પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ વિદેશ પ્રવાસે જતા ગૃહ વિભાગ દ્વારા પોલીસ કમિશનરનો હવાલો સિનિયર આઈજીપી અજય ચૌધરીને આપ્યો હતો, પરંતુ પોલીસ કમિશનરનો હવાલો ધરાવતા અજય ચૌધરીએ કમિશનરની ઓફિસ સંભાળતાની સાથે એક પછી એક બદલીઓ કરવાની શરૂઆત કરી હતી અને કમિશનર ઓફિસમાં નિતી વિષયક પડતર રહેલી ફાઈલોનો પણ નિકાલ કરવા લાગ્યા હતા, પરંતુ બુધવારે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રજા ઉપરથી પરત ફરતા અજય ચૌધરી દ્વારા કરવામાં આવેલી તમામ બદલીઓ રદ કરી તમામ પોલીસ જવાનોને તેઓ જે સ્થળે ફરજ બજાવતા હતા તેમના મુળ સ્થાને મુકી દેવાનો આદેશ આપ્યો હતો.
સામાન્ય પ્રમણાલી રહી છે કે જયારે કોઈ અધિકારી રજા ઉપર જાય ત્યારે હવાલો સોંપવામાં આવ્યો છે તેવા અધિકારી બદલી જેવા પ્રક્રિયાથી પોતાને દુર રાખે છે. હવાલો ધરાવતા અધિકારીને રોજબરોજના કામનું જ નિરીક્ષણ કરવાનું હોય છે,. આ સામાન્ય સંજોગ ઉભા થાય તેવી સ્થિતિમાં બદલીની અનિવાર્યતા ઉભી થાય તો બદલીની સત્તાનો ઉપયોગ કરે છે, તેવી જ રીતે રજા ઉપર ગયેલા અધિકારીએ કોઈ ફાઈલ વિચાર-વિર્મશ માટે પડતર રાખી છે તેવી ફાઈલો ઉપર નિર્ણય કરતા નથી કારણ હવાલો ધરાવતો અધિકારીએ જેમની મુળ જવાબદારી છે તેવા અધિકારીના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાનો હોતો નથી.
પરંતુ સંજય શ્રીવાસ્તવ રજા ઉપર જતા હવાલો મળ્યા પછી અજય ચૌધરીએ તરત પોલીસ કોન્સટેબલથી લઈ સબઈન્સપેકટર સુધીઓની બદલીઓ કરવાની શરૂઆત હતી. જે પોલીસ કોન્સટેબલ જે પોલીસ સ્ટેશનમાં જવા માગે છે તેમને ત્યાં મુકી દીધા હતા. આ પ્રક્રિયા શરૂ થતાં સમગ્ર બાબત અંગે શંકાઓ પણ નિર્માણ થવા પામી હતી. આ ઉપરાંત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી જેવી શાખાઓ હોવા છતાં અજય ચૌધરીએ પોતાનો ગુપ્ત સ્કવોર્ડ પણ બનાવ્યો હતો. આમ અજય ચૌધરીએ હવાલો દરમિયાન એવી સ્થિતિ નિર્માણ કરી હતી કે પોલીસ બેડામાં આગ વગર પણ ધુમાડો નજરે પડવા લાગ્યો હતો.
બુધવારના રોજ સંજય શ્રીવાસ્તવ રજા ઉપરથી પરત ફરતા તેમણે પોતાની ગેરહાજરીમાં અજય ચૌધરી દ્વારા લેવામાં આવેલા વિશેષ નિર્ણયોની ફાઈલ મંગાવી તેનો અભ્યાસ શરૂ કર્યો હતો. આમ પોતાના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ થતાં સંજય શ્રીવાસ્તવ નારાજ પણ થયા હતા. પોલીસ કમિશનર શ્રીવાસ્તવે પહેલા તબક્કામાં પોતાની ઈચ્છાના સ્થળે ગયેલા પોલીસ કોન્સટેબલની બદલીનો આદેશ રદ કરવાનો આદેશ આપ્યો છે. જો કે પાંચ દિવસ માટે પોતાના મનગમતા સ્થળે બદલી લેનાર કોન્સટેબલો કોઈ અગમ્ય કારણ દુખી થઈ ગયા છે હજી પણ સંજય શ્રીવાસ્તવ આઈજીપી ચૌધરીના અન્ય નિર્ણયોને પણ રદ કરે તેવી સંભાવના છે.








