરૂરી નથી. ઘણાં કેસમાં તો સભ્ય નામ પૂરતા પણ હોય છે. ભાજપે પક્ષના કાર્યકર્તા માટે 2024ના લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે હાલમાં જ ‘સરલ’ નામની એક એપ તૈયાર કરી છે. આ એપ દ્વારા ભાજપના 60 લાખથી વધુ કાર્યકર્તાઓને રોજબરોજ કાર્ય અંગે માહિતગાર કરશે અને પક્ષ વતી મળતાં સંદેશાઓ સાથે જોડી રાખશે. આ એપની જાહેરાત ભાજપનું ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી વિભાગ સંભાળતા અમિત માલવિયાએ કરી છે. આ એપની જરૂરિયાત વિશે તેમણે કહ્યું હતું કે, અમે ચૂંટણી દરમિયાન 30,000 લોકો ધરાવતું કોલ સેન્ટર મેનેજ કરીએ છીએ, વિશ્વમાં માત્ર આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ ભાજપ દ્વારા જ થાય છે. આ રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે અમિત માલવિયા સ્પષ્ટ રીતે એમ જણાવે છે કે, અમે પક્ષ તરીકે મુક્ત માર્કેટ, મૂડીવાદ અને પ્રોફીટમાં માનીએ છીએ. અને જેઓ અમને ચૂંટણી દરમિયાન સર્વિસ આપે છે તેમને અમે બજાર પ્રમાણેનું મૂલ્ય ચૂકવીએ છીએ.

નાણાં અને સભ્યસંખ્યા ઉપરાંત ભાજપે પોતાના પક્ષે જમા પાસું છે તે ટેક્નોલોજી. આજે કોઈ પણ પક્ષ કરતાં ભાજપ તે બાબતે આગળ છે. અને એટલે જ આ રીતે ડે ટુ ડે કાર્યકર્તાઓ સાથે સંપર્ક રાખવા માટે એક અલાયદી એપ તૈયાર કરી છે. રાજકીય પક્ષોનું ખરું કાર્ય ગ્રાઉન્ડ વર્ક હોય છે, પરંતુ આજે ટેક્નોલોજી પણ અગત્યનો ભાગ ભજવે છે અને તે માટે ભાજપ બધી રીતે તૈયાર છે અને તેમાં કોઈ બાંધછોડ પણ થતી નથી.

- Advertisement -

છેલ્લા સાડા નવ વર્ષના કાર્યકાળમાં નોટબંદી, પુલવામા અને કોરોના જેવાં મુદ્દાઓ ભાજપની સરકાર માટે પડકાર હતા. પરંતુ તેનાથી પણ પક્ષ આબાદ રીતે બચી નીકળ્યો, તેનું એક કારણ પક્ષનો જોરશોરથી થતો પ્રચાર છે. ટેક્નોલોજીમાં એક અગત્યનું પરિબળ સોશિયલ મીડિયા પણ છે. સોશિયલ મીડિયામાં જે રીતે ભાજપ પક્ષ કાર્ય કરે છે તે કારણે પણ ભાજપ લોકોના મનમાં મજબૂત જગ્યા બનાવવામાં કામિયાબ પક્ષ રહ્યો છે.

ભાજપનું એક સૂત્ર છે ‘ટુવર્ડ્સ ન્યૂ ઇન્ડિયા ક્રિએશન’. ભાજપ નવું ભારત નિર્માણ કરવા ઇચ્છે છે કે નહીં પરંતુ તેનો પ્રચાર શોરશોરથી થાય છે. રાજ્ય કે કેન્દ્ર સરકારની ફરજમાં આવે છે કે તેમના દ્વારા લોકકાર્ય થાય. પણ હવે લોકકાર્ય ઉપરાંત તેનો પ્રચાર એક અગત્યની કડી બની ચૂકી છે. અને કેટલાંક પ્રોજેક્ટ એવાં લોન્ચ થયા છે જેના કારણે પણ નવું ભારત નિર્માણ થઈ રહ્યું છે તેવું લોકોને લાગે. જેમ કે, મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેન. બીઆરટીએસ, મેટ્રો અને માઇક્રો લેવલ પર ચાલીઓમાં પથ્થર લગાવવાનું પણ કાર્ય ભાજપ દ્વારા થયું છે. તેમાં કેટલાંક પ્રોજેક્ટમાં પ્રજાનાં નાણાં બેફામ વપરાયા છે, પરંતુ તે પ્રોજેક્ટે ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા છે. બાકી તો ભાજપને મત આપનારો ઘણો મોટા વર્ગને બુલેટ ટ્રેન પોસાય તેવી નથી.

ભાજપને જ્વલંત સફળતા મળવાનું મહત્વનું કારણ તેનું માળખુંય છે. આ માળખામાં એક પછી એક પદ છે અને ઉપરાંત તેમાં જુદા જુદાં સંગઠનો છે, જે અલગ-અલગ ક્ષેત્ર મુજબ કાર્ય કરે છે. જેમ કે, કિસાન મોર્ચા, મહિલા મોર્ચા, વિદ્યાર્થી મોર્ચા, યુવા મોર્ચા, દલિત અને મૂળવાસી લોકોના મોર્ચા પણ ભાજપ પક્ષમાં છે. અલ્પસંખ્ય મોર્ચા દ્વારા પણ ભાજપ પક્ષ અલ્પસંખ્યકોને આકર્ષી રહ્યો છે. પક્ષનું માળખું જોઈએ તો તેમાં છેક કાર્યકર્તાથી માંડિને માર્ગદર્શક મંડળ સુધીના સભ્યોની જવાબદારી નિર્ધારીત થયેલી છે. આ સિવાય વર્તમાન માહોલ પણ ભાજપને લાભ કરાવી રહ્યો છે. દુનિયાભરમાં આજે રાઇટ વિંગ એટલે કે જમણરી પક્ષોનો દબદબો છે. ભાજપ તેની જમણેરી છબિથી મજબૂત રીતે જોડાયેલો છે, જેમાં ધર્મ પણ અગત્યનો ભાગ ભજવે છે.

- Advertisement -

ભાજપ પક્ષ અત્યારે બધી રીતે મજબૂત દેખાય છે તેમ થવાનું એક કારણ અન્ય પક્ષોની કાર્યશૈલી અને ઘટતો પ્રભાવ પણ છે. સમયાંતરે રાજ્યો અને કેન્દ્રમાં કેટલાંક એવાં નેતા-આગેવાનો ઉભરે છે જ્યારે તેઓ ભાજપને ચેલેન્જ આપશે તેમ લાગે છે, પરંતુ જ્યારે ચૂંટણી થાય છે ત્યારે તે પડકાર ભાજપ સામે મોળા પડી જાય છે. કોંગ્રેસ હોય કે રાષ્ટ્રીય કક્ષાની આમ આદમી પાર્ટી તે બધા જ ભાજપની રણનીતિને જાણીને તેમની સામે તેનો તોડ કાઢવામાં નિષ્ફળ ગયા છે અને તે કારણે પણ ભાજપ વધુને વધુ તાકાતવાર પક્ષ બની રહ્યો છે. આ બધાં જ પાસાં અત્યારે તો ભાજપનો કિલ્લો અભેદ્ય રાખે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular