નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજ્યમાં સ્વાસ્થની સેવામાં વધારો થાય અને નાગરિકોને અદ્યતન સારવારનો લાભ મળે તે હેતુથી અમદાવાદમાં SVP હોસ્પિટલ (Ahmedabad SVP Hospital) નું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2019માં દેશના પ્રધાનસેવક મોદી અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) દ્વારા SVP હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે આ હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલ જેટલો જ થતો હોય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તેનાથી દૂર રહેતા જોવા મળ્યા છે. આ મુદ્દો ઉઠાવતા અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Congress MLA Imran Khedawala) એ SVP હોસ્પિટલમાં રાહત દરે સારવાર ઉપલબ્ધ કરાવવા સરકારને પત્ર લખ્યો છે.
વર્ષ 2019માં અમદાવાદમાં 1500 બેડની હેલિપેડની સુવિધા ધરાવતી SVP હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ જેટલો જ ચાર્જ લેવામાં આવતો હોય ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ત્યાં સારવાર મેળવવી મુશ્કેલ બની છે. ત્યારે લોકસરદાર વલ્લભભાઈ પટેલના નામથી બનેલી આ હોસ્પિટલમાં થતા ખર્ચને લઈ કોંગ્રેસના ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો છે. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બાબતે પત્ર લખી મુખ્યમંત્રીને રજૂઆત કરી રાહત દરે સારવાર ઉપલબ્ધ કરાવવાની માગણી કરી છે.
ઈમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા જણાવ્યું છે કે,’સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર બનેલી આ હોસ્પિટલ સ્વપ્ન અને સંકલ્પની સિદ્ધિ હોવાનું પ્રતિક છે પણ અઙીં સ્વપ્નનું વિરોધાભાષ થઈ રહ્યું છે. આ હોસ્પિટલમાં તમામ સારવારનો ખર્ચ ખુબ જ વધારે હોય ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ પોતાની સારવાર આ હોસ્પિટલમાં કરાવતા નથી અને હાલમાં પણ આ હોસ્પિટલમાં ખુબ જ ઓછી સંખ્યામાં દર્દીઓ પોતાની સારવાર કરાવી રહ્યા છે. માટે મારી આપને લાગણી સાથે વિનંતી છે કે, સરદાર વલ્લભભાઈ પટેલ અને પ્રધાનમંત્રીનું સ્વપ્ન પરિપૂર્ણ થાય તે હેતુસર ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓની રાહત દરે સારવાર કરવામાં આવે.’
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








