પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દસ વર્ષ પહેલા એક નવા આઈપીએસ અધિકારીનું પોસ્ટીંગ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં થયુ, એક તો પોતે આઈપીએસ અધિકારી છે, અને બીજુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવુ પ્રાઈમ એજન્સીમાં તેમનું પોસ્ટીંગ હોવાને કારણે દર સપ્તાહે તેઓ કયાંકને કયાંક દરોડા પાડવા જાતે પહોંચી જતાં અને સમાચારમાં તેમને સ્થાન મળતુ હતું. પ્રસિધ્ધીનો નશો દારૂના નશા કરતા ખતરનાક છે, માત્ર જેમના અંગે લખાય છે તેવા લોકોને આ નશો થાય છે તેવુ નથી, ખુદ પત્રકાર પણ પરોક્ષ રીતે આ નશાનો ભોગ બને છે. એક દિવસ તેમણે મને મિત્રતામાં પુછયુ કે હું જે કામ કરુ છુ તે બરાબર છે, મે થોડો વિચાર કરી કહ્યુ તમે દારૂ-જુગારના અડ્ડાઓ સહિત દેહ વ્યાપાર થાય છે તેવા સ્થળે દરોડા પડાવા પહોંચી જાવ છો તેમાં વાંધો નથી આ પણ ગુનાનો એક પ્રકાર છે, પરંતુ ગુનાઓની યાદી બનાવીએ તો સૌથી નાના ગુનાઓની શ્રેણી બનાવવવામાં આવે તેમાં સોથી છેલ્લાં ક્રેમ ઉપર આવે આ ગુનાઓ આવે છે. આપ તો આઈપીએસ અધિકારી છો, તમારા તાબાના વિસ્તારમાં આવી પ્રવૃત્તી ચાલવી જોઈએ નહીં તેમાં બે મત નથી, પણ આ પ્રકારના ગુનાને ગંભીર અપરાધ ગણી લેવાની ભુલ કરવી જોઈએ નહીં.
દારૂ જુગાર અને દેહ વ્યાપારનો ગુનો છે તે બંધ કરવાનો આદેશ આપો તો હેડકોન્સટેબલ એકલો જઈ બંધ કરાવી શકે છે, તેમાં આઈપીએસ અધિકારીએ સ્થળ ઉપર જવાની જરૂર નથી. આ આઈપીએસ અધિકારી સારા પોલીસ અધિકારી હોવાની સાથે સારા માણસ પણ છે જેના કારણે તેઓ મારી વાત ક્ષણમાં સમજી ગયા. સારૂ કામ કરવુ સારી બાબત છે, પરંતુ સારાપણુ આપણા માનસ ઉપર એટલી હદે હાવી થવું જોઈએ નહીં કે આપણા સિવાય તમામ માણસો ખોટા અને ખરાબ છે તેવુ આપણે માનવા લાગીએ છીએ ત્યારે અનર્થ થવાનો ભય હોય છે. દારૂ જુગારનો ધંધો કરતા 90 ટકા લોકો એવા છે કે જેઓ આ ધંધો કરીને માંડ માંડ પોતાનું ઘર ચલાવે છે, જો કે તેમને બોનસમાં પોલીસ કેસ અને બદનામી મળે છે તેનું ભારણ તેમને વર્ષો સુધી રહે છે. અહિયાં જેઓ દારૂ જુગારનો ધંધો કરે છે તેમને માન્યતા આપવાનો અથવા ન્યાયી ઠેરવાની વાત પણ નથી. વર્ષો પહેલા હું પણ આ ધંધામાં રહેલા લોકોને ધીક્કારતો હતો, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો ત્યાર બાદ તેમના જીવનની દારૂણતાનો મને અંદાજ આવી આવતો ગયો. કુંડાળા બહાર ઉભા કરી કોઈની ટીકા કરવી સહેલી છે પણ તે કુંડાળામાં તમે ઉભા રહો ત્યારે નીરઉત્તર બની જાવ છો.
દારૂ અને જુગારના ધંધામાં રહેલા લોકો અને પરિવારની સામાજીક અને માનસીક પીડા છે તેના કરતા દેહ વ્યાપાર કરતી મહિલાની પીડા વધારે આધાતજનક છે. કોઈ આપણને સામાન્ય ગાળ બોલે તો પણ હાડે વાગે છે અને વર્ષો સુધી આપણે તે અપમાન ભુલતા નથી, પરંતુ દેહ વ્યાપારમાં આવતી એક પણ મહિલા પહેલા સ્વૈચ્છાએ આવતી નથી. જયારે સ્ત્રી પોતાની સમસ્યાનો કોઈ ઉત્તર મળતો નથી, ત્યારે આખરી હથિયાર તરીકે તે પોતાાના શરિરનો સોદો કરવાનો નિર્ણય કરે છે. હમણાં ભારતના થીયેટરમાં ગંગુબાઈ કાઠીયાવાડી ફિલ્મ ચાલી રહી છે. જેમાં કામ કરનાર આલીયા ભટ્ટ અને સંજય લીલા ભણસાણી પ્રોડેકશન હાઉસ કરોડોની કમાણી કરશે, પરંતુ આપણી આપપાસ રહેતી આવી અસંખ્ય ગંગુબાઈની સ્થિતિમાં ફિલ્મી ગંગુબાઈ કરતા વધારે ખરાબ છે. ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠામાં વાડીયા નામનું આખુ ગામ છે, જે આખુ આવી ગંગુબાઈઓથી ભરેલુ છે. મારી મિત્ર મીત્તલ પટેલ છેલ્લાં દોઢ દાયકા કરતા વધુ આ મહિલાઓ આ કામ છોડી માનભેર જીંદગી કેવી રીતે જીવે તેના પ્રયત્નમાં છે.
સવાલ આ મહિલાના કામનો નથી સવાલ પુરૂષ પ્રધાન માનસીકતાનો છે. આપણી નીસ્બત કોઈનો કામ ધંધા સાથે હોવી જોઈએ નહીં, આપણી નીસ્બત માણસ તરીકેની માણસ માટે હોવી જોઈએ. આપણા સમાજમાં રહેતી ગંગુબાઈનનો સંગાથ એકલામાં મોટા ભાગના પુરૂષોને ગમે છે અને કદાચ તેના માટે તરસે છે, પણ જાહેરમાં આવી ગંગુબાઈને ધીક્કારે છે. મારા મિત્ર પ્રોફેસર ગૌરાંગ જાનીએ વર્ષો સુધી રસ્તા ઉપર ઉભી રહી ધંધો કરતી સ્ત્રીઓના પ્રશ્ન માટે કામ કર્યુ, જે પોલીસવાળા દિવસે તેમના ત્યાં દરોડો પાડવા આવતા તેઓ રાત્રે તેમના ગ્રાહક બનીને આવતા હતા. વાત અહિયાં પોલીસની નથી વાત અહિયા પુરૂષ તરીકે આપણે આખી ઘટનાને કેવી રીતે જોઈએ છીએ તેની છે. પુરૂષની માનસીકતા જ ગુંગુબાઈને જન્મ આપે છે તેમાંથી મુંબઈના કમાઠીપુરા અને ગુજરાતના સુરતનું વરીયાળી બજાર અને વાડીયા વસે છે. આપણે કોણ શું કામ કરે છે તેની ચર્ચા કરતા માણસના ભીતરમાં ચાલતી ગરબડને સમજવાનો પ્રયત્ન કરીશું તો કદાચ આ પ્રશ્નને સારી રીતે સમજી શકીશું.
થોડા વર્ષો પહેલા મારા ધ્યાનમાં આવ્યુ કે દેહ વ્યાપાર કરતી મહિલાઓ પાસે પુરુષો માત્ર શરીર સુખ માટે આવતા નથી, અનેક દેહ વ્યાપાર કરતી મહિલાઓ સાથે વાત કર્યા પછી જાણકારી મળી કે અનેક યુવાનો અને આધેડો પૈસા આપી સ્ત્રી પાસે આવે છે તો ખરા પણ તેઓ માત્ર આર્ધો કલાક-કલાક સ્ત્રીના સંગાથ માટે આવે છે. પૈસા ચુકવી માત્રો વાતો કરી તેઓ નિકળી જાય છે. આ અંગે મેં જયારે લખ્યુ ત્યારે ગુજરાતના એક મોટા દિગ્ગજ ફિલ્મ સ્ટાર જેઓ હવે રહ્યા નથી તેમણે મને ફોન કરી કહ્યુ આ તો તમે મારી કથા લખી છે હું પણ આવી સ્ત્રી પાસે બસ થોડાક સમયના સંગાથ માટે જાઉ છુ. પણ કોઠાની ઉપર સંગાથ માટે જતો પુરૂષ કયારેય આ સ્ત્રીનો જીવનભરનો સંગાથ થવા તૈયાર નથી કારણ તેની અંદર તેનો હાથ પકડવાની હિમંત નથી. આ સ્ત્રી પણ પોતાના અને પોતાના પેટના જણ્યા માટે દેહ વેંચે છે કારણ તેને પણ પુરૂષની દયા ઉપર ઉપર જીવવુ નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












