નવજીવન ન્યુઝ (અમદાવાદ) : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં કોંગ્રેસને રાબેતા મુજબ તકલીફ પડી રહી છે. ટિકીટની ભાગ બટાઈને લઈ નેતાઓ લોબીંગના કામે લાગી ગયા છે, જ્યારે કેટલાક સ્થળે જાહેર થયેલા ઉમેદવારોનો વિરોધ કોંગ્રેસના નેતાઓ દ્વારા થવા લાગ્યો છે. આજરોજ રવિવારનો રોજ ટિકીટના બટવારાના રોષનો ભોગ ભરતસિંહ સોલંકીને બનવું પડ્યું છે. જેમાં એક દાવેદારના પુત્રએ ભરતસિંહ પર કાળી શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો છે.
અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે એક યુવાને ભરતસિંહ સોલંકી પર કાળી શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ભરતસિંહ પર શાહી ફેંકવાનો પ્રયાસ કરનાર યુવાન રોમીન સુથાર હોવાની માહિતી મળી રહી છે. રોમીનની પોલીસે આ મામલે અટકાયત પણ કરી હોવાની માહિતી મળી રહી છે. મોટી માહિતી એ છે કે, રોમીન સુથાર એલિસબ્રીજ વિધાનસભા બેઠકના કોંગ્રેસી દાવેદાર રશ્મિકાંત સુથારનો પુત્ર છે.
રોમીન રશ્મિકાંતે ભરતસિંહ પર કાળી શાહીનો ડબ્બો ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભરતસિંહ સદનસીબે કાળી શાહીથી બચી ગયા હતા. યુવાન રોમિનના પિતા રશ્મિકાંત કોંગ્રેસી છે અને તેમણે એલિસબ્રીજ બેઠક પર દાવેદારી પણ કરી છે. આ મામલે પુત્રના કારનામાને પિતાએ પણ વખોડ્યો હતો અને, મિડીયાને જણાવ્યું હતું કે, ઘટના નિંદનીય છે અને આ પ્રકારની ઘટના ન થવી જોઈએ. મારા પુત્રની આ ઘટનાને મારુ સમર્થન નથી પક્ષના નેતા સાથેનો આ વ્યવહાર જરા પણ યોગ્ય નથી.