નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. આ વિધાનસભાની ચૂંટણીઓમાં પાટીદાર ફેક્ટર કેટલું અગત્યનું છે તે ગુજરાતનાં દરેક પક્ષ સમજી ગયા છે. ગુજરાતમાં દાયકાઓથી સત્તા ધરાવતા ભાજપને પણ પાટીદાર ફેકટર ઉપર કામ કરવાની ફરજ પડી છે. જેવી રીતે થોડા સમય અગાઉ મુખ્યમંત્રી અને કેબિનેટને બદલવામાં આવી અને ત્યાર બાદ હવે વર્ષ 2015માં થયેલા પાટીદાર આંદોલનમાં થયેલા કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ગુજરાત5 સરકાર દ્વારા પાટીદાર આંદોલનમાં થયેલા 10 કેસ પરત ખેંચવામાં આવ્યા છે, તેમજ હાર્દિક પટેલ સામેના પણ 2 કેસ પરત ખેંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આજે સરકારે પરત ખેંચેલા 1 કેસમાં નરોડા, રામોલ, બાપુનગર, ક્રાઇમ બ્રાંચ, સાબરમતી, નવરંગપુરા અને શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારના 1-1 અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારના 2 કેસ પરત ખેંચવામાં આવ્યા છે, આ ઉપરાંત હાર્દિક પટેલ સામે નોંધાયેલા 2 કેસ પણ પરત ખેંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તે અંગે આગામી 15 એપ્રિલના રોજ હુકમ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન વખતે અલગ અલગ વ્યક્તિઓ સામે કુલ 485 કેસ નોંધવામાં આવ્યા હતા જેમાંથી 228 કેસ જે તે સમયે રદથઈ ગયા હતા અને 140 કેસ બાકી હતા.
નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી થયા બાદ પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ઘણી વાર તેમણે મળીને આવેદન આપવામાં આવ્યું હતું કે પાટીદાર આંદોલનમાં થયેલા કેસ પરત ખેંચવામાં આવે, થોડા સમય અગાઉ હાર્દીક પટેલ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવાની માગ કરી હતી.
![]() |
![]() |
![]() |











