નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ સહીત અનેક જિલ્લાઓમાં આંગડિયા પેઢીના કર્મીઓને ટાર્ગેટ કરીને લૂંટ ચલાવતા લૂંટારાઓ સક્રિય થયા છે. છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની અનેક ધટના બનવા છતા આંગડિયા પેઢી દ્વારા સાવધાની રાખવામાં આવતી નથી પરિણામે કર્મચારીઓ લૂંટનો ભોગ બને છે. તાજેતરમાં અમદાવાદમાં આંગડિયા પેઢીના કર્મીને ટાર્ગેટ કરીને 42 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે 10 દિવસની અંદર જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સતર્કતાના કારણે જેલના સળીયા પાછળ ધકેલાયા છે. ઉલેખનીય છે કે અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયતથી બનતી મોટી લૂંટના આરોપી સુધી પહોંચવામાં સ્થાનીક પોલીસનો પરસેવો છુટી જતો હોય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ગણતરીના દિવસોમાં આરોપીને જેલના સળીયા પાછળ ધકેવામાં સફળતા મળી છે.
માહિતી અનુસાર, અમદાવાદના પોશ વિસ્તાર સી.જી રોડ પર ધોળા દિવસે ભર બજારે લૂંટ ચલાવવામાં આવી હતી. સીજી રોડ પર આવેલા ઇસ્કોમ આર્કેટમાં આવેલી સમકીત નિધી આંગડીયા પેઢીમાં કુમારપાળ કેસ ગણતરી કરવાનું કામ કરે છે. પેઢીના માલિક ભાવેશભાઇ સંઘવીએ 18 જુલાઇના રોજ કુમારપાળને સીજી રોડ પર આવેલી મહેન્દ્ર સોમા આંગડીયા પેઢીમાંથી હીશાબના 42 લાખ લેવા માટે કહ્યું હતું. કુમારપાળ અને પેઢીના અન્ય કર્મચારી ધર્મેન્દ્ર માલિકનું એક્સેસ લઇને પૈસા લેવા માટે નીકળ્યા હતા. સી.જી રોડ પર ગીરીશ કોલ્ડ્રિંક્સ નજીક આવેલા સમુદ્ર કોમ્પલેક્ષમાં મહેન્દ્ર સોમા આંગડિયા પેઢીમાંથી રૂપિયા 42 લાખ લઈને ટુ-વ્હીલર પર પરત ઓફિસ જઈ રહ્યા હતા. તે દરમિયાન બોડી લાઈન ચાર રસ્તાએ સિગ્નલ બંધ હોવાથી તેઓ ઊભા રહી ગયા હતા ત્યારે એક બાઈક પર બે વ્યક્તિ આવીને ટુ-વ્હીલર પર આગળની ભાગે મૂકેલી રૂપિયાની બેગ ચીલ ઝડપ કરીને ફરાર થઇ ગયા હતા.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ હર્ષદભાઈ અને હરેશભાઈને માહિતી મળી હતી કે, શહેરમાં ચીલઝડપ અને કાચ તોડી લૂંટ ચલાવાના ગુનામાં અગાઉ પકડાયેલા મનોજસિંધી ગાગડેકર અને વિશાલ તમૈચેનાએ ભેગા મળીને કોઈક જગ્યાએથી ચોરી કરીને તેના પૈસા સગેવગે કરવા માટે નરોડામાંથી નીકળવાના છે. પોલીસને માહિતી મળતા જ આરોપીને ઝડપી પાડવા વોચ ગોઠવી હતી. આ દરમિયાન કુબેરનગર છારાનગર રોડ પાસેથી વિશાલ અને મનિષ કાળા કલરના નંબર વગરના એક્ષેસ વાહન સાથે મળી આવ્યા હતા. જેમની પાસેથી મોટી સંખ્યામાં રોકડ રમક મળી આવી હતી.
પકડાયેલા બંને આરોપીને ક્રાઈમ બ્રાન્ચ લાવીને પુછપરછ કરતા જણાવ્યું હતું કે, આ બંને આરોપી અને વોન્ટેડ આરોપી પપ્પુ શ્યામ ગાંરગે 10 દિવસ અગાઉ અમદાવાદમાં ચીલઝડપ કરવા માટે નીકળ્યા હતા. ચીલઝડપની શોધમાં રખડતા રખડતા નવરંગપુરા વિસ્તારમાં આવ્યા હતા. ત્યારે સાંજના 5 વાગ્યાની આસપાસ એક આંગડિયા પેઢીની દુકાન પાસે ઊભા રહી કોઈ આંગડિયા પેઢીમાંથી પૈસા લઈને નીકળે તેની રાહ જોઈ રહ્યા હતા. જો કોઈ પૈસા લઈને બહાર આવે તો તેનો પીછો કરીને ચીલઝડપ કરી પૈસા પડાઈ લેવાનો પ્લાન બનાવ્યો હતો. આ દરમિયાન બે લોકો આંગડિયા પેઢીની દુકાનમાંથી પૈસાનો થેલો લઈને નીકળ્યા હતા. પ્લાનિંગ મુજબ આ ત્રણે તેમનો પીછો કર્યો, સી.જી. રોડ પાસે સિગ્નલ બંધ હોવાના કારણે પૈસા લઈને જતા બે વ્યક્તિ ઊભા રહી જતા મોકાનો ફાયદો ઉપાડીને પૈસા ભરેલી બેગને ચીલઝડપ કરીને ભાગી ગયા હોવાની આરોપીએ કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.
પકડાયેલા આરોપી પૈકી વિશાલ વિક્રમ તમૈચે અગાઉ સરદારનગરમાં દારૂના કેસમાં અને ચોરીના કેસમાં પકડાય ચુક્યો છ. ઉપરાંત વડોદરા અને સુરતમાં પણ ચોરીના કેસમાં પકડાય ચુક્યો છે અને બે વાર પાસા પણ ભોગવી ચુક્યો છે. જ્યારે મનોજસિંધી ગાગડેકર અગાઉ અમદાવાદના કાગડાપીઠ, એલીસબ્રિજ, નવરંગપુરા, સરદારનગર, એરપોર્ટ વિસ્તારમાં ચોરી અને દારૂના કેસમાં ઉપરાંત વડોદરામાં બેગલીફ્ટીંગના ગુનામાં પકડાય ચુક્યો છે અને પાંચ વખત પાસા પણ ભોગવી ચુક્યો છે.








