નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાંથી ગઈકાલે બે મૃતદેહ મળી આવતા સ્થાનીક પોલીસ દોડતી થઈ હતી. હોસ્પિટલમાં મળી આવેલી લાશ માતા-પુત્રીનું હોવાનું સામે આવ્યું હતું, જોકે આ મામલે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ઉપરાંત ડબલ મર્ડર મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં આરોપી કમ્પાઉન્ડરે ક્રેટા માઈન ઇન્જેક્શનના ઓવર ડોઝ આપતા દર્દીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના ભૂલાભાઈ પાર્ક પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાં ડૉ. અર્પિત શાહને કબાટમાંથી લાશ મળી આવતા પોલીસને જાણ કરી હતી. તપાસમાં મૃતક મહિલાનું નામ ભારતી વાળા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે તપાસ કરતા સામે આવ્યું હતું કે એક કલાક દરમિયાન હોસ્પિટલના CCTV કેમેરા બંધ રાખવામાં આવ્યા હતા. જેથી પોલીસને હત્યા થઈ હોવાની શંકાએ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન અન્ય એક CCTV પોલીસને મળ્યા હતા. જેમાં ભારતીબેન સાથે તેમની માતા ચંપાબેન પણ હોસ્પિટલમાં જતા જોવા મળ્યા હતા. પોલીસે વધુ તપાસ કરતા માતા ચંપાબેનનો મૃતદેહ હોસ્પિટલમાં બેડની નીચેથી મળ્યો હતો.
પોલીસે બે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી હોસ્પિટલના કમ્પાઉન્ડરની પુછપરછ કરતા એકબાદ એક કળી ઉકેલાતી ગઈ હતી અને કમ્પાઉન્ડર મનસુખે જ બંનેની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું કે, મોજશોખના કારણે કમ્પાઉન્ડરને દેવું થઈ ગયું હતું. જેથી તે રોજ સવારે પોતે જ ક્લિનિકમાં ડોક્ટરની જેમ પહોંચી જતો હતો અને ત્યાં આવતા દર્દીઓને ઓછા રૂપિયામાં ઓપરેશન કરી આપતો હતો. કમ્પાઉન્ડર રોજ સવારે કલાક સીસીટીવી કેમેરા બંધ કરી દેતો હતો અને તે સમયે અગાઉથી સમય આપેલા દર્દી આવતા તેની સારવાર કરતો હતો અને જે દર્દી પાસેથી પૈસા મેળવી ખિસ્સામાં મુકી દેતો હતો.
ભારતીબેનને કાનમાં દુખાવો થવો હોવાના કારણે કર્ણ હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ડોક્ટરે ઓપરેશન કરી આપવા માટે 30 હજારનો ખર્ચ જણાવ્યો હતો. ભારતીબેનને પૈસા વધારે લાગતા પાછા ધરે આવવા નીકળ્યા હતા. જેથી કમ્પાઉન્ડરે પોતાની ચાલાકી વાપરીને ભારતીબેનને 30 હજારના બદલે 5 હજારમાં ઓપરેશન કરી આપવાનું જણાવ્યું હતું અને ઓપરેશન માટે 9:30 પહેલા આવી જવાનું કહ્યું હતું. ગઈકાલે ભારતીબેન અને તેમની માતા કમ્પાઉન્ડરે આપેલા સમયે હોસ્પીટલમાં ગયા હતા. ઓપરેશન પહેલા કમ્પાઉન્ડરે દર્દીને ક્રેટા માઈન ઈન્જેકશન આપ્યું હતું. પરંતુ તેની ખાસ અસર ન થતાં કમ્પાઉન્ડરે ક્રેટા માઈનનો બીજો ડોઝ આપ્યો હતો. ત્યારબાદ ભારતીબેન બેભાન થવાના બદલે તરફડિયાં મારવા લાગ્યાં હતાં.
દિકરીને તરફડિયાં મારતા જોઈને માતા બેભાન થઈ ગઈ હતી. થોડા જ ક્ષણમાં ભારતીબેને શ્વાસ છોડી દીધો હતો. જેથી કમ્પાઉન્ડર ગભરાઈ જતાં પોતાનો ભાંડો ન ફૂટે તે માટે માતા ચંપાબેનનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જોકે હવે ડોક્ટરના આવવાનો સમય થઈ ગયો હોવાના કારણે ભારતીબેનની લાશ ઓપરેશન થિયેટરના એક કબાટમાં મુકી દીધી હતી જ્યારે ચંપાબેનની લાશ કન્સલ્ટિંગ ટેબલ નીચે મુકી સંતાડી દીધી હતી. ડોક્ટર આવતા તેમણે હોસ્પિટલ બહાર પગરખા જોયા હતા ત્યારબાદ ગેસની બોટલ પણ કબાટની બહાર જોવા મળતા કબાટ ખોલીને જોતા લાશ મળી આવતા પોલીસને જાણ કરી હતી. માતા-પુત્રીની હત્યા કરનારા કમ્પાઉન્ડર મનસુખને હાલ પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે જ આ પ્રકારે પહેલા કોઈ દર્દીને સારવાર આપી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








