નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા છેલ્લા 2 વર્ષથી મહામારીના કારણે કાંકરીયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું ન હતું, છેલ્લા કેટલાક મહિનાથી ગુજરાતમાં કોરોનની સ્થિતિ સારી હોવાને કારણે આ વર્ષે અમદાવાદમા કાંકરીયા કાર્નિવલ અને ફ્લાવર શો યોજવા જઈ રહ્યા છે, પરંતુ હવે ફરીથી કોરોનાનું સંકટ સામે આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શાહેજાદખાન પઠાણે મેયરને એક પત્ર લખ્યો છે અને કોરોનાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
તાજેતરમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો કે, પાડોશી દેશ ચીનમાં કોરોનની સ્થિતિ ગંભીર છે જેના કારણે રાહુલ ગાંધીએ ‘ભારત જોડો યાત્રા’ રોકી દેવી જોઈએ. ત્યારે કોંગ્રેસે પણ ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા અને ગુજરાતની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની રેલીઓ અને સભાઓ ઉપર પ્રશ્નો ઊભા કર્યા હતા. હવે અમદાવાદ કોંગ્રેસ પણ આગળ આવ્યું છે અને આગામી સમયમાં યોજવા જઈ રહેલા કાર્નિવલને લઈને મેયરને પત્ર લખ્યો છે.

અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શાહેજાદખાન પઠાણે મેયરને પત્ર લખ્યો છે કે, અમદાવાદમા કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવવાની આશંકા છે જેના કારણે ભીડ થવાની સંભાવના છે. ભીડના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. હાલમાં વિશ્વના ઘણા દેશોમાં જેવી રીતે કોરોના ફેલાઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં જ્યારે કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો જેવા ભીડ થાય તેવા ઉત્સવોનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ લોકો કોરોનાનો ભોગ ન બને તેને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું ગાઈડલાઈનનું પાલન ચુસ્તપણે થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








