Thursday, July 2, 2026
HomeGeneralઓફ ધ રેકોર્ડ: નિખાલસ નિમાબેન અને સ્પીકરની પદ ગરિમા, ગૃહ વિભાગમાં બ્રાન્ચ...

ઓફ ધ રેકોર્ડ: નિખાલસ નિમાબેન અને સ્પીકરની પદ ગરિમા, ગૃહ વિભાગમાં બ્રાન્ચ ફાળવણી કેમ નથી થતી..? મહેસુલમાં ફાઈલોનો ઢગલો

- Advertisement -

ઓફ ધ રેકોર્ડ (નવજીવન.કચ્છ):
(૧/૫) નિખાલસ નીમાબેન અને સ્પીકર પદની ગરિમા
એક ગુસપુસ પ્રમાણે ભાજપના સિનિયર નેતા અને હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યનો સરળ અને નિખાલસ સ્વભાવ તેમના વિરોધીઓ માટે હથિયાર બની રહ્યો છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર તરીકેનું બહુમાન મેળવનાર ડૉ. નીમાબેન આચાર્ય સામાન્ય વ્યક્તિની જેમ કામ કરી રહ્યા છે અને તેમનું આ કામ ભાજપના જ કચ્છના એક ધારાસભ્યને ગમતું નથી. એટલે સરળ સ્વભાવના બહેન કોઈ પણ કાર્યક્રમમાં (ખાસ કરીને ભાજપ પક્ષના) હાજર રહે તો તરત જ કચ્છના આ ધારાસભ્ય મીડિયાને ફોન કરે છે અને ફોટા સહિત ‘બ્રિફ’ કરે છે. આમ જોવા જઈએ તો વિધાનસભા અધ્યક્ષનું પદ સંવૈધાનીક અને બિન રાજકીય છે. એટલે રાજકીય પક્ષના ફંક્શનમાં સ્પીકર હોય તેવા મહાનુભાવની હાજરી ચર્ચામાં આવે તે સ્વાભાવિક છે. થોડા સમય પહેલા જયારે કચ્છ નર્મદાને મામલે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી હતી ત્યારે ડૉ. નીમાબેન આચાર્ય કચ્છ જિલ્લા ભાજપના નેતાઓ સાથે ગાંધીનગર ખાતે કમલમ્ ગયા હતા અને પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત આર. પાટીલનો આભાર માન્યો હતો. ત્યારે પણ કચ્છનાં ‘કલરફુલ’ એવા ધારાસભ્યએ મીડિયાને સામેથી ફોન કરીને માહિતી આપી હતી. પદની ગરિમાને બાદ કરતા નીમાબેન રાજકારણમા સામે પ્રવાહે ચાલનારા સરળ સ્વભાવના અગ્રણી મહિલા નેતા છે. જનતાદળ હોય કે કોંગ્રેસ, કે પછી ભાજપ. બહેને હંમેશા ઉચ્ચતમ આદર્શ સાથે રાજકીય કારકિર્દી બનાવી છે. કદાચ એટલે જ તેમની સરળતા કચ્છ ભાજપના ધારાસભ્ય પચાવી શકતા નથી.




(૨/૫) મંત્રી અધિકારીઓ જેવું કામ કરે છે એટલે મહેસૂલમાં ફાઈલોનો ઢગલો થયો છે..?
નાયક ફિલમના હીરો અનિલ કપૂરની જેમ ગુજરાત સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ એક્શનપેક કાર્યવાહી માટે જાણીતા છે. અને તેમની ઓચિંતી રેડ મીડિયામાં ખાસ્સી એવી ચમકે પણ છે. ઓચિંતા સરકારી કચેરીઓમાં ધસી જઈને ગરબડ ચાલતી હોય તેવી જગ્યાએ કાર્યવાહી પણ કરે છે. મિનિસ્ટર લેવલના વ્યક્તિ આ રીતે જાતે લોકો વચ્ચે જઈને કામગીરી કરે તે ખરેખર કાબીલેદાદ છે. પરંતુ તેમની આ સક્રિયતા તેમના હરીફોને ગમતી નથી અને એટલે જ વિરોધીઓ મહેસુલ મંત્રી ત્રિવેદી સામે ખાનગીમાં એવો દુષ્પ્રચાર કરે છે કે, વિભાગમાં બે હજારથી પણ વધુ ફાઇલનો ઢગલો છે. મંત્રી તરીકે તેમનું મૂળ કામ કરવાને બદલે અધિકારી કરે તેવું શું કામ કરતા હશે ? મંત્રી ત્રિવેદી દ્વારા ભ્રષ્ટાચાર કરતા હોય તેમનો વિડિઓ બનાવી મોકલવાની જાહેરાતને પણ તેમના વિરોધીઓ પબ્લિસિટી સ્ટંટમાં ખપાવીને એવું મહેણું મારે છે કે, જો લોકોએ જ વીડિયો ઉતારીને મોકલવાના હોય તો રાજ્યનું લાંચ રૂશ્વત વિરોધી દળ (ACB) શું કામ કરશે ?

- Advertisement -


(૩/૫) IPSની ટ્રાન્સફર છોડો, ગૃહ વિભાગ તેના ઉપ-સચિવોને કામગીરી સોંપી નથી શક્યું
આઇપીએસ અધિકારીઓની બદલીને લઈને લાંબા સમયથી અટકળો કરવામાં આવી રહી છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે ખુદ ગૃહ વિભાગ તેના બે ઉપ સચિવને એક મહિનાથી પણ વધુ સમયથી ટેબલ ફાળવી શક્યું નથી. ગૃહ વિભાગમાં ઉપ સચિવની કુલ નવ જગ્યા છે. જેમાં બે ઉપર નિવૃત અધિકારીથી કામ ચાલતું હતું. દરમિયાન ફેબ્રુઆરીમાં સરકારે રોનક મોદી અને મયુરસિંહ વાઘેલા નામના અધિકારીને પ્રમોશન આપીને ઉપ સચિવ તરીકે ગૃહ વિભાગમાં મુક્યા હતા પરંતુ આજ દિવસ સુધી તેમને ટેબલ, એટલે કે કામની ફાળવણી કરવામાં આવી નથી અને તે ફાઇલ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની ચેમ્બરમાં મંજૂરી માટે પડી છે. સામાન્ય રીતે ઉપ સચિવને કાર્ય ફાળવણીનો નિર્ણય જે તે વિભાગ કે મિનિસ્ટ્રીના સચિવ કરતા હોય છે. એક માત્ર ગૃહ વિભાગ એવું છે જ્યાં ઉપ સચિવને ટેબલ ફાળવણીની ફાઇલ પણ મંત્રી સુધી જાય છે. સુત્રોનું માનીએ તો ગૃહ વિભાગમાં લાંબા સમયથી ચીપકી બેઠેલા સ્થાપિત હિત ધરાવતા અધિકારીઓ તેમનો ગરાસ લૂંટાઈ ન જાય તે માટે મામલો કોમ્પ્લીકેટેડ કરી બેઠા છે અને એટલે જ આ બે ઉપ સચિવ શું કામ કરવું તેની મહિનાથી રાહ જોઈ રહ્યા છે.

- Advertisement -

(૪/૫) સબ ઇન્સ્પેક્ટર IPSના સાત કરોડ હજમ કરી ગયો
બે નંબરની કમાણી માટે જાણીતા એક જિલ્લાના આઇપીએસ અધિકારીના સાત કરોડ રૂપિયા વહીવટદાર એવો સબ ઇન્સ્પેક્ટર હજમ કરી ગયો છે. બે નંબરની કમાણીના રૂપિયા ચોરાય કે કોઈ લઈ જાય ત્યારે સામાન્ય વ્યક્તિ પોલીસમાં ફરિયાદ કરવા જતા મૂંઝાય તે રીતે એસપી કક્ષાના આ આઇપીએસ અધિકારી પણ મૂંઝાઈ ગયા હતા. જે PSI સામે આઇપીએસના કરોડો રૂપિયા હજમ કરવાની વાત આવે છે, તે જિલ્લાની બ્રાન્ચમાં ફરજ બજાવતો હતો અને સમગ્ર જિલ્લામાં બે નંબરની આવકનો વહીવટદાર હતો. દરમિયાન પીએસઆઇની તબિયત બગડી એટલે તે રજામાં ગયો. આ તકનો લાભ ઉઠાવી જિલ્લામાં આવવા માંગતા એક ઇન્સ્પેક્ટરે એસપીના કાનમાં એવી વાત નાખી કે, PSI ‘વહીવટ’નાં સાત કરોડ ખાઈ ગયો છે. એટલે ‘ઓલ રાઉન્ડર’ પરંતુ કાચા કાનના આઇપીએસ ટેન્શનમાં આવી ગયા અને સબ ઇન્સ્પેક્ટરની બદલી બ્રાન્ચમાંથી પોલીસ સ્ટેશનમાં કરી દીધી હતી. દરમિયાન પીએસઆઈ દ્વારા આત્મહત્યાનું ત્રાગુ કરીને એસપી સહિતના પોલીસ અધિકારીઓને બ્લેકમેલ કરવામાં આવતા છેવટે સાતમાંથી ત્રણ કરોડમાં જ મામલો પતાવીને આઇપીએસ ચૂપ થઈ ગયા હતા.



(૫/૫) કચ્છ કુરિયનથી ભીષ્મ પિતામહ તરીકેનું પ્રમોશન
કચ્છની સરહદ ડેરીના બોનસ અંગે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતોને પગલે લોકો, “સફેદ દુધમે કુછ કાલા હૈ” એવી ચર્ચા કરી રહ્યા છે. તેવામાં પોતાની જાતે જ કચ્છનાં કુરિયન તરીકે જાહેર કરી ચૂકેલા કચ્છ ભાજપનાં મહામંત્રી વલમજી હૂંબલ હવે ભીષ્મ પિતામહ તરીકે પોતાને પ્રોજેકટ કરી રહ્યા છે. બાય ધ વે, માત્ર દૂધમાં જ નહીં પરંતુ કચ્છનાં આ કુરિયનનું, સોરી ભીષ્મ પિતામહનું નામ જયંતિ ભાનુશાળી મર્ડર કેસની મહિલા આરોપી સાથે પણ ચર્ચામાં આવેલું છે. સુત્રોનું માનીએ તો, મનીષા ગોસ્વામી નામની મહિલા તેમની પાછળ પડી ગઈ હતી. હા, આ એજ મનીષા છે, જે પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી મર્ડર કેસમાં હાલ જેલમાં છે. એવું કહેવાય છે કે, અમદાવાદનાં સર્કિટ હાઉસમાં મનીષાએ કચ્છનાં આ કહેવાતા કુરિયનને મળવા માટે ટ્રાય કર્યા હતા. પછી શું થયું એ વલમજી જાણે અને મનીષા. અને હા, અંજારના ચાલુ ધારાસભ્ય વાસણ આહીરની ટિકિટ કપાઈ રહી છે તેવી અફવા વચ્ચે હવે અંજારમાં વલમજીને ટિકિટ મળશે તેવી ચર્ચા થઈ રહી છે. કચ્છમાં ભાજપને સૌથી વધુ નાણાંકીય ભંડોળ પણ કચ્છનાં કુરિયન જ આપી રહ્યા છે.

- Advertisement -

ઇનપુટ : જયેશ શાહ





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular