નવજીવન ન્યૂઝ.અમદાવાદ : કેટલાંક પત્રકારો એવા હોય છે જે ન્યૂઝ રૂમમાં સૌથી વધુ ચર્ચાતા “ન્યૂઝ” હોય છે. જેમની હાજરીથી ન્યૂઝ રૂમ ઈન્ટરેસ્ટીંગ બને છે, મારા પત્રકારત્વ દરમિયાન એવા કેટલાંક લોકોને જોયા જે ન્યૂઝ મેકર્સ ઓફ ન્યૂઝ રૂમ હતા. આ લોકો માત્ર એક લેખમાં સમાઈ જાય એવા લોકો નથી, એટલે આ સિરીઝ એમના વ્યકિતત્વનો આયનો નથી પણ ન્યૂઝ રૂમમાં પડતા તેમના પ્રતિબિંબને ઝીલવાનો પ્રયાસ છે.
એ એના સિગ્નેચર શોર્ટ શર્ટ, રેંગલર જીન્સ, કીનના ટ્રેક બૂટ કે પોલિશ્ડ વેલિંગ્ટન બૂટમાં ઓફિસમાં દાખલ થાય, હાથમાં લગભગ ૫૦૦ ગ્રામ વજનના બે ચાંદીના કડાં હોય, ખભે ભરાવેલું બેક પેક સાઈડમાં મૂકે, પછી પેન્ટના પાછળના ભાગે , શાર્પ શૂટર્સની સ્ટાઈલમાં ખોસેલી રીવોલ્વર ટેબલ પર મૂકે….”એડીટર” સ્તવન દેસાઈના કામની શરૂઆત પેનથી નહીં, બંદૂકથી થાય અને ભાગ્યે જ કોઈ એવો દિવસ જતો હોય જયાં એના “ફાયરીંગ”થી કોઈ વિંધાતું ન હોય! સ્તવન એકાદ વાર પેન ભૂલીને ઓફીસ આવે પણ રીવોલ્વર ભુલીને ના આવે!
સ્તવન એક સાદી ફિલોસોફીથી કામ કરે “ My way or highway”! કયાં તો મારી સાથે સંમત થાવ અથવા ચાલતી પકડો! ઝાઝી લપ્પન છપ્પન સાંભળવાની એનામાં ધીરજ નહીં. એક સબ એડિટર વડોદરામાં ઈન્ટર્વ્યૂ આપવા ગયો, એણે થોડું વધુ જ્ઞાન આપવાનો પ્રયત્ન કર્યો, સ્તવને બે મિનિટમાં એને રવાના કરી દીધો પછી કહે એ તો ગૃપ એડીટરની જગ્યા માટે આવેલો , હું એનો ઈન્ટરવ્યૂ કઈ રીતે લઈ શકું!!!
છાપું કઈ રીતે ચલાવવું, એડીટરે કેટલું કામ કરવું, કયારે કામ કરવું એ માટે એ પોતાના અલગ નિયમો ઘડી કાઢે એ નિયમો મેનેજમેન્ટના નિયમો સાથે સુસંગત હોય પણ ખરા અને ના પણ હોય, હોય તો ઠીક પણ ના હોય તો સ્તવન કોઈને ખુલાસા કરવા જાય નહીં. ઓફિસના લોકોએ એના નિયમો પળવા પડે! એના અને કૃણાલ પેઠેના (એક તરફી) વાર્તાલાપ જો વીડીયો રેકર્ડ થયા હોત તો “ યસ સર, નો સર” નામની લાંબી છતાં રસપ્રદ ધારાવાહિક બની હોત! સ્તવનનું ફાયરીંગ ઝીલી ઝીલીને જ કૃણાલ આટલો મજબૂત બન્યો છે એવું વડોદરા ઓફિસમાં (સ્તવનની ગેરહાજરીમાં) જાહેરમાં કહેવાતું!
સ્તવનના બરછટ સ્વભાવ પાછળ એની અભ્યાસુ વૃત્તિ ઢંકાઈ જતી, રીપોર્ટર હતો ત્યારે લગભગ દરેક સ્ટોરીના ઉંડાણમાં ઉતરતો, એડીટર બન્યો ત્યારે પણ એનો સ્વભાવ જળવાઈ રહેલો, પણ ખાસ તો એના વ્યકિતત્વના દરેક પાસાંમાં એ વૃતિ ઝળકી આવતી, એ જે કરે એની પાછળ કારણ હોય, ઉંડો અભ્યાસ હોય! “ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ” ( ધેટ ઈઝ આ તમારી RS કે RC ટાઈપની બ્રાન્ડ!) થી કેમ દૂર રહેવું કે “1.6” એન્જીન વાળી પોલો કેમ લેવી કે પછી હેવી કેમ શાફટ વાળી બુલેટ કેમ લેવી એ વિશે એનો અભ્યાસ ઉંડો હોય!
કયારેક મનમાં આવે કે આ સ્ટોરી ઇમ્પોર્ટન્ટ છે તો પેજ રીલિઝ કરીને રાતે જ ટીમને પોતાની કારમાં લઈ સ્ટોરી કરવા નીકળી પડે, એમાં પછી સવારની રાહ પણ જૂએ નહીં!
ટાઈમ્સના એડીટર દિલીપ પાડગાંવકરે એક વાર કહેલું કે હું દેશના PM બાદ બીજો સૌથી મહત્વનો હોદ્દો સંભાળું છું! સ્તવન લગભગ આ જ લાઈન પર માનતો કે એડીટરનો હોદ્દો વડોદરામાં કોઈથી નીચે નથી આ માટે જે કરવું પડે એ પોતે કરતો અને રીપોર્ટરો પાસે પણ કરાવતો!
સ્તવન કયારેય મધ્યમમાર્ગી નહોતો, એ કયાં તો તમને માન આપતો હોય અથવા સાવ અવગણના કરતો હોય, વચ્ચેનું કશું નહી! તમે એના વિશે શું માનો છો કે લોકો શું કહેશે જેવી ક્ષુલ્લક વાતો વિશે વિચારવા કરતાં કિન્ડલ પર કોઈ બુક વાંચવી એ વધુ સારું છે એવું એ માનતો! એની ફિલોસોફી મુજબ એડીટર સશકત હોય એ પુરતું નહોતું એ સશસ્ત્ર પણ હોવો જોઈએ! એક વાર મછલિયા ઘાટીમાંથી માંથી પસાર થતાં હતા ત્યારે એક મોટર સાઈકલવાળો પીછો કરે છે એવી એને શંકા પડેલી એટલે “ હું એને મારી આવું” એવી ડિસ્કાઉન્ટ ઓફર અમને આપેલી, જેને અમે સ્વીકીરી શકયા નહોતા! પાંચેક મિનિટની વાટાઘાટો પછી એ પાછો ઈનોવામાં બેસી ઉંઘી જવા માન્યો હતો, પણ ઓફિસમાં આટલી જલ્દી માનતો નહી, એક વાર એક મિટીંગની શરૂઆત એણે કંઈક આવી રીતે કરેલી…. મને આજે એક સપનું આવેલું, સપનામાં મેં ( સામે ઉભેલા રીપોર્ટરનું નામ લઈ) આને બહુ મારેલો! એ રીપોર્ટર આ “ એડીટર્સ ડ્રીમ”થી સ્તબ્ધ બની ગયેલો!
ન્યૂઝરૂમ જરા કાતિલ જગ્યા હોય છે બે ચાર જણે પછી એ રીપોર્ટર સાંભળી શકે એવા અવાજે ગુસપુસ શરૂ કરેલી કે “ કહે છે કે વહેલી સવારના સપનાં સાચા પડે છે…!!”
કોઈ એની નીતિરીતિ સાથે સંમત થાય કે નહીં મધ્યમમાર્ગીય ઢીલાં પોચાં એડીટરો વચ્ચે એ જુદો તરી આવતો હતો, યુનિક હતો!
(પ્રણવ ગોળવેલકરની ફેસબુક વોલ ઉપરથી આભારસહ)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












