નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરમાંથી (Jammu Kashmir) ઇસ્યૂ કરાયેલા હથિયારના પરવાનાને કલેક્ટરના ડમી સહી, સિક્કા કરીને ગુજરાતના રહીશોને વેચવાનું કૌભાંડ સોલા પોલીસ (Sola Police) દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. અગાઉ પોલીસ દ્વારા હથિયારના નકલી લાયસન્સ બનાવવાના કેસમાં (Fake Arms license Case)2 લોકો તથા આવાં હથિયાર ખરીદનારા 7 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આજે સોલા પોલીસે દ્વારા સમગ્ર કૌભાંડમાં નિવૃત્ત આર્મી જવાન સહિત 3 લોકોને કાશ્મીરથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 12 આરોપીઓની ધરપકડ કરાઈ છે. હાલ નકલી હથિયાર લાયસન્સ કેસને લઈને સોલા પોલીસની ટીમ જમ્મુ-કાશ્મીરમાં તપાસ કરી છે. જે તપાસને અંતે આગામી સમયમાં વધુ ખુલાસો થવાની શક્યતા સેવાઈ રહી છે.
અમદાવાદમાં ગત 13 ઓગસ્ટના રોજ સોલા પોલીસ દ્વારા પ્રતિકકુમાર ચૌધરીની ઓગણજ સર્કલ પાસેથી હથિયાર સાથે ધકપકડ કરવામાં આવી હતી. પોલીસને પ્રતિક ચૌધરી પાસેથી 32 બોરવાળી રિવોલ્વર 10નંગ અને 32 બોરની પિસ્ટલ 1 નંગ મળી આવી હતી. આ ઉપરાંત જીવતા કારતુસ–142, ફોડેલા કારતુસ–29 અને હથિયાર રાખવાના 7 લાયસન્સ મળી આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં હથિયાર મળી આવતાં પોલીસ પણ દંગ રહી ગઈ હતી. પોલીસે આ બધા હથિયાર ક્યાંથી આવ્યા અને કોણે આપ્યા છે; તે દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પ્રતિકકુમાર મૂળ સાબરકાંઠાનાં હિંમતનગરનો રહેવાસી છે. તે જમ્મુ–કાશ્મીરથી હથિયાર લાવતો. પછી અમદાવાદ, ગાંધીનગર તથા અન્ય જિલ્લાઓના લોકોને તેના ખોટાં લાયસન્સ પણ બનાવી આપતો અને વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી.
જમ્મુ-કાશ્મીરમાંથી મોટા પ્રમાણમાં નકલી લાયસન્સના આધારે હથિયાર ગુજરાતમાં લાવવાની ઘટના સામે આવતાં સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇનસ્પેક્ટર સહિત 10 લોકોની ટીમ જમ્મુ-કાશ્મીરમાં તપાસ માટે પહોંચી હતી. આજે જમ્મુ-કાશ્મીરમાંથી ‘મહેન્દ્ર કોતવાલ’ ગન શોપમાંથી હથિયાર લાવવામાં આવ્યા છે. તેના મેનેજર અને માલિક સહિત 3 લોકોની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. જેમાં ગૌરવ કોતવાલ, રસપાલકુમાર ચદગાલ અને સંજીવકુમારનો સમાવેશ થાય છે. રસપાલકુમાર આસામ રાયફલ્સના નિવૃત્ત સૈનિક છે અને તે મુખ્ય આરોપી પ્રતિક ચૌધરી સાથે મળીને જમ્મુ ખાતેની ગન શોપ પરથી નિવૃત્ત આર્મીમેનને મળેલાં હથિયારનાં લાયસન્સને આધારે હથિયાર ખરીદતા હતા.
આરોપી ગૌરવ અને સંજીવ ‘મહેન્દ્ર કોતવાલ’ ગન શોપના માલિક અને મેનેજર છે. જે બંનેના પરિચિત રસપાલકુમારના કહેવાથી આરોપી પ્રતિક ચૌધરી દ્વારા નિવૃત્ત આર્મીમેનનાં લાયસન્સ પર લાયસન્સ ધારકોની હાજરી વગર જ આરોપી રસપાલ અને પ્રતિકને હથિયારો વેચાણથી આપી રજિસ્ટરમાં લાયન્સ ધારકોને વેચાણ આપ્યા અંગેની એન્ટ્રી કરીને આર્મીમેનની ખોટી સહીઓ કરતો હતો.
સમગ્ર નકલી લાયસન્સ હથિયાર કેસમાં ઝોન 1 ડી.સી.પી. લવીના સિન્હાએ જણાવ્યું હતું કે, “સોલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં મુખ્ય આરોપી પ્રતિકની પુછપરછ કરતાં સામે આવ્યું હતું કે, જમ્મુનો રસપાલ તેના સાથે આસામ રાયફલમાં અગાઉ જોડે કામ કરતો હોવાથી તેઓનો સંપર્ક થયો હતો. રસપાલ નિવૃત્ત થયા બાદ વર્ષ 2019થી જમ્મુમાં રહેતો હતો. જેને પ્રતિક સાથે સાંઠગાંઠ છે. ત્યાં ‘મહેન્દ્ર કોતવાલ’ ગન શોપ છે. જ્યાં તેમનો છોકરો ગૌરવ કોતવાલ દુકાન ચલાવે છે અને ત્યાંનો મેનેજર સંજીવ શર્મા છે. આ બંનેએ રસપાલ સાથે સંપર્કમાં આવીને પ્રતિક સાથે ગેરકાયદેસર લાયસન્સ બનાવીને હથિયાર આપતો હતો. અત્યાર સુધીમાં આ દુકાનમાંથી 800થી વધુ હથિયાર આપવામાં આવ્યા છે. મોટા ભાગના કાયદેસર હથિયાર આપવામાં આવ્યા છે. જે 15 હથિયાર ગુજરાતમાંથી મળ્યા છે. તે તમામ ખોટા નામ અને ડોક્યૂમેન્ટ સાથે મળ્યા છે.”
વધુમાં તેઓએ જણાવ્યું છે કે, “આ નકલી લાયસન્સ પ્રતિક અને તેના સહ આરોપીએ સહી અને સિક્કા બનાવીને ગુજરાતમાં બનાવ્યા છે. જમ્મુમાંથી પોલીસની ટીમે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, તેઓએ ગુજરાતમાં જ ગેરકાયેદસર હથિયારના લાયસન્સ બનાવીને હથિયાર વેચ્યા છે. તપાસ દરમિયાન જે 11 નકલી લાસન્સ મળ્યા છે તેમાં જમ્મુના કલેક્ટર કઠુઆની સહી અને સિક્કા હતાં. જે તપાસ કરતાં ખોટાં હોવાનું સામે આવ્યું છે, આ સહી-સિક્કા પ્રતિક પોતે જ ગુજરાતમાં બનાવતો હતો. આ તમામ લાયસન્સ ઓનલાઈન ચઢ્યાં જ નથી. આ સહી કોની છે? તે માટે FSLમાં નમૂના મોકલવામાં આવ્યા છે. નિવૃત્ત આર્મીમેન પ્રતિકના સહ આરોપી જતીનનું એક વ્હોટ્સેપ ગ્રુપ હતું. સાથે જ જતીન પણ પોતે સચિવાલયમાં પ્રાઇવેટ સિક્યૂરિટીમાં કામ કરે છે. વ્હોટ્સેપ ગ્રુપમાં નિવૃત્ત આર્મીમેન ગુજરાતમાં નોકરી કરવા માગતા હોય તેમનો સંપર્ક કરતો હતો. સાથે કામ કરનારા નિવૃત્ત આર્મીમેનનાં લાયસન્સ રિન્યૂ કરવા માટે સાચા ડોક્યૂમેન્ટ્સ મેળવતો હતો. જે લોકોએ હથિયારનું લાયસન્સ રિન્યૂ કરવા માટે આપ્યું હતું; તેવા કેટલાક લોકોના ડોક્યૂમેન્ટ્સ અને હથિયાર પણ પાછા મળ્યા નથી. ગુજરાતમાં 10થી 20 લાખ રૂપિયામાં લાયસન્સ અને હથિયાર લાવીને આપતા હતા. હાલ પોલીસની ટીમ જમ્મુમાં છે, હજી આ અંગે વધુ તપાસ ચાલુ છે.”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








