નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના ક્રિમ એરીયાના પોલીસ સ્ટેશન વસ્ત્રાપુરની પોલીસને મોજ માણવામાંથી જાણે ફૂરસદ નથી મળતી. કારણ કે, અમદાવાદમાં છેલ્લા સપ્તાહથી એક માતા પોતાની દિકરીને શોધતી ફરી રહી છે, ગરીબ માતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની મદદ માગી રહી છે. પરંતુ પોલીસ પાસેથી રડતી માતાને મળી રહી છે બસ સાંત્વના ! વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની કાર્યવાહી નહીં કરવાની દાનતના કારણે સમગ્ર અમદાવાદ શહેર પોલીસને(Ahmedabad Police) દાગ લાગી રહ્યો છે.
માતા વલોપાત કરે છે અને પોલીસ આરામ !
ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રાજીબેન પ્રકાશભાઈ સોલંકી નામની મહિલાની 13 વર્ષની કુમળી દિકરી ગુમ થઈ છે. ગત 7 જાન્યુઆરીના રોજ બાળકી ગુમ થતા વલોપાત કરતી માતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની મદદ માગી હતી. પરંતુ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, રક્ષક બનેલી પોલીસે પુત્રી ગુમ થયાની ફરીયાદ નોંધાવવા ગયેલા રાજીબેનની ફરીયાદ લેવાના બદલે પોલીસે મામલો ભીનો સંકેલવા પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં પોલીસે જવાબ પણ ફાઈલ કરી દીધો છે મહિલાને દિકરી મળી ગઈ છે અને હવે તેમને ફરીયાદ કરવી નથી !
કેસ કરશો તો 50-60 હજારનો ખર્ચ થશે !
આ બાબતે ગુમ થયેલી દિકરીના માતા રાજીબેન સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, તેમની 13 વર્ષીય દિકરી રાધા ગત તારીખ 7 જાન્યુઆરીના રોજ સાંજના સમયે શાકભાજી લેવા માર્કેટમાં ગઈ હતી. પરંતુ લાંબા સમય બાદ પણ દિકરી પરત નહીં ફરતા માતાએ માર્કેટમાં અને તેણીની સહેલીઓને ત્યાં તપાસ કરી હતી. છતાં પણ રાધા મળી નહીં આવતા તેમણે પોલીસને જાણ કરી હતી અને બાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેઓ છેલ્લા 7 દિવસથી પોતાની દિકરી મળી જાય તે માટે ફરીયાદ લખાવવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યાં છે. પરંતુ પોલીસ તેમની ફરીયાદ લેવાના બદલે તેમને કહે છે કે, તમારી દિકરી મળી જશે અને, જો તમે કેસ કરશો તો વકીલનો 50-60 હજારનો ખર્ચ થઈ જશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેમની દિકરીને લઈ જનાર શખ્સ મંગુભાઈ ઉર્ફે મંગુલો છે અને તેને ચોટીલા ખાતે લઈ ગયેલ છે. આ માહિતી તેમણે પોલીસને આપી છે છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.
બોલો… પોલીસે તો ફાઈલ ક્લિયર કરી નાખી
આ મામલાની ઉંડી તપાસ કરતા સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, પોલીસે તો આ મામલાનું ભીનું સંકેલવા માટે ફરીયાદી મહિલા રાજીબેનનો જવાબ પણ નિયમ મુજબ ફાઈલ કરી દીધો છે. જેમાં તેમની દિકરી ચોટીલા ખાતે છે અને તેની માહિતી તેમને મળી ગઈ હોય હવે તેઓ ફરીયાદ કરવા ઈચ્છતા નથી. ત્યારે વસ્ત્રાપુર પોલીસની ભૂમિકા પર અનેક સવાલ પેદા થઈ રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે, ક્રિમ વિસ્તારનું પોલીસ સ્ટેશન આળસ ખંખેરી પ્રજાની સલામતી માટે કામ કરશે કે ગુનાના આંકડા છુપાવતા રહેવા માટે ફરિયાદ નહીં નોંધવાના પ્રયાસ કરશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796