નવજીન ન્યૂઝ. ખેડાઃ અમદાવાદથી મુંબઈ આવતી જતી ટ્રેનનો પૈડા હાલ થંભી ગયા છે. જેના પાછળનું કારણ મહેમદાબાદમાં બનેલી એક ઘટના છે. ખેડા જિલ્લાના મહેમદાબાદમાં એક માલગાડી પાટા પરથી ઊતરી ગઈ છે. જેના કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. મહેમદાબાદ નજીક માલગાડી ટ્રેક પરથી ઊતરી જતાં રેલવેના અધિકારીઓ દોડતા થયા છે. જે અધિકારીઓની ટીમની તપાસ બાદ વધુ વિગતો સામે આવે તેવી સંભાવના રહેલી છે. આ અકસ્માતના કારણે હાલ અન્ય ટ્રેનો પર પણ અસર જોવા મળી રહી છે.
ખેડા જિલ્લાના મહેમદાબાદમાં સાંજના સાડા છ વાગ્યાની આસપાસ માલગાડી પાટા પરથી ઊતરી ગઈ હોવાની ઘટના સામે આવી છે. નડીઆદથી અમદાવાદ તરફના રૂટ ઉપર જતી કન્ટેનર ભરેલી માલગાડીના ૪ અને ૮માં ડબ્બામાં ટેકનિકલ ક્ષતિના કારણે કેટલાક ડબ્બા નેનપુર – મહેમદાવાદની વચ્ચે પાટા ઉપરથી ઊતરી ગયા હતા. આ બનાવ સામે આવતા રેલવેના અધિકારીઓની ટીમ તપાસ અને રેસ્ક્યુ ટીમ રવાના થઈ હતી. જોકે આ માલગાડી જે ટ્રેક પરથી ઊતરી છે તે મુંબઈ-અમદાવાદની મેઈન રેલવે લાઈન છે. માલગાડી ટ્રેક પરથી ઊતરી જતાં મુંબઈ-અમદાવાદની લાઈન કેપ્ચર થઈ છે. જેના કારણે હાલ આ ટ્રેક પરથી પસાર થવાની ટ્રેનોને જ્યાં છે ત્યાં જ થંભાવી દેવામાં આવી છે.

આ માલગાડી ગોધરાથી સાબરમતી તરફ જતી હતી. જેમાં ૪૬ ખાલી કન્ટેનર હતા. ટ્રેનમાં મુખ્ય લોકો પાયલોટ અને સાથી જુનિયર લોકો પાયલોટ હતા. આ બનાવ મહેમદાવાદ વાત્રક બ્રિજ પાસે ડાઉન લાઈન કિ.મી પિલર નં ૪૬૮/૧૪ પાસે બની છે. મુંબઈથી અમદાવાદ રોજ હજારોની સંખ્યામાં લોકો રેલવેમાં મુસાફરી કરતાં હોય છે. સાથે જ આ રૂટમાં આવતા ભરૂચ, સુરત, વડોદરા, આણંદ જેવા અનેક સ્ટેશનનોથી ધંધાર્થી અને નોકરીયાત વર્ગ લોકો અપડાઉન કરતાં હોય છે. પરંતુ મહેમદાબાદમાં બનેલી ઘટનાથી અનેક ટ્રેનના પૈડા થંભી ગયા છે. જેથી હવે આ ટ્રેનમાં મુસાફરી કરતાં પેશેન્જરોને આખી રાત ટ્રેનમાં જ કાઢવી પડે તો નવાઈ નહીં, કારણ કે મહેદાબાદમાં જ્યાં ટ્રેનનો અકસ્માત સર્જાયો છે તે મુંબઈ-અમદાવાદની મેઈન રેલવે લાઈન છે. જ્યાં સુધી રેલવે તંત્ર દ્વારા આ લાઈનને ફરીથી કાર્યરત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ રૂટની અન્ય ટ્રેન પસાર થઈ શકશે નહીં.
