મુખ્ય મુદ્દા:
- પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો.
- અનિરુદ્ધસિંહ જાડેજાની જેલમુક્તિનો હુકમ રદ, ચાર અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો કડક આદેશ.
- મૃતક પરિવારે જેલ અધિક્ષકના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જ્યાં તેમને ન્યાય મળ્યો.
- જાડેજા પિતા-પુત્ર અન્ય એક આત્મહત્યાના કેસમાં પણ પોલીસ ચોપડે વોન્ટેડ છે.
નવજીવન ન્યૂઝ.અમદાવાદ:
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકના રાજકારણમાં દબદબો ધરાવતા અને રીબડાના વતની અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. દાયકાઓ જૂના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. હાઈકોર્ટે જેલ અધિક્ષક દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના નિર્ણયને રદબાતલ ઠેરવ્યો છે અને તેમને ચાર સપ્તાહની અંદર સરેન્ડર થવા માટેનો સ્પષ્ટ આદેશ કર્યો છે.
શું હતો સમગ્ર હત્યાકાંડ?
આ ચકચારી કેસની ઘટના 15 ઓગસ્ટ, 1988ના રોજ ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં બની હતી. સ્વતંત્રતા દિવસના ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન, કોંગ્રેસના તત્કાલીન પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો હતો. આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને અન્ય એક આરોપીની TADA એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
નીચલી કોર્ટથી હાઈકોર્ટ સુધીની કાનૂની લડાઈ
શરૂઆતમાં, પુરાવા અને સાક્ષીઓના અભાવે નીચલી કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે, રાજ્ય સરકારે આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. લાંબી કાનૂની લડાઈના અંતે, 10 જુલાઈ, 1997ના રોજ હાઈકોર્ટે નીચલી કોર્ટનો ચુકાદો પલટાવ્યો અને અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારી હતી.
તાજેતરમાં, જેલ અધિક્ષક દ્વારા તેમને જેલમાંથી મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે મૃતક પોપટ સોરઠીયાના પરિજનોએ હાઈકોર્ટમાં ન્યાયની ગુહાર લગાવી હતી. પરિવારે દલીલ કરી હતી કે આ પ્રકારની મુક્તિ ગેરકાયદેસર છે. લાંબી સુનાવણી બાદ, હાઈકોર્ટે પરિવારની અરજીને માન્ય રાખી અને જેલ અધિક્ષકના હુકમને ફગાવી દઈ, જાડેજાને ફરીથી જેલમાં જવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાનું નામ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ચર્ચાયું છે અને આ કેસમાં પણ પોલીસ તેમને શોધી રહી છે. આમ, હાઈકોર્ટના આદેશ બાદ જાડેજા પરિવાર પર કાયદાનો ગાળિયો વધુ કસાયો છે.








