AAP candidates withdrew their nomination forms for GMC election : ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાનારી ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો (Aam Aadmi Party suffers setback in Gandhinagar Municipal Corporation elections) લાગ્યો છે. ચૂંટણી ફોર્મ પરત ખેંચવાની છેલ્લાં દિવસે AAP ના ત્રણ ઉમેદવારે તેમની દાવેદારી પરત લઇ લીધી છે. વોર્ડ નંબર 2માંથી રમીલાબેન મેસરીયા, વોર્ડ નંબર 3માંથી અભય દેસાઈ અને વોર્ડ નંબર 4માંથી શરીફ મોહમ્મદ દ્વારા પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા છે. ફોર્મ પરત ખેંચનારા ઉમેદવારોએ કોંગ્રેસને સમર્થન જાહેર (AAP candidates extended their support to Congress) કરતા ગાંધીનગરમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના નેતાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી ખરેખર તો ભાજપની બી ટીમ (BJP B Team) તરીકે જ મેદાનમાં ઉતરી છે.
ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે સોમવારે હાથ ધરવામાં આવેલી ચકાસણીમાં મેન્ડેટનો અભાવ, ભરેલા ફોર્મમાં રહેલી ખામીઓ તેમજ ‘ત્રણ બાળકોના નિયમ’ જેવા કાયદાકીય મુદ્દાઓને કારણે વોર્ડ-2 માં AAP ના ઉમેદવાર પ્રવિણભાઈ ખોડાભાઈ દંતાણીનું ફોર્મ ત્રણ સંતાનના નિયમના કારણે રદ કર્યું હતું. આ ઉપરાંત વોર્ડ-5 માં AAPના ઉમેદવાર જીતેન્દ્રસિંહ કેસરીસિંહ ચૌહાણનું ફોર્મ મેન્ડેટના અભાવે અમાન્ય જાહેર થયું હતું. વોર્ડ-9 માં AAP ના ભૂમિકા પ્રજ્ઞેશભાઈ વાઘેલાનું ફોર્મ યોગ્ય એફિડેવિટ રજૂ ન થવાને કારણે રદ કરાયું. જ્યારે વોર્ડ-10માં આપના ઉમેદવાર હાર્દિક તલાટીનું ફોર્મ કોર્ટની ન્યાયિક કાર્યવાહીને કારણે રદ થયું હતું.
આજે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને ચૂંટણી જંગમાં માત્ર ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા જ નહીં, પરંતુ પક્ષો વચ્ચેના આક્ષેપ અને પ્રતિઆક્ષેપો પણ ચર્ચાના મુખ્ય કેન્દ્રમાં આવ્યા છે.








