નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ હાલ ચીનમાં ફરી એકવાર કોરોનાએ ઊથલો માર્યો છે. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન જે પ્રકારની પરિસ્થિતિ ચીનમાં હતી તે પ્રકારનો માહોલ ફરી સામે આવતા સમગ્ર દેશમાં ચિંતાનો વિષય બન્યો છે. ચીનમાં કોરાના કેસમાં સતત વધારો થતા ભારતમાં પણ સાવચેતીના પગલા લેવા મંત્રીઓની તાબડતોબ બેઠક બોલાવવામાં આવી હતી અને કેટલાક નિયંત્રણ અંગે પણ જાહેરાત કરાવામાં આવી હતી. જોકે ગુજરાતમાં પણ વિદેશથી આવેલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ભય ફેલાઈ રહ્યો છે.
ગુજરાતમાં વિદેશથી આવેલા બે લોકોના રિપોર્ટ કોરોના પોઝિટીવ(Corona Positive) આવ્યા છે. જેમાં ભાવનગરમાં ચીનથી આવેલા એક વેપારી યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વેપારીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા ભાવનગર મનપા એક્શનમાં આવ્યું હતું અને RTPCR અને જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. જોકે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ જ કોરોનાનો કયો વેરિઅન્ટ છે તે અંગે ખુલાસો થશે. આરોગ્ય વિભાગે યુવાનને ક્વોરન્ટાઈન કરીને સારવાર શરૂ કરી છે, સાથે જ પરિવારજનો અને અન્યના સંપર્કમાં આવેલા લોકોના પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ભાવનગર મનપા કમિશનરે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી શહેરમાં ટેસ્ટિંગની સંખ્યા વધારવાની સૂચના આપી છે.
રાજકોટમાં ડિસેમ્બર મહિનામાં પાંચ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્યારે વિદેશથી આવેલી એક યુવતીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલી યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવતી ગત 18 અમદાવાદ આવ્યા બાદ બાય રોડ રાજકોટ ગઈ હતી. જોકે એક દિવસ બાદ કોરોનાના લક્ષણો જણાતા 20 તારીખે ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ 21 તારીખે પોઝિટિવ આવ્યો હતો. યુવતીના સંપર્કમાં આવેલા પરિવારજનોના રિપોર્ટ કરવામાં આવતાં તમામના નેગેટિવ આવ્યા હતા. ઉપરાંત રાજકોટમાં રહેતા પરિવારજનોએ બુસ્ટરડોઝ પણ લીધો હોવાનું સામે આવ્યું હતું. કોરોનાના નવા વેરિએન્ટ બાબતે યુવતીના રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવવામાં આવ્યા છે. રાજકોટમાં કોરોના કેસ અંગે મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આશિષકુમાર જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિ હાલ શહેરમાં કાબુમાં છે. લોકોએ ચિંતિત થવાની કોઈ જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે.
ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે ગઈકાલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1 ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથેની આ બેઠકમાં રાજ્યમાં કોરોના સામેની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓથી સજ્જ થવા માટે આરોગ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના પી.એચ.સી., સી.એચ.સી., સીવિલ હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, વેન્ટિલેટર તેમજ ઓક્સિજન ટેંકની વ્યવસ્થાઓ, દવાના પર્યાપ્ત જથ્થા સહિતની કોરોના સંબંધિત તમામ વ્યવસ્થાઓ સંદર્ભે વિગતવાર સમીક્ષા કરી હતી. સાથે જ વિદેશથી આવતા પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટિંગ અને ટ્રેસીંગ કરવા માટેની પણ સૂચના આરોગ્યમંત્રી તરફથી આપવામાં આવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








