લતીફ ભાગ-12: શરીફખાન (Sharifkhan)ની જીંદગીમાં નાટકીય વળાંક આવ્યા હતાં. કોઈ હિન્દી ફિલ્મના હિરોને ટક્કર મારે તેવો હેન્ડસમ હતો. મુળ તે રાજસ્થાન (Rajasthan) નો વતની હતો. માંડ પ્રાથમિક સ્કૂલ સુધીનું શિક્ષણ તેણે લીધુ હતું. ઘરની ગરીબીને કારણે સ્કૂલ છોડી, રાજસ્થાનથી મુંબઈ આવતી ટ્રકોના ક્લિનર તરીકે કામ શરૂ કર્યુ. પછી તે ખુદ પણ ડ્રાઈવીંગ (Driving) કરવા લાગ્યો હતો. રાજસ્થાનની રેતાળ જમીનમાંથી તે માયાનગરી મુંબઈ (Mumbai) માં પગ મુકતો ત્યારે તેને લાગતું કે તેણે કાયમ માટે મુંબઈ જ રોકાઈ જવું જોઈએ, પણ તેનું નસીબ તેને પાછું રાજસ્થાન લઈ જતુ હતું. લતીફની જેમ શરીફખાન (Sharifkhan)ને ખુબ જલદી અને ખુબ બધા પૈસા કમાવાની લાલસા દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim) સુધી લઈ આવી હતી. જો કે શરીફખાન (Sharifkhan) કઈ રીતે દાઉદ સુધી પહોંચ્યો તેનો કોઈ ચોક્કસ આધાર નથી.
પહેલી મુલાકાતમાં જ શરીફખાન (Sharifkhan) લતીફને પ્રભાવીત કરી ગયો. શરીફ દાઉદ ગેંગનો શાર્પ શુટર હતો. તેનું નિશાન અચુક હતું. લતીફ (Latif)દાઉદ જેવી જ પોતાની ગેંગ અમદાવાદ (Ahmedabad) માં ઉભી કરવા માગતો હતો. દાઉદ (Dawood) સાથેની મીટિંગમાં લતીફે શરીફખાન (Sharifkhan) આપવાની વિનંતી કરી અને દાઉદે હા પાડી. જો કે શરીફનું અમદાવાદ (Ahmedabad) આવવું તે દાઉદની જ કોઈ યોજના હતી કે નહીં તેની કોઈને ખબર નથી, પણ જ્યારે લતીફ (Latif)સામે ચાલી શરીફખાન (Sharifkhan)ની માગણી કરી રહ્યો હતો ત્યારે દાઉદને એસ.કે.શરીફખાન (Sharifkhan) ને અમદાવાદ મોકલામાં કોઈ વાંધો ન્હોતો. 1990માં લતીફે શરીફખાન (Sharifkhan) ને મહિને રૂપિયા 40 હજારના માતબર પગારે નોકરીએ રાખ્યો હતો, તે જમાનામાં અમદાવાદના પોલીસ કમિશ્નર (Ahmedabad Police Commission) નો પગાર પણ મહિને 40 હજાર ન્હોતો.
શરીફખાન (Sharifkhan) અમદાવાદ આવ્યો ત્યાર બાદ થોડા દિવસ સુધી તો બધુ બરાબર ચાલ્યુ. કારણ હજી એસ.કે. પણ લતીફ (Latif) ના ધંધાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ જેવો તેને ધંધો સમજાઈ ગયો તે સાથે જ શરીફખાને લતીફને પાસે બેસાડી સમજાવ્યું કે દારૂના ધંધામાં પણ તારી મોનોપોલી હોવી જોઈએ. માત્ર અમદાવાદ (Ahmedabad) માં જ નહીં આખા ગુજરાતમાં તારો જ દારૂ વેચાવો જોઈએ. લતીફે ત્યારે બહુ સહજતાથી કહ્યુ હતું હા તેવું જ થાય છે. ત્યારે હજી થોડા સમય પહેલા અમદાવાદ આવેલા શરીફખાને (Sharifkhan) લતીફ (Latif) સામે અમદાવાદ અને ગુજરાતમાં કોણ કોણ તેનો દારૂ ખરીદતા નથી તેની યાદી સામે મુકી હતી.
લતીફ (Latif)એસ.કે. ની સામે જોતો જ રહી ગયો. શરીફે જે નામોની યાદી લતીફ (Latif) સામે મુકી હતી તે વાત તો લતીફ (Latif) ખુદ પણ જાણતો હતો, પણ આટલું બધુ હોમવર્ક શરીફ (Sharif) કેવી રીતે કરી ગયો તેનો અંદાજ આવ્યો નહીં. શરીફે (Sharif) લતીફને સમજાવ્યું કે આપણી પાસે દારૂ ખરીદવાની ના પાડતા લોકોને એક વખત પ્રેમથી સમજાવી જુઓ, નહીંતર મારી બંદુક તેનું કામ કરશે અને લતીફે શરીફ (Sharif) ની સુચના મુજબ દારૂના વેપાર કરનાર માટે એક ફરમાન જાહેર કરી દીધુ કે દારૂનો ધંધો કરવો જોઈ તો માલ તો મારો જ ઉપાડવો પડશે, નહીંતર મરવા માટે તૈયાર થઈ જાઓ. લતીફના આ ફરમાનને કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો. જે બુટલેગર તેનો માલ ઉપાડતા ન્હોતા તેમની અંદર નારાજગી સાથે ગુસ્સો પણ હતો.જ્યારે જે બુટલેગર તેનો માલ ઉપાડતા હતાં તેમને પણ લતીફની ધંધાની આ પદ્ધતિ પસંદ પડી નહી.
ત્યાર બાદ જે બુટલેગરોએ લતીફનો માલ લેવાની ના પાડી દીધી ત્યાં જઈ શરીફખાન (Sharifkhan) અને તેના માણસો પહેલા ડરાવવા માટે ગોળીબાર કરી આવતા હતાં, પણ અમદાવાદમાં 2 વ્યક્તિઓ એવી હતી કે જેમણે લતીફને પડકારી કહ્યુ હતું કે, અમે લડી લેવા તૈયાર છીએ. જેમાં એક હતો હંસરાજ ત્રિવેદી (Hansraj Trivedi) જેનો ઓઢવમાં રાધિકા જીમખાના (Radhika Gymkhana) ને નામે મોટો કારોબાર હતો. જ્યાં દારૂ અને જુગારનો મોટો કારોબાર ચાલતો હતો. બીજો ગોમતીપુરમાં ઈસરાર પહેલવાન હતો. જે શારિરીક રીતે પણ પહેલવાન હોવાને કારણે ઈસરારે પણ લતીફને લડી લેવાની તૈયારી બતાડી હતી. આ વિચિત્ર સ્થિતિ નિર્માણ થઈ હતી. શરીફખાન (Sharifkhan)ના કહેવા પ્રમાણે લતીફે ફરમાન તો કરી દીધુ. લતીફ (Latif)માનતો હતો એટલું સરળ કામ થયુ નહી હંજરાજ અને ઈસરાર જેવા લોકોએ લતીફની સર્વસત્તાધીશ થવાની ઈચ્છાને પડકારી લતીફના અસ્તીત્વ સામે ખતરો ઉભો કરી દીધો હતો.
આમ છતાં લતીફે 80 % ગુજરાત હસ્તગત કરી લીધુ હતું. ગુજરાતમાં લતીફ (Latif) રોજની પાંચ ટ્રક દારૂ ઠાલવવા લાગ્યો હતો. તે જમાનામાં દરેક ટ્રકે લતીફને 15 હજાર મળતા હતાં. આમ દારૂના ધંધામાં તે રોજ 75 હજાર કમાતો હતો. ત્યારે આ રકમ બહુ મોટી હતી પણ દાઉદનો કારોબાર જોઈ આવેલો શરીફખાન (Sharifkhan) માની રહ્યો હતો કે લતીફની તાકાત અને ખૌફ જે પ્રકારનો છે તેનો તે ઉપયોગ કરે તો લતીફ (Latif) હજારોમાં નહીં રોજ લાખો રૂપિયા કમાઈ શકે તેમ છે. અને એક દિવસ શરીફખાને(Sharifkhan) લતીફને દાઉદની જેમ પૈસા કમાવાનો રસ્તો બતાડ્યો અને લતીફ (Latif)પૈસાના ઢગલા ઉપર બેઠો છે તેવા સ્વપ્નમાં તે રાચવા લાગ્યો હતો. લતીફની જીંદગીમાં શરીફખાન (Sharifkhan) આવ્યો અને તેની જીંદગીનો ટ્રેક બદલાઈ ગયો. લતીફને નજીકથી ઓળખનારા આજે પણ માને છે કે જો શરીફખાન (Sharifkhan) લતીફની જીંદગીમાં આવ્યો ના હોત તો આજે પણ લતીફ (Latif) જીવતો હોત અને કદાચ આજે પણ તેનો દારૂનો કારોબાર યથાવત રહેતો પણ નિર્ણય લેવાની ક્ષણે લતીફે શરીફની પસંદગી કરી પોતાની જીંદગીને કરૂણ અંજામ તરફ ધકેલી દીધી.
(ક્રમશ:)
PART – 11 | લતીફ ની પહેલી પરીક્ષા હતી દાઉદ ઇબ્રાહિમ ના પહેલા ટાસ્કને અંજામ આપવાનો હતો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








