નવજીવન ન્યૂઝ. અરવલ્લી: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હોય અને દારૂને લઈને વિવાદ સામે ન આવે તેવું ક્યારેય જોવા મળતું નથી. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ચૂંટણી સમયે નેતાઓ જ દારૂના આક્ષેપોમાં સંડોવાતા હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન અનેક નેતાઓ દારૂ સાથે ઝડપાયા તો કેટલાકના વીડિયો (Video) સોશિયલ મીડિયા (Socail Media)માં સામે આવ્યા છે. ત્યારે બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા લોકો દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂને લઈને પોલીસે મોટો ખુલાસો કર્યો છે. અરવલ્લીમાં ઝડપાયેલા દારૂમાં BJPના નેતાની સંડોવણી બહાર આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાન પહેલા અરવલ્લીના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ ભરેલી કાળા રંગની સ્કોર્પિયો કાર પસાર થતાં લોકોએ તેને રોકાવી હતી. આ કારમાંથી દારૂનો જથ્થો મળી આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો, સાથે જ સ્થળ પર હાજર લોકોએ વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. જેમાં ભાજપની ટોપી પહેરેલી એક વ્યક્તિ જોવા મળી હતી. જે કથિત રીતે જિલ્લા પ્રમુખ રાજુ પટેલ હતા. તેઓ દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરી રહ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. વીડિયોમાં તેઓ અન્ય લોકોને કારથી દૂર કરતા પણ જોવા મળ્યા હતા. આખરે સ્થાનિકોએ પોલીસને જાણ કરી દેતા ભાજપ નેતા અને કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
માલપુર પોલીસને ઘટનાની જાણ થતા દારૂ ભરેલી કારને પોલીસ સ્ટેશન લઈ જઈને સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ કરી હતી, જોકે આ ફરિયાદની અંદર માત્ર દારૂ ભરેલી કારના ચાલક સામે જ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ભાજપના નેતાનો કોઈ ઉલ્લેખ કરવામાં ન આવતા પોલીસની કામગીરી પર લોકો શંકા દાખવી રહ્યા હતા અને ભાજપના નેતાને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે આ મામલે LCBની તપાસમાં જિલ્લા પ્રમુખનું નામ સામે આવતા પોલીસે આખરે ભાજપના નેતા રાજુ પટેલ સામે ફરિયાદ દાખલ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796