Wednesday, April 29, 2026
HomeGujaratAhmedabadઆંસુની કિંમત ક્રાઈમ બ્રાન્ચ સમજી જાય તો શું થાય? અમદાવાદમાં બની આ...

આંસુની કિંમત ક્રાઈમ બ્રાન્ચ સમજી જાય તો શું થાય? અમદાવાદમાં બની આ ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પ્રાંગણમાં આજે માહોલ આનંદનો હતો, ઉત્સાહનો હતો, ઉમંગનો હતો. આજે એક એવું મોટું કામ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કર્યું હતું. એક આતંકવાદીને પકડવો કદાચ ક્રાઈમ બ્રાંચ માટે સહેલું હતું પણ ચાર દિવસ પહેલા અમદાવાદમાંથી એક બાળકીનું અપહરણ થયું આ બાળકીને શોધવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના 10 પોલીસ ઈન્સપેક્ટર, 2 સબ ઇન્સ્પેક્ટર અને 36 કોન્સ્ટેબલની ટીમ 96 કલાક સુધી મહેનત કરે છે અને 96 કલાક પછી બાળકીનું અપહરણ કરનાર વ્યક્તિ અને બાળકીને શોધી કાઢવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. સમગ્ર ઘટનાની રસપ્રદ કાર્યવાહી જાણવા જેવી છે. જો પોલીસ સાચા-ખોટા આંસુઓને સમજી જાય અને તેમાં રહેલું દુઃખ અનુભવે તો શું થાય તેની આ કહાની છે. કાયદો કેવી રીતે દેશના તમામ નાગરિકોને તાકાત આપે છે તે આ કેસમાં સ્પષ્ટ જોવા મળ્યું છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચનું કામ આમ તો ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ-ગેંગને તપાસવા-પકડવાનું, ગુનેગારોને નેસ્તનાબૂત કરવાનું અને ક્યારેક ક્યારેક પોલિટિકલ સોપારીઓ ફોડવાનું પણ હોય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ભલે પોલિટિકલ સોપારીઓ ફોડતી હોય પણ આજે તેમણે કરેલા તમામ ખોટા કામને ઈશ્વર માફ કરે એવું મોટું કામ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ કર્યું છે. ઘટના એવી છે કે, ગુજરાતના અમદાવાદ શહેરમાં લોકોની અવરજવરથી ભરચક રહેતો લો ગાર્ડન વિસ્તાર છે. જ્યાં બજાર ભરાય છે અને લો ગાર્ડનમાં અનેક લોકો આવે છે. આ લો ગાર્ડનની બહાર એક દંપતિ પાણી વેચવાનું કામ કરે છે. જ્યારે આ દંપતિ પાણી વેચવાનું કામ કરે ત્યારે તેમની સાડા ચાર વર્ષની દીકરી એ લો ગાર્ડનમાં રમવા જાય અને સાંજ પડે માતાપિતાનો પાણીનો ધંધો પૂરો થાય એટલે બાળકીને લઈને તેઓ ઘરે જતા રહે. આ તેમનું નિત્યક્રમ બની ગયું હતું, પણ 24મી મેના દિવસે એવું બને છે કેસ માતાપિતા પાણી વેચવાનું કામ કરી રહ્યા હતા. બાળકી બગીચામાં રમી રહી હતી. સાંજ પડી ગઈ પણ બાળકી પાછી ન આવી. આમ તો આ બાળકી લો ગાર્ડનની ભૂગોળથી વાકેફ હતી એટલે માતાને પહેલા તો વધુ ચિંતા નહોતી પણ પછી તેની મા બગીચામાં બાળકીને શોધવા જાય છે પણ બાળકીનો ક્યાંય પત્તો લાગતો નથી. પછી તો માતાપિતા બંને ભાંગી પડે છે.

- Advertisement -

ગરીબ માણસો છે, તેમની મોટી ઓળખાણ પણ નથી, આ માતાપિતા પહોંચે છે નવરંગપુરા પોલીસ સ્ટેશન. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જાણકારી આપે છે કે, અમારી સાડા ચાર વર્ષની દીકરી અમને મળતી નથી. આ ઘટના પછી ઝોન વન ડીસીપી સ્કવૉડનો એલસીબીનો સ્ટાફ હરકતમાં આવે છે અને તપાસનો દોર શરૂ કરે છે. પણ બાળકીનું અપહરણ થયું છે એવો વાયરલેસ સંદેશ આખા અમદાવાદ અને ગુજરાતમાં વહેતો થાય છે. જેની નોંધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજયન પણ લે છે. તેમને સમજતા વાર નથી લાગતી કે બાબત ગંભીર છે. બાળકીની જિંદગીનો સવાલ છે, કારણ કે ગરીબ દેખાતી બાળકીનું અપહરણ કરીને ખંડણી માગવાનો ઈરાદો તો નહીં હોય.

બાળકીનું અપહરણ કોણે અપહરણ કર્યું? કેમ અપહરણ કર્યું? વગેરે અનેક પ્રશ્નો હતા/ અપહરણ કરતાએ હજી સુધી ખંડણી માંગી નહોતી. દીકરી તો ગરીબ હતી એટલે ખંડણીનો સવાલ નહોતો. તો પછી આ બાળકીને કોણ લઈ ગયું. કોઈ ગંભીર ઘટના અંજામ ના લે તે માટે ક્રાઈમ બ્રાન્ચ પણ તુરંત એલર્ટ થઈ ગઈ. ગુજરાત અને દેશભરમાં દર વર્ષે હજારો બાળકો ગુમ થાય છે જેમાંથી ઘણા ક્યારેય પાછા મળતા નથી. એટલે પોલીસની ચિંતાઓ વધારે હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજયન પોતાના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સની એક મીટિંગ તાકીદે બોલાવે છે અને કહે છે કે કોઈપણ કિંમતે આપણે આ બાળકીને શોધી કાઢવાની છે, એટલે ક્રાઈમ બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓડેદરા અને રાવલને એક વિશેષ જવાબદારી ટાસ્ક સોંપવામાં આવે છે. તમામ પોલીસ ઇન્સ્પેક્ટરના સ્કોડમાંથી ચાર ચાર માણસનો સ્ટાફ બોલાવવામાં આવે છે અને ટીમ કામે લાગે છે. તેમની સાથે બે સબ ઇન્સ્પેક્ટર અને 36 કોન્સ્ટેબલોની ટીમ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગે છે. લો ગાર્ડનના તમામ સીસીટીવી ફૂટેજ જોવાની શરૂઆત થાય છે. ક્રાઈમ બ્રાંચની સમસ્યા એવી હતી કે અનેક સીસીટીવી ફૂટેજ બંધ હતા છતાં આ 36 માણસો બે સબ ઇન્સ્પેક્ટર રાત દિવસ જોયા વગર એક એક સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા હતા અને તપાસ આગળ વધી રહી હતી. જે સીસીટીવીમાં ફૂટેજ આવી રહ્યા હતા તે પ્રમાણે એક મહિલા સંદિગ્ધ હાલતમાં આ દીકરીને લઈ જતી દેખાય છે. તેનો અર્થ બહુ સ્પષ્ટ હતો કે બાળકી ગુમ થઈ નથી બાળકીનું અપહરણ થયું છે.

આ સ્ત્રીને શોધવા માટે એક પછી એક અમદાવાદ શહેરના 500 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ પોલીસ તપાસી રહી હતી. ત્યારે ખબર પડે છે કે આ સ્ત્રી લો ગાર્ડનથી બાળકીને પકડી તેની આંગળી પકડી તેને ચાલતી ચાલતી અમદાવાદના મીઠાખળી સુધી આવે છે અને ત્યાં મીઠાખળીના એક બગીચામાં આ દીકરીને લઈને બેસે છે. ત્યાર પછી આ દીકરીને લઈને મીઠાખળી અંડરપાસમાંથી નીકળી તે નટરાજ સિનેમા પાસે પહોંચે છે અને બસ સ્ટેન્ડ ઉપર આખી રાત રોકાય છે. એ પણ સીસીટીવી ફૂટેજમાં મળ્યા હતા. ત્યાર પછી બીજા દિવસે એક ઓટોરિક્ષા આવે છે જેમાં તે ઓટોરિક્ષામાં બેસી આ દીકરીને લઈને એલીસ બ્રિજ પાસે પહોંચે છે. જ્યાં રવિવારી બજાર ભરાય છે. પોલીસ ત્યાં સુધી પહોંચી ગઈ પણ પછી બધું જ ગાયબ થઈ ગયું હતું.

- Advertisement -

હવે એકમાત્ર આધાર હતો કે જે ઓટો રિક્ષામાં આ અપહરણ કરતા સ્ત્રી દીકરીને લઈને આવી એ ઓટો રિક્ષાને પોલીસે શોધવાની હતી આ 36 માણસોની ટીમ અમદાવાદની 2 લાખ રિક્ષાઓ છે. તેની તપાસ શરૂ કરે છે અનેબે લાખ રિક્ષાઓમાંથી આ જે રિક્ષામાં અપહરણ કરનાર સ્ત્રી હતી એ રિક્ષાને શોધી કાઢે છે અને રિક્ષાવાળાની પૂછપરછ કરતાં ખબર પડે છે કે આ સ્ત્રીને તેણે એક બાળકી સાથે હતી તેને રાયખડ પાસે ઉતારી હતી. એટલે આ 36 માણસોની ટીમ રવિવારી બજારથી રાયખડ સુધી ફેલાઈ જાય છે અને એક એક જગ્યાએ તપાસ કરવામાં આવે છે. આ દરમિયાન એવું બને છે કે ચેતન બાપુ નામની વ્યક્તિ પોલીસની મદદમાં આવે છે અને આજે દીકરી ગુમ થઈ હતી તેના પોસ્ટર ઠેર ઠેર છાપી લગાવવામાં આવે છે. આમ એક નાગરિક પણ પોલીસની મદદે આવ્યો.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ડીસીપી ઝોન 1ની અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ કામ કરી રહી હતી. ત્યારે 28 મી એક મોટી સફળતા મળે છે ક્રાઈમ બ્રાંચની ટીમ આ સ્ત્રી સુધી પહોંચે છે. તેની પાસે તે બાળકી તો મળી આવે છે આ સ્ત્રીનો દાવો એવો હતો કે આ મારી જ બાળકી છે. આ સ્ત્રીએ આ બાળકીની ઓળખ છુપાવવા માટે તેના વાળ કાપી નાખ્યા હતા, પણ જ્યારે આ દીકરીને પૂછવામાં આવે છે કે આ તારી માતા છે ત્યારે તે ના પાડે છે અને તેવું કહે છે મારી માનું નામ આરતી છે પોતાનું નામ પણ કહે છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ મહિલા અને પેલી બાળકીને લઈને ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચે છે અને ક્રાઈમ બ્રાન્ચમાં પહોંચ્યા પછી દીકરીની માં અને પિતાને જ્યારે જાણ કરવામાં આવે છે ત્યારે ભાવ વિભોર દ્રશ્ય સર્જાય છે. દીકરી પોતાની માને ઓળખી જાય છે અને પછી મા અને દીકરી ધૃષ્કેને ધૃષકે વળગીને રડે છે.

આમ મા અને દીકરીનું મિલન થાય છે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આ 36 કોન્સ્ટેબલ અને બે સબ ઇન્સ્પેક્ટરો સાથે આ બાળકનો તેની માતાની એક તસ્વીર પણ લેવામાં આવી જે અહીં દર્શાવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ઉત્સાહનો માહોલ ખરેખર હતો અને ખરેખર અમદાવાદ ક્રાઈમ બ્રાંચે બહુ મોટું કામ કર્યું છે. આ કામ માટે ક્રાઈમ બ્રાન્ચને સલામ તો કરવી પડે અને ઈશ્વરને પ્રાર્થના કરવી પડે કે તેમના બધા ગુના માફ કરજે કારણ ક્યારેક ક્યારેક આવા સારા કામો પણ થતા હોય છે અને તેમાં પણ એક ગરીબની બાળકીને શોધવામાં આ દરેક પોલીસ કર્મચારીએ એવું માની લીધું હતું આ મારું બાળક છે અને મારે મારા બાળકને શોધવાનું છે. આખરે તેમાં સફળતા મળી અને અંતે તે સફળતામાં ખુશીના આંસુની રાહત પણ મળી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular