નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર ગેરકાયદે દબાણો પર બુલડોઝર એક્શન લેવાની તંત્રને મજા તો પડી રહી છે પરંતુ સામે જ્યારે કાયદેસર કામગીરી કરવાની વાત આવે ત્યારે તંત્રની વિચાર શક્તિને શું થઈ જાય છે? તેવા પ્રશ્નો થાય તેવી સ્થિતિ પણ ઉદ્ભવે છે. આવું જ કાંઈક અમદાવાદમાં (Ahmedabad) ચંડોળા તળાવ પાસેના ગેરકાયદે દબાણો (Chandola lake demolition) દૂર કર્યા બાદ સામે આવી રહ્યું છે. એક બાજુ અસામાજિક તત્વોના મકાનો અને ગેરકાયદે મકાનો પર બુલડોઝર તો ચલાવ્યા પણ વૈકલ્પિક વ્યવસ્થા માટે જે ગરીબ આવાસ યોજનામાં ઘર આપવામાં આવશે તેનો હપતો મહિને રૂપિયા 30000 સુધીનો છે. લગભગ અમદાવાદના મોટાભાગના લોકો જાણે છે કે અહીં રહેનારા રોજ કમાઈ રોજ ખાનાર લોકો છે. તેમની રોજી રોજીંદી અને ખર્ચ રોજીંદો છે. તેવામાં અહીંનો લગભગ દરેક વર્ગ આ હપતો ભરવા કરતાં અન્ય ક્યાંય ગેરકાયદે વસવાટ કરવાનું જ વિચારે તો? શું આ સંભાવનાઓ નથી? આ મામલે કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતાએ તંત્રના સત્તાધિશોને સહાનુભૂતિ સાથે વિચાર કરવાની સલાહ આપી છે.
અહીં વિસ્તૃત વાત કરીએ તો, ચંડોળામાં હાલમાં બુલડોઝર એક્શન કરી મોટી માત્રામાં જમીનને ખુલ્લી કરાઈ છે. સરકાર દ્વારા વર્ષ 2010માં વૈકલ્પિક ઘર આપવાની વાત કરવામાં આવી હતી. ઘર ફાળવવા માટે દર મહિનાનો 30 હજાર રૂપિયાનો હપતો પણ નક્કી કરાયો છે. 31 માર્ચ સુધી આ ફોર્મ ભરી આપવાના છે. આપને જણાવી દઈએ કે વિસ્થાપિતોને ગરીબ આવાસમાં અંદાજે 3 લાખ રૂપિયાની કિંમતના મકાનો આપવામાં આવશે. આ નિર્ણય કરાયો તે પછી અમદાવાદ કોર્પોરેશનના તંત્ર સામે કોંગ્રેસના નેતા શહેજાદખાન પઠાણ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ગરીબ વર્ગ મહિને 30 હજારનો હપતો કેવી રીતે ભરી શકે? જે ઝુંપડપટ્ટીમાં રહેતા માણસો છે તે આટલો હપતો ભરી શકે તેમ ના હોઈ હપતાની રકમને મહિને 5 હજાર કરવાની માગ કરી હતી.
તેમણે કોર્પોરેશનની બોર્ડ મિટિંગમાં પણ કહ્યું કે, વૈકલ્પિક વ્યવસ્થા માટે ફોર્મ ભરવાની જે સમયમર્યાદા અપાઈ છે તે પણ ઓછી છે. કારણ કે તેમને તો હજુ આવકના દાખલા પણ કઢાવવાના બાકી છે. તેને પણ લંબાવવી જોઈએ. જે મામલે મેયર પ્રતિભા જૈને પણ આ મુદ્દત વધારવાનું આશ્વાસન આપ્યું હતું. વિપક્ષ નેતા પઠાણે એ પણ કહ્યું કે બાંગલાદેશીઓ અને અન્યોએ વર્ષોથી ગેરકાયદે દબાણો કર્યા હતા. ક્રોપેરેશને પોલીસની મદદ લઈ બે તબક્કે બાંધકામો તોડી પાડ્યા છે, પણ આપણા દેશના જે વિસ્થાપિતો છે તેમની આવક અને ક્ષમતાને આધારે કોર્પોરેશને સહાનુભૂતિ પૂર્વક વિચાર કરવો જોઈએ.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








