નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ મેટ્રો કોર્ટમાં તારીખ 7 માર્ચના રોજ બાપુનગરના મહિલા પોલીસ સબ ઈન્સ્પેકટર વર્ષા જાદવ અને તેમના સ્ટાફને વકીલોએ ઘેરી લઈ ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પીએસઆઇ વર્ષા જાદવને અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યથી તેમને રાજા આપવામાં આવતા તેમણે કારંજ પોલીસ સ્ટેશનમાં વકીલો સામે ફરિયાદ નોંધાવી છે.
વર્ષા જાદવે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. તેમણે 6 માર્ચના રોજ એક આરોપીને પકડ્યો હતો. આ આરોપી વતી એડવોકેટ છાયા કોરી પોલીસ સ્ટેશન આવ્યા હતા. તેમણે પોલીસ સ્ટેશન ખાતે પોતાના આશીલનું ઉપરાણું લઈ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આથી બાપુનગર પોલીસે એડવોકેટ છાયા કોરી સામે પોલીસના કામમાં દાખલ કરવાનો ગુનો નોંધ્યો હતો. આ વખતે એડવોકેટ છાયાએ મહિલા પીએસઆઇ જાદવને કોર્ટમાં જોઈ લેવાની ધમકી આપી હતી.
તારીખ 7મી માર્ચના રોજ વર્ષા જાદવ તેમના તાબામાં રહેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવા આવ્યા ત્યારે છાયા કોરી સહિતના વકીલોએ પીએસઆઇ જાદવ અને તેમના સ્ટાફને ઘેર લઈને માર મારવાની શરૂઆત કરી હતી. આ બનાવની જાણ થતાં કારંજ પોલીસ સ્ટેશન સ્ટાફ કોર્ટમાં દોડી આવ્યો હતો. પોલીસે ખાસી મહેનત કરીને વર્ષા જાદવ સહિતના સ્ટાફને વકીલોના ટોળાં માંથી બહાર કાઢી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા.
વર્ષા જાદવે કારંજ પોલીસ સ્ટેશનમાં વકીલો દ્વારા ગુનાહિત કાવતરું રચી પોતાની ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપી તરીકે 1. છાયા કોરી, 2. જૈમિની પટેલ, 3. ઝફરખાન પઠાણ, 4. મનીષા પરિખ, 5. નીતા પરમાર, 6. નિર્મળ રાવળ 7. હેમંત નવલખા, 8. પંકજ પુરોહિત, 9. એડવોકેટ અશોક શર્મા, 10. એડવોકેટ ભરત અને એક સો કરતાં વધારે એડવોકેટ સ્ત્રી-પુરુષો સામે ફરિયાદ નોંધાવી છે.
![]() |
![]() |
![]() |











