નવજીવન ન્યૂઝ.ગોધરા: Godhra ACB Trap : ભ્રષ્ટાચાર હટાવોની ગુલબાંગો વચ્ચે રાજ્યના સરકારી અધિકારી- કર્મચારીઓ અવારનવાર લાંચ લેતા ઝડપાઈ છે. આમ તો ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટાચારી ઝડપાઈ તે કોઈ નવી વાત નથી. કારણ કે બાબુઓના પેટ જ એટલા મોટા થઈ ગયા છે કે સરકાર દ્વારા મળતો પગાર કદાચ ઓછો પડે છે. કોઈ વ્યક્તિ જ્યારે સરકારી કચેરીમાં કોઈ કામ માટે આવે ત્યારે જે તે કચેરીના કર્મચારીની ફરજ છે કે નિયમ પ્રમાણે તેનું કામ કરે. પણ જ્યારે લાંચ વિના કામ કરવાની નિયત જ ન હોય ત્યારે લાંચિયા કર્મચારીઓ ACBના સકંજામાં ફસાઈ જાય છે. ત્યારે ગોધરામાં (Godhra) એક વેરા નિરીક્ષક લાંચ (Bribe) લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરામાં આવેલી રાજ્ય વેરા કચેરીમાં લોકો GST નંબરના વેરિફિકેશન તેમજ તે સબંધિત કામ માટે આવતા હોય છે. ત્યારે ગોધરાના રાજ્ય નિરીક્ષક વેરા અધિકારી પુષ્પક પંચાલે એક અરજદાર પાસે GST નંબરના વેરિફિકેશન માટે લાંચ માગી હતી. અરજદારે તેના જયવીર એન્ટરપ્રાઈઝ નામના ધંધા માટે GST નંબર માટે ઓનલાઈન અરજી કરી હતી અને જે અરજીના ફિઝિકલ વેરિફિકેશન માટે વેરા અધિકારીએ અરજદાર પાસે રૂપિયા પાંચ હજારની લાંચ માગી હતી.
જો કે અરજદાર વેરા અધિકારીને લાંચ આપવા માગતા નહોતા. જેથી અરજદાર ACB પાસે પહોંચ્યા હતા અને ACB ને વેરા અધિકારીએ માગેલી લાંચ વિશે વાત કરી હતી. અરજદારે કરેલી રજૂઆત અન્વયે ACB એ એક છટકું ગોઠવ્યું હતું. ACB ના છટકામાં વેરા અધિકારી પુષ્પક પંચાલ રૂપિયા પાંચ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ACB એ વેરા અધિકારી સામે ફરિયાદ નોંધી ગોધરાની સ્પેશિયલ ACB કોર્ટમાં રિમાન્ડ માગ્યા હતા. ગોધરાની સ્પેશિયલ ACB કોર્ટે પણ આરોપી અધિકારીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જ એ.સી.બી.ના અધિકારીઓની એક બેઠકમાં કહ્યું હતું કે મારું ધ્યાન બધે છે. હું જાણું છું કયા ઝોનમાં કેવી રીતે કામગીરી ચાલે છે. આમ તેમણે એ.સી.બી.ના અધિકારીઓને કામ કરો નહીં તો તમે પણ મારી નજરમાં છો તેવું શાનમાં સમજાવી દીધું હતું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796