નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વર્ષોથી આપણાં વડવાઓ એક કહેવત કહેતા આવ્યા છે કે, “લાલચુ હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે.” આ કહેવત આજના ડિજિટલ યુગમાં પણ એટલી જ યથાર્થ છે. હવે ક્રીપ્ટો કરન્સીના યુગમાં લોકોને ક્રીપ્ટોના નામે ‘એક કા ડબલ’ની લોભામણી સ્કીમ આપીને લોકોને ઠગતા 4 આરોપીઓને અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા છે. જે લોકો ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરાવીને 7 દિવસમાં પૈસા ડબલ કરવાની લોકોને લાલચ આપતા હતા અને તેમની સાથે ઠગાઈ કરતાં હતા.
નવીન પટેલ, જુલ્ફીકર હાલાણી, રાજેશ લુખી, અલ્તાફ વઢવાણીયા અને વિજય પટેલ નામના આરોપીઓ બુલટ્રોન નામની કંપની બનાવીને મલ્ટી લેવલ માર્કેટિંગ દ્વારા અલગ અલગ સભ્યો બનાવીને કંપનીના ટ્રોનકોઈનમાં રોકાણ કરાવીને 1થી 7 દિવસમાં ડબલ ટ્રોનકોઈન મળશે તેવી લાલચ આપતા હતા, જેના કારણે રોકાણકર્તાના પૈસા પણ ડબલ થઈ જાય. ત્યાર બાદ ભોગબનનારને ડબલ કોઈન પાછા ન આપતા ફરિયાદીએ અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર આર એમ સરોદે અને પોલીસ સબ ઈન્સ્પેકટર વી આર પટેલે મોબાઈલ નંબરની તપાસ કરતાં રાજુ લુખી- સુરત, અલ્તાફ વઢવાણીયા- સુરત, વિજય પટેલ- સુરત અને જુલ્ફીકાર હાલાણી- અમદાવાદ નામના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ તેમણે કબૂલ્યું હતું કે તેમણે બુલટ્રોન નામની કંપની બનાવીને લોકોને ડબલ પૈસા આપવાની લાલચ આપીને ઠગાઈ કરી હતી. આ અંગે વધુ તપાસ માટે આરોપીઓના રિમાન્ડ માગવામાં આવ્યા છે જેથી વધુ પૂછપરછ થઈ શકે.
આ ઉપરાંત સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, અલગ અલગ લોભામણી લાલચ આપીને કે પછી મલ્ટી લેવલ માર્કેટિંગમાં સભ્ય બનીને રોકાણ કરવાની કોઈ વ્યક્તિ વાત કરતો હોય તો આવી વ્યક્તિઓથી તુરંત સાવધાન થઈને તમારી મહેનતથી કમાયેલા રૂપિયાને ગુમાવશો નહીં.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












