નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી આનંદસાગરસ્વામીની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સાધુઓ ઘણી વખત જીભ પર કાબુ ન રાખી શકતા તેમના દ્વારા ન કહેવાનું કહેવાઈ જાય છે. આવા જ એક વડોદરા પાસેના સોખડા ખાતેના મંદિરથી જુદા થયેલા પ્રબોધસ્વામી જુથના આનંદસાગરસ્વામીનું અમેરિકાનું પ્રવચન બહુ વિચિત્ર હતું. તેમના નિવેદન પછી વિવાદ થતા તેમણે માફી માગી અને શિક્ષા રુપે 7 દિવસના ઉપવાસ અને મૌન ધારણ કર્યું હતું. જોકે માત્ર આટલાથી શિવભક્તો શાંત થાય તેમ ન હોઈ રાજકોટમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
બ્રહ્મસમાજના અગ્રણીએ કહ્યું કે, હવે કાયદેસરની કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે, આનંદસાગરસ્વામીએ અમેરિકામાં એક પ્રવચન દરમિયાન કહ્યું કે, ધરતી પર એક દીકરો રહે, નિશિત તેનું નામ. પ્રબોધસ્વામી પોતાના રૂમમાં હતા ત્યારે નિશિતને બોલાવી કહ્યું કે જા એવીડીના મુખ્ય દરવાજે જા. બીજો કોઈ આદેશ સ્વામીનો હતો નહીં માટે નિશિતભાઈ જે મુખ્ય દરવાજે પહોંચ્યા ત્યાં તે ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશિતભાઈએ પ્રોપર વર્ણન કર્યું કે, આપણે જેવું ફિલ્મોમાં જોઈએ એવા જ શિવજી, જટા વાળા, નાગ-બાગ વીંટેલો, રુદ્રાક્ષ, ત્રિશૂળ હાથમાં બધી જ પ્રોપર્ટી સાથે ઊભા હતા. નિશિતભાઈએ પ્રાથના કરીને તેમને અંદર પધારવાનું આમંત્રણ આપ્યું. પ્રબોધસ્વામીના પણ તમને દર્શન થઈ જાય. શિવજીએ કહ્યું, પ્રબોધસ્વામીના હું દર્શન કરું તેવા મારા પુણ્ય જાગૃત થયા નથી, પણ મને તમારા દર્શન થઈ ગયા એટલું મારું અહોભાગ્ય. આટલું કહી શિવજી નિશિતભાઈના ચરણસ્પર્શ કરી જતા રહ્યા.
આ શબ્દો પોતાને સ્વામી અને સાધુ ગણાવતા આનંદસાગરના મોંઢેથી નીકળ્યા પછી તેમના પર ભારે ફીટકાર વરસાવાઈ. જોકે આ બાબતમાં લાગ્યું કે હવે પોતાનાથી સહુ નારાજ થયા છે અને તેના કારણે સ્વામીએ લોકોની લાગણી વધુ દુઃભાય તે પહેલા પોતે માફી માગી લીધી અને મૌન પણ ધારણ કરી લીધું છે. જોકે તેના પછી ઘણા સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આનંદસાગર સામે સંતો મહંતો અને વહિવટી અધિકારીઓએ પણ આવેદનપત્રો આપ્યા હતા. દરમિયાન બ્રહ્મસમાજે ગુનો દાખલ કરવાની માગ કરી હતી. આનંદસાગર સામે ધાર્મિક લાગણી દુભાવવા મામલે ફરિયાદ નોંધાવી હતી.








