બિનીત મોદી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આજે ઉજવાઈ રહેલા ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઑગસ્ટ-1947માં ભારત સ્વતંત્ર થયું ત્યારે કે મે-1960માં ગુજરાત રાજ્યની રચના થઈ એ સમયે હાજરી નહોતી. 1977માં સંયુક્ત રાષ્ટ્રસંઘે આઠમી માર્ચના દિવસને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના રૂપમાં માન્યતા આપી. એક રીતે તેની જાહેર ઉજવણીની શરૂઆત થઈ. ઉજવણી એ પહેલા પણ અન્ય દેશોમાં અલગ અલગ નામે અને કારણોથી થતી હતી. એના કેન્દ્રમાં મહિલાઓએ વિવિધ ક્ષેત્રે આપેલું યોગદાન અને એ સંબંધે તેમની નોંધ.
માત્ર ગુજરાતને, તેના રાજકારણ અને જાહેરજીવનને લક્ષમાં રાખીને મહિલાઓની હાજરી જોઇએ તો એટલું કહેવું પડશે કે તે ઉજવણીના નામની લંબાઈ જેટલી પણ તેની પહોંચ નથી – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. રવિશંકર મહારાજના આશીર્વચન સાથે સ્થાપના થયેલા ગુજરાત રાજ્યનું આ બાસઠમું વર્ષ છે. સ્થાપના સમયે અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું અને વિધાનસભા અસારવા સ્થિત જૂની સિવિલ હોસ્પિટલમાં મળતી હતી. ગાંધીનગર અને આજની વિધાનસભા – વિઠ્ઠલભાઈ પટેલ ભવન એ પછી બન્યા. આ સંદર્ભે જોઇએ તો ગુજરાતના રાજકારણમાં મહિલાઓ હજી અમદાવાદથી નીકળી ગાંધીનગરના રસ્તે સાબરમતી સુધી જ પહોંચી છે. ગાંધીનગર આંબવાનું હજી બાકી છે.
કેમ? એવો સવાલ થાય જેના જવાબમાં થોડી વિગતો જોઇએ. 60 વર્ષના ગુજરાતની રાજકીય આલમમાં મહિલાઓની હાજરી કેવીક રહી છે તેની આંકડાકીય વિગતો તો છે જ. સરખામણી માટે પુરુષ વર્ગની આંકડાકીય વિગતો સાથે એટલા માટે આપી છે જેથી અંદાજ લગાવી શકાય કે કેટલું અંતર કાપવાનું બાકી છે. એ અંતર કાપવા માટે તેત્રીસ ટકા મહિલા અનામતની સંસદીય જોગવાઈની મદદ મળશે કે કેમ એ બાબત હજી અનિશ્ચિત છે.
60 વર્ષમાં, 1960થી 2020 સુધી ગુજરાતે રાજ્યસભામાં 94 ઉમેદવારોને ચૂંટીને મોકલ્યા. મહિલાઓની સંખ્યા છે – 12 અને પુરૂષો 82, ટકાવારીમાં જોઇએ તો તેરથી નજીક. રાજ્યસભાના સભ્યપદે ચૂંટાયેલા આ મહિલાઓના નામ જાણવા જરૂરી છે – કુમારી મણિબહેન પટેલ (સરદાર પટેલના પુત્રી, ચાર મુદત માટે લોકસભાના સભ્ય પણ રહ્યા), શ્રીમતી પુષ્પાબહેન મહેતા (સૌરાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાતના ધારાસભ્ય પણ થયા), શ્રીમતી સુમિત્રા કુલકર્ણી (ગાંધીજીના પૌત્રી, પિતા – રામદાસ ગાંધી), કુમારી કુમુદબહેન જોશી (આંધ્ર પ્રદેશનું રાજ્યપાલ પદ સંભાળવા 1985માં રાજીનામું આપ્યું), શ્રીમતી ઇલાબહેન ભટ્ટ (રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત સભ્ય, ગુજરાતના એકમાત્ર મહિલા, ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિપદે 2015થી કાર્યરત), શ્રીમતી ડૉ. ઉર્મિલાબહેન પટેલ (પ્રાધ્યાપક, કેન્દ્રિય રાજ્યમંત્રી પદ, મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના જીવનસાથી, બે લોકસભા ચૂંટણીઓમાં પરાજિત), શ્રીમતી આનંદીબહેન પટેલ (શિક્ષિકા-આચાર્યા, ધારાસભ્ય પદે ચૂંટાઈ આવતા 1998માં રાજીનામું, 2014માં મુખ્યમંત્રી થયા, 2018માં મધ્ય પ્રદેશના રાજ્યપાલ, 2019થી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ), શ્રીમતી સવિતા શારદા (હોદ્દા પર રહેતા કે એ પછી કોઈપણ પ્રકારની જાહેર ઓળખ નહીં પામેલા મહિલા સભ્ય), કુમારી ડૉ. અલકાબહેન ક્ષત્રિય (પ્રાધ્યાપક), શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઇરાની (ટીવી અભિનેત્રી, 2019થી અમેઠી લોકસભા બેઠકના સભ્ય, કેન્દ્રિય મંત્રી), ડૉ. અમીબહેન યાજ્ઞિક (વકીલ અને મહિલા અધિકારોના વક્તા) અને રમીલાબહેન બારા ઉર્ફે શ્રીમતી રમીલાબહેન વિનોદભાઈ પરમાર (શિક્ષિકા, ગુજરાત સરકારના નિવૃત્ત અધિકારી, ગુજરાતના ધારાસભ્ય, રાજ્યસભાના સભ્યપદ માટે અનામતની જોગવાઈ નથી પરંતુ ગુજરાતમાંથી પ્રથમ આદિવાસી મહિલા એવા રાજ્યસભાના સભ્ય).
સિત્તેર વર્ષમાં, 1952થી 2019 સુધી ગુજરાતે સત્તર લોકસભા ચૂંટણીઓ દ્વારા વખતોવખત 426 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા કરી. સત્તર લોકસભામાં 225 ઉમેદવારોને ચૂંટીને મોકલ્યા. એકથી વધુ મુદત માટે ચૂંટાયેલા સંસદસભ્યોને એક વાર જ ગણતરીમાં લીધા છે. પેટાચૂંટણીઓની ગણતરી આ ક્રમમાં સામેલ નથી. આ સાથે સિત્તેર વર્ષમાં લોકસભામાં મહિલાઓની સંખ્યા થઈ – 20 અને પુરૂષો 205, ટકાવારીમાં જોઇએ તો માત્ર નવ ટકા. ડબલ ડિજિટમાં પહોંચવાનું પણ બાકી રહી ગયું છે.
આટલી વિગતો પછી આવે છે ગુજરાત વિધાનસભાનો વારો. એમાં પણ ખાસ કંઈ હરખાવા જેવું નથી. રાજ્યસભા અને લોકસભામાં જોઈ ગયા એવી જ સ્થિતિ છે. 60 વર્ષમાં, 1960થી 2017 સુધી ગુજરાતે ચૌદ વિધાનસભા ચૂંટણીઓ દ્વારા વખતોવખત 2,442 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા કરી. ચૌદ વિધાનસભામાં 1,431 ઉમેદવારોને ચૂંટીને મોકલ્યા. એકથી વધુ મુદત માટે અથવા અલગઅલગ બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્યોને એક વાર જ ગણતરીમાં લીધા છે. પેટાચૂંટણીઓની ગણતરી આ ક્રમમાં સામેલ નથી. આ સાથે 60 વર્ષમાં ગુજરાત વિધાનસભામાં મહિલાઓની સંખ્યા થાય છે – 103 અને પુરૂષો 1,328. ટકાવારીમાં જોઇએ તો માત્ર સવા સાત ટકા. ડબલ ડિજિટમાં પહોંચવાનું અહીં પણ બાકી રહી જાય છે. ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભાની રચના મુંબઈ રાજ્યની બીજી વિધાનસભામાંથી થઈ હતી. એટલે ગુજરાત રાજ્યમાં 2017 સુધી તેર વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે એટલી જરૂરી સ્પષ્ટતા આ વિગતના અનુસંધાને.
અહીં ઉપર જે વાત કરી છે તે માત્ર વિજેતા મહિલા ઉમેદવારોના સંદર્ભમાં જ છે. બીજી તરફ વિજેતા હોય કે પરાજિત, મહિલા ઉમેદવારીની બાબતમાં પણ બહુ કંગાળ પરિસ્થિતિ રહેવા પામી છે. આપણી વાત માત્ર ગુજરાત પુરતી જ મર્યાદિત છે. એક ઉદાહરણ જાણવા જેવું છે. પહેલી લોકસભામાં અમદાવાદના સંસદસભ્ય અને લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હોદ્દા પર રહેતા 1956માં અવસાન પામ્યા. પેટાચૂંટણીમાં તેમના પત્ની સુશીલાબહેન માવળંકર બિનહરીફ ચૂંટાઈ આવ્યા, 1957 સુધી સંસદસભ્ય રહ્યા. એ પછી બાસઠ વર્ષ સુધી કોઈ રાજકીય પક્ષે અમદાવાદ લોકસભા બેઠક પર મહિલાને ઉમેદવાર નહોતા બનાવ્યા. ઠેઠ સત્તરમી લોકસભા ચૂંટણી મે-2019માં યોજાઈ ત્યારે કૉંગ્રેસ પક્ષે ગીતાબહેન કિરણભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા જેઓ પરાજિત થયા. આ સમયગાળામાં મહિલાને ઉમેદવારીથી દૂર રાખવામાં કૉંગ્રેસ ઉપરાંત સામ્યવાદી પક્ષો, જનતા પાર્ટી, જનસંઘ, જનતા દળ અને ભારતીય જનતા પક્ષનો સમાવેશ કરવો પડે. સાથે એ પણ યાદ રાખવું પડે કે હું અને તમે જેને આધુનિક, પ્રગતિશીલ શહેર ગણીએ છીએ એવા અમદાવાદની આ વાત થઈ રહી છે.
જૂનાગઢના સંસદસભ્ય રહી ચુકેલા શ્રીમતી ભાવનાબહેન ચીખલિયાનો ક્લાસિક દાખલો મહિલા સન્માનની રૂએ જાણવા કરતાં વધારે સમજવા જેવો છે. ભાવનાબહેન ચાર મુદત – તેર વર્ષ માટે ભારતીય જનતા પક્ષના સંસદસભ્ય રહ્યા. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં પ્રવાસન વિભાગના રાજ્યમંત્રી હતા. એ પછી ગુજરાતમાં અને ભાજપમાં ‘મોદી યુગ’ની શરૂઆત થઈ. કોઇક મુદ્દે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાંકુ પડતા મોદીએ તેમને રાજકીય જીવનના ઉત્તરાર્ધમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવાર બનાવ્યા અને એક સમયના કેન્દ્રિય મંત્રીને કાઉન્સીલર બનાવી દીધા. આવો દાખલો સદગત સુષ્મા સ્વરાજનો પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળમાં તેઓ વિદેશ મંત્રી જરૂર હતા પરંતુ મોદી તેમને પરદેશના એકપણ સત્તાવાર પ્રવાસમાં, ડિપ્લોમેટિક ટૉકમાં કે પ્રેસ બ્રીફિંગમાં સાથે નહોતા રાખતા. ભારતીય જનતા પક્ષની રચનામાં તેના પૂર્વાશ્રમ એવા જનસંઘથી સક્રિય રહેલા રાજમાતા વિજ્યારાજે સિંધિયાને ભાજપે સત્તામાં આવ્યા પછી પક્ષમાં કે સરકારમાં કોઈ સન્માનજનક હોદ્દો આપ્યો નહોતો. હા, હવે સરકારી મકાનોને તેમનું નામ અપાય છે ખરું. મહિલા મોરચાના કાર્યકરો અને નેતા થવા માગતા લોકોએ સંતોષ પામી લેવાનો આ એક સારો ઉપાય છે.
ગુજરાતમાં વડોદરા લોકસભા બેઠકે સૌથી વધુ મહિલા સંસદસભ્યો આપ્યા – ત્રણ સંસદસભ્યો. કુમારી દીપિકા રાજેશભાઈ ચીખલિયા ઉર્ફે શ્રીમતી દીપિકા હેમન્તભાઈ ટોપીવાળા, શ્રીમતી જયાબહેન ઠક્કર (ત્રણ મુદત માટે) અને શ્રીમતી રંજનબહેન ભટ્ટ (બે મુદત, 2014થી 2024). આમ કુલ છ મુદત માટે મહિલા સંસદસભ્ય આપ્યા. ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો તેમજ કેટલીક રદ થયેલી બેઠકોમાંથી પોરબંદર, ધંધુકા (હવે રદ થયેલી બેઠક), અમદાવાદ પશ્ચિમ, પાટણ, કપડવંજ (હવે રદ થયેલી બેઠક), ગોધરા, ખેડા, ડભોઈ (હવે રદ થયેલી બેઠક), ભરૂચ, માંડવી (હવે રદ થયેલી બેઠક), બારડોલી, વલસાડ, નવસારીની સાથેસાથે પાટનગર ગાંધીનગર લોકસભા બેઠકો એવી છે જ્યાં હજી મહિલા સંસદસભ્યનું પ્રતિનિધિત્વ આવવાનું બાકી છે.
ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી અઠ્ઠાવીસ વર્ષે દલિત મહિલા ધારાસભ્ય પહેલીવાર મંત્રીમંડળમાં સ્થાન મેળવી શક્યા હતા. સોજિત્રા અનુસૂચિત જાતિ અનામત બેઠકના મહિલા ધારાસભ્ય શ્રીમતી શાંતાબહેન મકવાણા ડિસેમ્બર-1988માં અમરસિંહ ચૌધરીના પંદરમા મંત્રીમંડળમાં જળસંપત્તિ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી થયા. એ રીતે સ્થાપનાના બાસઠમે વર્ષે આદિવાસી મહિલા ધારાસભ્ય પહેલીવાર મંત્રીમંડળમાં સ્થાન મેળવી શક્યા હતા. મોરવા હડફ અનુસૂચિત જનજાતિ અનામત બેઠકના મહિલા ધારાસભ્ય શ્રીમતી નિમિષાબહેન સુથાર સપ્ટેમ્બર-2021માં ભૂપેન્દ્રભાઈ પટેલના બત્રીસમા મંત્રીમંડળમાં આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી થયા.
2014માં આનંદીબહેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી થયા એ વાતનું ગૌરવ બે વર્ષથી વધુ ટક્યું નહીં અને એમ કરવામાં અનામત આંદોલનકારી પુરૂષવર્ગનો ફાળો વિશેષ રહ્યો એ ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનેલા આંદોલનના ચહેરા એવા હાર્દિક ભરતભાઈ પટેલ સહિતના સૌ કોઇએ યાદ રાખવા જેવું છે. 2021માં ગુજરાત રાજ્યની વિધાનસભાને પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબહેન આચાર્ય મળ્યા એ સન્માનજનક ઘટના લેખાતી હોય તો એ પહેલા તેમના પરિવાર-પુત્રના નામે બોલતા આર્થિક ગોબાચારીના વ્યવહારોના સમાચારથી ભરેલા પડેલા કચ્છના સ્થાનિક અખબારોના પાના નવેસરથી તપાસવા પડે. ભારતીય જનતા પક્ષને તેમનાથી વધુ સન્માનજનક મહિલાનું નામ આ પદ માટે અવશ્ય મળી શક્યું હોત એ પણ યાદ અપાવવું જોઇશે. મહિલા દિનની ઉજવણીમાં આ મુદ્દો પણ વિચારવો પડે. સરપંચપદે કે તાલુકા, જિલ્લા પંચાયતના અધ્યક્ષપદે ચૂંટાયેલી મહિલાના સ્થાને 2022માં પણ તેમના જીવનસાથી, જેઠ કે દિયર વહીવટ કરતા હોય – ખુરશીમાં ધરાર બેસી જ જતા હોય અને તે ફરિયાદનો, ટીવી ડિબેટનો વિષય બનતું હોય તો મહિલા સન્માન કે અધિકારની બાબતમાં આપણે ક્યાં ઉભા છીએ તેની નવેસરથી તપાસ કરવી જરૂરી બને.
ગુજરાતને ચીફ સેક્રેટરી તરીકે એકમાત્ર મહિલા મળ્યા વર્ષ 2007માં – શ્રીમતી મંજુલા સુબ્રમણ્યમ. ગુજરાત રાજ્ય બન્યું એ પહેલાંથી જેનું અસ્તિત્વ છે એ 1949માં સ્થપાયેલી રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીને સિત્તેર વર્ષ સુધી વાઇસ ચાન્સેલર કે પ્રો-વાઇસ ચાન્સેલર પદ માટે એક પણ મહિલા મળ્યા નથી એ ગુજરાતના જાહેરજીવનની રૂએ યાદ રાખવા જેવું છે. એટલા માટે પણ યાદ રાખવું જોઇશે કેમ કે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજભાઈ મહેતાના જીવનસાથી ડૉ. હંસાબહેન મહેતા તેમના સમયગાળામાં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. સ્કોલર તો હતા જ હતા. ગુજરાતની ઓળખ એવા સહકારી ક્ષેત્રમાંથી કોઈ મહિલા આગેવાનનું નામ રાજકીય ધોરણે આજ સુધી મળ્યું નથી. વહીવટી ક્ષેત્રે અમ્રિતા પટેલ મળ્યા એ અપવાદ.
ગુજરાતના રાજકીય પક્ષોમાં પ્રદેશ પ્રમુખ જેવા મહત્ત્વના સ્થાન માટે મહિલાના નામનો વિચાર માત્ર થયો હોય એવો એક પણ દાખલો 2021 સુધી મળતો નથી. અપવાદરૂપે અમલ થયાનું એક જ ઉદાહરણ મળે છે – કુમારી કુમુદબહેન જોષીનું. કુમુદબહેન 1974માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખપદે નિમણૂક પામ્યા હતા. જો કે એ સમયના પુરૂષ આગેવાનોએ તેમને આ પદ પર ટકવા ન દીધા અને ગણતરીના છ-આઠ મહિનામાં તેમણે હોદ્દો છોડી દેવો પડ્યો હતો.
ગુજરાતના રાજકીય પક્ષોના મુખપત્રો પ્રકાશિત થાય છે. કૉંગ્રેસનું ‘કૃત સંકલ્પ’ અને ભારતીય જનતા પક્ષનું ‘મનોગત’. આ મુખપત્રોના સંપાદકીય મંડળમાં પણ એકેય મહિલાને સ્થાન નથી. સમ ખાવા પુરતું પણ નહીં. શ્રીમતી સોનિયા ગાંધી કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ છે તો પણ નહીં અને આનંદીબહેન પટેલ રાજ્યના મુખ્યમંત્રી થયા તો પણ નહીં. કેમ જાણે બહેનોને જગ્યા કરી આપે તો ગરાસ લુંટાઈ જવાનો હોય.
આંતરરાષ્ટ્રીય ધોરણે સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રયત્નોથી 1985નું વર્ષ વિશ્વભરમાં મહિલા વર્ષ તરીકે ઉજવાયું હતું. એ વર્ષે રાષ્ટ્રીયકૃત બેન્કોએ માત્ર મહિલા કર્મચારીઓથી જ સંચાલન પામે એવી કેટલીક શાખાઓ ગુજરાતમાં શરૂ કરી હતી. એ પછી બેન્કોની સંખ્યા વધી, ખાનગી બેંકો આવી, બેન્કોમાં મહિલા કર્મચારીઓની સંખ્યા વધી છે, દરેક સ્તરે વધી છે પણ આવી ખાસ મહિલાઓ દ્વારા સંચાલિત બેન્કોની શાખાઓને તાળાં દેવાઈ ચુક્યા છે.
ગુજરાતના રાજકીય પક્ષોમાં મહિલાઓની ઉપસ્થિતિ વધી છે પણ એ રાજ્યસભા, લોકસભા કે વિધાનસભા સુધી નથી પહોંચી. 2022નું આ વર્ષ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું વર્ષ છે. ભારતીય જનતા પક્ષ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજકીય મેળાવડા જેવા કાર્યક્રમોમાં મહિલાઓની હાજરી વર્તાય છે, મહિલા મોરચાના બેનરો દેખાય છે. તેમની નોંધપાત્ર ઉપસ્થિતિ હોય છે પણ ટોળાંમાં, સ્ટેજ પર નહીં. કાર્યક્રમનું આયોજન કરતો પુરુષ વર્ગ એ વાતનો ખાસ ખ્યાલ રાખે છે કે ભુલથી પણ તેમને સ્થાન ન અપાઈ જાય. નથી માનતા? ના માનશો બસ. હા, એટલું તો કરજો કે જે તે રાજકીય પક્ષનું સોશિયલ મીડિયા પેજ જુઓ, જુના ફોટા જોઈ લેશો. સોશિયલ મીડિયામાં સક્રિય રાજકીય પક્ષોના મહિલા મોરચાની બહેનોને પુછવામાં આવે છે કે, આગામી ચૂંટણીમાં તમે ટિકિટ માગશો, ઉમેદવારી કરશો? જવાબ મળે છે કે, “ખબર નહીં, એ તો બધું સાહેબો નક્કી કરશે.”
બહેન, તમે ક્યારે સાહેબ બનશો?
(‘ગુજરાતના રાજકારણના સાત દાયકાના રાજકીય પાત્રો અને કેટલોક ઘટનાક્રમ’ પુસ્તકના લેખન માટે નોંધેલી કેટલીક વિગતો, આધારરૂપ હકીકતો સાથે. –બિનીત મોદી)
M: +91 9824 656 979
E-mail:binitmodi@gmail.com
BLOG:www.binitmodi.blogspot.in
બિનીત મોદી
3 રામવન અપાર્ટમેન્ટ, નિર્માણ હાઈસ્કૂલ પાસે, દિલીપ ધોળકિયા માર્ગ, 67 નેહરૂ પાર્ક,
વસ્ત્રાપુર, અમદાવાદ – 380 015.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












