નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ આમ તો ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓ સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવતો હોય છે, પરંતું વાસ્તવિકતા કંઈક જુદી જ છે. રાજ્યમાં રોજ-બરોજ છેડતી સહિતના મહિલા સંબધીત ગુનાઓ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ત્યારે સુરતમાં અગાઉ બનેલા ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ જેવો બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદમાં (Ahmedabad) એક તરફી પ્રેમમાં (one-sided love) પાગલ બનેલા એક યુવકે પરણિત મહિલાને તેના જ ઘરમાં ધુસીને છરીના ધા મારી દીધા છે. પરણિતા પર હુમલો કરવા પાછળનું કારણ લગ્ન હોવાનું સામે આવ્યું છે. જોકે સદનશીબે પરણિત મહિલાનો જીવ બચી ગયો છે અને હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સરદાર નગર પોલીસ સ્ટેશન (Sardarnagar Police Station) વિસ્તારના નોબલનગરમાં રહેતી એક 27 વર્ષીય પરણિતાના લગ્ન રાજસ્થાનમાં આવેલા બ્યાવર જિલ્લાના કુકડા ગામમાં રહેતા અર્જુનસિંગ ચૌહાણ સાથે થયા હતા. પતિ સાથે અણબનાવ બનતા પોતાના બે બાળકો સાથે પિયરમાં રહેતી હતી. પરણિતાના બે બાળકો નોબલનગરમાં આવેલી ટેલેન્ટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પરણિતા બાળકોને રોજે શાળા લેવા-મુકવા માટે જતી હતી.
પરણિતા રોજ બાળકોને શાળા મુકવા જતાં દરમિયાન એક વિનય કોષ્ટી નામના રિક્ષા ચાલકના સંપર્કમાં આવી હતી. પરણિતાની માતા લેડીઝ ટેલર હોવાથી વિનય લેડીઝના કપડાં સિવડાવા માટે પરણિતાના ઘરે આવતો હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. પરણિતા અને વિનયે મોબાઈલ નંબરની આપ-લે કરતાં બંને વચ્ચે વાતચિત પણ શરૂ થઈ હતી. વિનય મિત્રતાથી આગળ વધવા માગતો હતો અને પરણિતાને પસંદ કરવા લાગ્યો હતો. જેથી વિનયે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતું યુવતી પરણિત હોવાના કારણે લગ્નનો પ્રસ્તાવને નામંજુર કર્યો હતો.
ત્યારબાદ પરણિતા થોડા દિવસ પહેલા રાજસ્થાન ગઈ હતી અને ગત 16 મેએ અમદાવાદ પરત ફરી હતી. તે રાત્રીના દરમિયાન વિનય પરણિતાને મળ્યો હતો અને ફરીથી લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે પરણિતા ફરીથી ના પાડીને જતી રહી હતી. પરણિતાએ લગ્નની ના પાડતા વિનય તેણીના ઘરે પહોંચી ગયો અને તેના પરિવારની સામે પરણિતા સાથે લગ્ન કરવાની વાત કરી હતી. જોકે પરિવારની હાજરીમાં જ પરણિતાએ વિનયને લગ્ન કરવાની ના પાડી દેતા વિનય ઉશ્કેરાઈ ગયો હતો. વિનય ઉશ્કેરાઈને જોર જોરથી બુમો પાડવા લાગ્યો, ‘તુ મારી સાથે લગ્ન કરવાની કેમ ના પાડે છે’ કહીને વિનય પાસે રહેલી છરી કાઢીને પરિવારની સામે જ પરણિતાના ગળાના ભાગે હુમલો કરવા લાગ્યો. ઉશ્કેરાયેલો વિનય પરણિતાને છરી મારીને પોતાના હાથે પણ છરી મારવા લાગ્યો અને પરણિતાના ઘરેથી ભાગી ગયો હતો.
પરણિતા લોહી લુહાણ થઈ જતાં તેને તાત્કાલિક સારાવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. જ્યાં હાલ તેની સારાવાર ચાલું છે અને હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ મામલે પરણિતાના ભાઈ ઈશ્વરસિંહનું કહેવું છે કે, ત્રણ મહિનાથી વિનય બહેનને હેરાન કરતો હતો. વિનય ઈશ્વરસિંહને પણ ફોન કરીને ધમકી આપતો હતો, ઉપરાંત બહેનના બાળકોનું અપહરણ કરવાની પણ ધમકી આપતો હતો. ગઈકાલે વિનય હત્યા કરવાના ઈરાદે જ ઘરે આવ્યો હતો. સમગ્ર મામલે હાલ સરદાર નગર પોલીસ સ્ટેશનમાં વિનય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796