તુષાર બસિયા : ગુજરાતમાં ક્રિકેટ મેચના સટ્ટા રમવાના આરોપમાં પોલીસ કેટલાય આરોપીઓની ધરપકડ કરે છે. ડિજિટલ ઈન્ડિયામાં હવે જુગાર પણ ડિજિટલ થતા ક્રિકેટ સહિતના કેટલાક જુગાર રમવાની આઈ.ડી. મળવા લાગી છે. બુકીઓ દ્વારા વેબસાઈટ અને એપ્લિકેશન પર પૈસા જમા કરાવી સટ્ટો રમવાની સવલતો કરી આપવામાં આવે છે. આ બધી બાબતો પોલીસ અને સરકારથી અછાની નથી. આમ પણ દારૂ જુગાર પોલીસ માટે ધીકતો ધંધો છે તેવા આરોપ સતત લાગતા રહે છે. ત્યારે હવે જાણે બુકીઓ ઓનલાઈન જુગાર રમાડી દેશના યુવાધનને ખતમ કરવા ઘર આંગણે પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું છે.
બુકીઓને સરકારનો કે પોલીસનો ડર નથી?
જુગાર… જુગાર… જુગાર… દેશમાં હવે જુગાર રમવું બન્યું એકદમ સરળ, બસ ઓનલાઈન એકાઉન્ટ ખોલો અને રમો ક્રિકેટ સહિતના જુગાર. ઘર બેઠા પેમેન્ટ કરો અને જુગારમાં જીતેલી રકમ વિથડ્રો પણ કરો 10 મીનિટમાં. તો રાહ શેની જુઓ છો આજે જ બનો શ્રેષ્ઠ જુગારી. આ પ્રકારની જાહેરાત આવે તો કેવું આશ્ચર્ય થાય ! પરંતુ આવા પ્રકારની જાહેરાત ખરેખરમાં આવી છે, તો ભવિષ્યમાં પણ આવે તો કોઈ નવી વાત નથી તેવું સમજજો.
29 માર્ચના રોજ ગુજરાતના એક જાણિતા ગુજરાતી અખબારના ફ્રન્ટ પેજ પર (પહેલા પાને) એક આશ્ચર્યજનક જાહેરાત જોવા મળી હતી. આ જાહેરાતમાં પ્લે વીથ મહાદેવ બુક- યોર ચોઈસ ફોર ક્રિકેટ-ગેટ યોર ઓનલાઈન આઈ.ડી. “PLAY WITH MAHADEV BOOK- YOUR CHOISE FOR CRICKET- GET YOUR ONLINE ID” અને વોટ્સએપ પર સંપર્ક કરવા 2 મોબાઈલ નંબર લખેલા જોવા મળે છે. સાથે જ વિજ્ઞાપન દાતા તરફથી 18 વર્ષથી વધુની વયના માટે છે, પોતાની જવાબદારી અને જોખમ સાથે રમો તેવી સૂચના કે નોંધ કે ચેતવણી પણ લખાઈ છે.
આ પ્રકારની જાહેરાત અખબારમાં આવે એટલે સ્વાભાવિક પણે અખબારે પણ ચેતવણી લખી પોતાના હાથ ખંખેર્યા જ હોય. તેમ અહીં પણ અખબારની ચેતવણી/નોંધ જોવા મળે છે. જેમાં તેઓ કોઈ પણ દાવા કે વ્યવહારના જવાબદાર નથી તે રીતનું લખાણ જોવા મળે છે.
કેવી રીતે ચાલે છે કાંડ !
આ તમામ બાબતો પર નજર અને સામાન્ય બુધ્ધી મુજબ સવાલ થાય કે જુગાર તો ગેરકાયદે છે. તો જુગાર રમાડનાર દ્વારા જુગાર રમવા નોતરું આપે તે પ્રકારની જાહેરાત આપવાની હિમ્મત કેમ થાય. આ સવાલ બાદ જાહેરાતમાં આપેલા નંબર પર અમારા ઈન્વેસ્ટીગેટર દ્વારા વોટ્સએપ મેસેજ કરતા કેટલીક વેબસાઈટ્સ સાથે માહિતી મળી કે, આપ કઇ વેબસાઈટ પર રમવા ઈચ્છો છો નામ જણાવો ! એક વેબસાઈટનું નામ આપતા જ સામે બાજુથી પૈસા જમા કરવાનું જણાવવામાં આવે છે. સાથે જ ઓનલાઈન બેંક, ગુગલ પે, ફોન પે, યુપીઆઈ નંબર પણ મોકલવામાં આવે. સાથે જ રકમ જમા કરાવી રિસિપ્ટ વોટ્સએપ કરી આઈડી મેળવવા જણાવાય છે.
રન ફેર સહિતના જુગાર !
આ વીધીની પતાવટ કરો અને વોટ્સએપ પર માહિતી આપો એટલે અન્ય એક નંબર આપવામાં આવે. હવે આગળના વ્યવહાર આઈ.ડી. પાસવર્ડ વગેરે ત્યાંથી મળશે તેમ જણાવાય છે. જણાવ્યા મુજબ વેબસાઈટનો આઈ.ડી. પાસવર્ડ થોડી જ મિનિટમાં આપી દેવામાં આવે છે. બસ હવે તે વેબસાઈટ પર આઈડી પાસવર્ડથી લોગઈન કરવાથી વિવિધ રમતો સાથે ક્રિકેટનો રન ફેર સહિતનો જુગાર પણ રમી શકાય છે.
જીતેલી રકમ પણ ઓનલાઈન ચૂકવે છે
જમા કરાવેલી રકમથી ક્રિકેટનો સટ્ટો રમી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. જેમાં વર્ચ્યુઅલ ક્રિકેટ સહિત ચાલુ લાઈવ મેચના પણ ફેન્સી, ભાવ, રન ફેર સહિતનો સટ્ટો રમી શકાય છે. આ સટ્ટો રમી જીતેલી રકમ પરત મેળવવા આપેલા વોટ્સએપ નંબર પર વિથડ્રો કરવાનું જણાવતા બેંક એકાઉન્ટ કે યુપીઆઈની વિગત અને એકાઉન્ટ હોલ્ડરના નામની વિગત મેળવી લેવાય છે. થોડી જ મિનિટમાં રકમ ખાતા કે વોલેટમાં જમા થઈ જાય છે. આ રકમ જમા કરાવી પેમેન્ટ રિસીપ્ટ પણ વોટ્સએપના માધ્યમથી મોકલી આપવામાં આવે છે બોલો…
કાયદેસર નો સવાલ જ નથી !
આટલી હદે ઓર્ગેનાઇઝ કામ તો મોટું કમઠાણ કરી બેઠા હોય તેવી ગેંગ જ કરી શકે તે સમજી શકાય છે. વળી આ ક્રિકેટનો સટ્ટો પણ કહેવાય એટલે કાયદેસર હોવાની વાતનો છેદ ઉડી જાય છે.
પોલીસ માટે એક દમ સરળ થશે તપાસ
આ મામલે સરકાર અને પોલીસ જો કાર્યવાહી કરવા ચાહે તો સારી વાત એ છે કે તેમને ઊંડી તપાસ કરવાની જરૂર નહીં રહે. અખબારમાં જાહેરાત અપાવનાર, બેંકના કે વોલેટના ખાતા ધારકો, વોટ્સએપના નંબર, આઈપી એડ્રેસ ઘણું બધું છે જે આ બુકી ટોળકીને કાયદાના સકંજામાં લઈ આરોપીના કઠેડામાં ખડા કરી દે.
સરકાર માટે ચેલેન્જ !
સાથે જ જુગાર, આઇટી એક્ટ, મની લોન્ડરિંગ સહિતની કાર્યવાહી કરી જો આ મામલે કાર્યવાહી સારી રીતે તપાસ થાય અને પુરાવા એકત્રિત કરવામાં આવે તો મજબૂત કેસ ફાઇલ થઈ શકે. હવે ‘આ જાહેરાત સરકાર માટે એક ચેલેન્જના સ્વરૂપે છે જોવાનું છે કે પોલીસ આ ગેંગ સુધી પહોંચવાની ચેલેન્જ સ્વીકારે છે કે કેમ’.
![]() |
![]() |
![]() |











