નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ થોડા મહિના અગાઉ રાજ્યમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ ગ્રેડ પે મુદ્દે રાજ્ય સરકાર સામે આંદોલન કરી ઠેર ઠેર ધરણાં અને રેલી યોજી હતી. આંદોલન પર બેસેલા પોલીસકર્મીઓને તેમના પરિવારનો પણ સહયોગ મળતા તેઓ પણ ધરણાં અને રેલી યોજી ન્યાયની માંગ કરી હતી. પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના આંદોલનથી રાજ્ય સરકાર સમસમી ઉઠી હતી. જો કે પોલીસકર્મીઓના આંદોલન સામે રાજ્ય સરકાર ઝૂકી હતી અને કમિટીની નિમણૂંક કરી હતી. જો કે રાજ્ય સરકાર શિસ્તબદ્ધના નામે રાજ્યમાં પે ગ્રેડમાં આંદોલનની બાગડોર સંભાળનાર પોલીસકર્મીઓ સામે શિસ્તભંગનો કોરડો ઉગામી ૨૨૯ પોલીસકર્મીઓની રાજ્યમાં બદલી કરી દેવામાં આવતા અનેક પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતા જયદીપસિંહ દલપતસિંહ વાઘેલાની પત્નીએ પોલીસકર્મીઓના સમર્થનમાં ધરણાં પર બેસવા અરજી કરતા તેની કિન્નાખોરી રાખી પોલીસકર્મીની અરવલ્લી જિલ્લાના ઇસરી ખાતે બદલી કરી દેતા પોલીસકર્મી અને પરિવારજનો ભારે મુશ્કેલીમાં મૂકતા આખરે પોલીસકર્મીએ તેની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવે તેવી માંગ સાથે અરવલ્લી જિલ્લા પોલીસવડાને અરજી આપી ન્યાયની માંગ કરી હતી.
અરવલ્લી જિલ્લા પોલીસવડા કચેરી ખાતે ગાંધીનગરથી ઇસરી બદલી કરાયેલા પોલીસકર્મી જયદીપસિંહ દલપત સિંહ વાઘેલા રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જીલ્લા પોલીસવડાને તેમને થયેલા અન્યાય અંગે રજૂઆત કરી હતી પોલીસકર્મીએ મીડિયા સામે ભારે દુઃખ સાથે જણાવ્યું હતું કે, તેમની ગ્રેડ પે અંગે આંદોલનના પગલે બદલી કરવામાં આવી છે જેથી હું અને મારો પરિવાર ભારે મુશ્કેલીમાં મૂકયો છે. ગઈકાલથી જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવા આવ્યો છું ન્યાય મળશે તેવી આશાએ અરવલ્લી જિલ્લા પોલીસવડા પાસે આવ્યો છું અને ન્યાય મળશે તેવી આશા રાખી રહ્યો છું. વધુમાં તેમને જણાવ્યું હતું કે, ગઈકાલથી અન્નનો ત્યાગ કર્યો છે. મોબાઈલ અને પરિવારનો પણ ત્યાગ કર્યો છે અને આગામી સમયમાં પગરખાં પણ ત્યાગ કરીશ અને ન્યાય માટે જે કરવું પડે તે કરવા તૈયાર હોવાનો હુંકાર કર્યો હતો.
![]() |
![]() |
![]() |











