Monday, April 20, 2026
HomeGeneralદર્દ, કરુણા, પ્રેમ, સત્ય, સંઘર્ષ, રહસ્ય, સવાલ, જવાબ, આવું તો આમાં ‘ઘણું...

દર્દ, કરુણા, પ્રેમ, સત્ય, સંઘર્ષ, રહસ્ય, સવાલ, જવાબ, આવું તો આમાં ‘ઘણું બધું છે’

- Advertisement -

મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ અમદાવાદ): મારી વાતની શરૂઆત કવિ અનિલ ચાવડાના મારા મનપસંદ શેરથી કરું છું, કારણ કે મારે વાત પણ એમના જ એક પુસ્તક વિશે કરવાની છે.

“કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો બોમ્બ,
પ્રાર્થના કરતો હતો કે કાશ હું ફૂટું નહીં.”

- Advertisement -

દોસ્તો, ઉપરનો શેર વાંચ્યા પછી સર્જકની સર્જનશક્તિનો અંદાજ આપ લગાવી શકો છો. અમદાવાદના ઈન્કમટેક્સ વિસ્તારમાં આવેલા નવજીવન ટ્રસ્ટના જિતેન્દ્ર દેસાઈ હોલ ખાતે મંગળવારે અનિલ ચાવડા લિખિત ગઝલ સંગ્રહ ‘ઘણું બધું છે’નું વિમોચન કરવામાં આવ્યું. એવું કહેવાય છે કે, સર્જક જ્યારે કોઈ સાહિત્યિક રચના કરે છે ત્યારે તે સર્જકની હોય છે, પણ એક વાર ભાવકો સમક્ષ મૂક્યા પછી તે માત્ર સર્જકની રહેતી નથી, સૌની બની જાય છે. એ ન્યાયે આપણા સૌના ગઝલ સંગ્રહ ‘ઘણું બધું છે’નું પ્રકાશન અમદાવાદ સ્થિત ગાંધી સ્થાપિત ‘નવજીવન પ્રકાશન મંદિર’ દ્વારા કરવામાં આવ્યું છે.



કાર્યક્રમનો સમય સાંજે સાત વાગ્યાનો હતો પરંતુ અનિલ ચાવડાનો વાચકવર્ગ અને સાહિત્ય પ્રેમીઓ તે પહેલા જ હોલમાં ગોઠવાઈ ગયા હતા અને લગભગ બે કલાક ચાલેલા આ કાર્યક્રમમાં ભાવકોને તેમના મનગમતા સર્જકોએ ગઝલો અને કાવ્યોનો આસ્વાદ કરાવ્યો હતો. જાણીતા કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’એ ગુજરાતી ગઝલની પરંપરા વિશે અદ્ભૂત માહિતી પીરસી હતી. કવિ હર્ષ બ્રહ્મભટ્ટે અનિલ ચાવડાના કવિકર્મ વિશે અને કવિતા વિશે વાત કરીને ભાવકોને ભીંજવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરીને કવિ તેજસ દવેએ પ્રસંગનો પ્રવાહ જાળવ્યો હતો.

- Advertisement -


અત્રે ઉલ્લેખનીય છે કે, 36 વર્ષીય યુવાન કવિ અનિલ ચાવડા અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં અનેક મુશાયરા કરીને લોકોની ચાહના પામી ચૂક્યા છે. તેઓ ગુરુવારે ફરીથી પાંચમી વાર અમેરિકા જઈ રહ્યા છે. જ્યાં અલગ અલગ શહેરો જેવા કે, શિકાગો, કેલિફોર્નિયા, ઍટલાન્ટા, ફ્લોરિડામાં તેમની કવિતા અને ગઝલના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.

આ ગઝલસંગ્રહના પ્રાગટ્ય પ્રસંગે સર્જક અનિલ ચાવડાએ ભાવકોને પોતાની રચના સંભળાવીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમના અંતે મહેમાનો અને ભાવકોનો આભાર વ્યક્ત કરતા સમયે તેઓ પોતાનું બાળપણ યાદ કરીને, પોતાને ભણાવવા બદલ માતાનો આભાર માનતી વખતે ભાવુક થઈ ગયા હતા. સામે બેઠેલાં તેમના માતાની આંખોમાં પણ અનેક ભાવનાઓ ડોકિયું કરી ગઈ હતી. અહીં તેમની જ એક પંક્તિ રજૂ કરું છું.

- Advertisement -

“જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.
ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.”


તેમનો કવિતા અને સાહિત્ય પ્રત્યેનો પ્રેમ એમની જ એક પંક્તિમાં બહુ જ સરસ રીતે છલકે છે. અનિલભાઈ લખે છે…

“મુત્યુ ય દે પ્રભુ તો કાવ્યોથી તરબતર દે,
આ બાજુ પેન ચાલે, એ બાજુ પ્રાણ ચાલે.”

આ વિમોચન પ્રસંગે ગઝલ, કવિતા, વાર્તા વિશ્વના અનેક નામી લોકો વિવેક દેસાઈ (મેનેજિંગ ટ્રસ્ટી – નવજીવન ટ્રસ્ટ), રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, હર્ષ બ્રહ્મભટ્ટ, તેજસ દવે ઉપરાંત જાણીતા વાર્તાકાર અને ફિલ્મ લેખક રામ મોરી, કોલમિસ્ટ અને લેખક શરદ ઠાકર, કવિતા ભાવિન ગોપાણી તથા ભાવેશ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular