ઈબ્રાહીમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભારતીય કરન્સી બજારમાં નાટ્યાત્મક ઉછળકુદ થઈ રહી છે. યુક્રેન બોર્ડર પર તણાવ ઓછો થયાની અફવા પાછળ ગુરુવારે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં છેલ્લા ૭ દિવસમાં પહેલી વખત ડોલર સામે રૂપિયો ૭૪.૯૬ જેટલો મજબૂત થઈ, વહી રફતાર બેઢંગી માફક ૭૫.૨૬ સુધી નબળો પડ્યો હતો. પણ વાસ્તવિકતા એ છે કે ભારતમાં આર્થિક ક્ષેત્રે ફુગામાંથી રાહત મેળવવા અને સામાન્ય સ્થિત સ્થાપવામાં થઈ રહેલી ઢીલ જોતાં, આગામી ત્રણેક મહિના સુધી ડોલરના તેજીવાળા બજાર પર હાવી રહેવાના સંયોગો નિર્માણ થયા છે.
આજના સંયોગોમાં કરન્સી ટ્રેડરો યુક્રેન બોર્ડર પરની ઘટનાઓ અને તેની કોમોડિટીના ભાવ પર પડનારી અસર પર ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે. બુધવારે એવા સમાચાર આવ્યા હતા કે રશિયન સૈન્ય કેટલીક બોર્ડર પરથી પોતાના બેરેકમાં પાછું ફરી રહ્યાના રશિયન ડિફેન્સ મિનિસ્ટરે નિવેદન કરતાં, બજારમાં એવો માહોલ પેદા થયો હતો કે રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાનની આશા જીવંત બની છે.
કરન્સી ટ્રેડરો કહે છે કે જ્યાં સુધી યુક્રેન રશિયા વચ્ચે સમાધાન થયાના વાસ્તવિક કરાર ન થાય ત્યાં સુધી ડોલર સામે રૂપિયો ૭૫ ઉપરના ભાવે અથડાતો રહેશે. આખા જગતમાં ફુગાવો કેટલાય વર્ષની ઊંચી સપાટી વટાવી ગયો છે. ત્યારે ભારતીય રિઝર્વ બેન્કની સાવ ઢીલીપોચી નીતિ, રોકાણકારોને ડોલરમાં ખરીદી માટે આકર્ષિત કરતી રહેશે. મુંબઈના એક કરન્સી ટ્રેડરે કહ્યું કે આગામી ત્રણ મહિનામાં રૂપિયો ૭૬-૭૭ જેટલો નબળો પડી શકે છે. આ માટે તેમણે એવું કારણ આપ્યું કે અમેરિકામાં વ્યાજદર વૃધ્ધિ વેગથી થવાની આશંકા જોતાં, ડોલરના તેજીવાળાને આખો લાડવો હાથવગો રહેવાનો.
આટલું અધૂરું હોય તેમ ૨૦૨૨માં ભારતીય બોન્ડને જાગતિક બોન્ડ ઇન્ડેક્સમાં સમાવી લેવાની શક્યા છતાં, લાંબા કે ટૂંકાગાળામાં રૂપિયાને ટેકો આપવાની સંભાવના પણ સંકળાઈ ગઈ છે. સર્વાંગી રીતે જોઈએ તો ભુ-ભૌગોલિક ઘટનાઓ, ક્રૂડ ઓઇલના ભાવ, નીચા વ્યાજદરની નીતિ પાછી ફરવી જેવા મુદ્દાઓ, આગામી થોડા મહિના માટે કરન્સીબજાર પર પોતાનું વાસ્તવિક પ્રતિબિંબ, જુદીજુદી કારન્સીઓ પર ઉપાસાવશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક અહેવાલમાં કહ્યું હતું કે ભારતમાં ડિજિટલ પેમેન્ટ વેગથી વધુ રહ્યું હોવા છતાં, ચલણમાં ફરતી નોટોનું પ્રમાણ ૧૦ ટકા વધીને ૪૧.૫ લાખ કરોડે પહોંચશે. ૧૧ ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં ચલણમાં ફરતી કરન્સી નોટ વર્ષાનું વર્ષ ૮ ટકા વધીને બાવન સપ્તાહની ઊંચાઈએ ૩૯.૫ લાખ કરોડે પહોંચી હતી. ૪ ઓગસ્ટ ૨૦૨૧ના સપ્તાહમાં ચલણી નોટ રૂ. ૨૯.૬ લાખ કરોડ હતી, તેમાં ૩ ટકા અથવા ૧ લાખ કરોડનો વધારો થયો હતો. આ અગાઉ પાંચ નવેમ્બર ૨૦૨૧ના સાપ્તાહાંતે દિવાળીના તહેવારોને પગલે, ચલણમાં ફરતી નોટ વર્ષાનું વર્ષ ૯.૨ ટકા ધરખમ વધી હતી.
ચલણમાં ફરતી અને અનાપસનાપ વધતી કરન્સીએ એક વાત તો નિશ્ચિત કરી દીધી છે કે હવે કરન્સી ડિજિટલાઈઝેશનનો સમય પાકી ગયો છે. ચલણમાં ફરી રહેલી કરન્સી વધવાનું એક કારણ કેટલાક રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ છે. એમિક્રોન કોરોનાનો ભય પણ લોકોને ચલણી નોટ સંગ્રહિત કરવા પ્રેરે છે. ભારતીય નાણાંનીતિમાં ઢીલાશ વૈશ્વિક પરિપેક્ષયમાં પણ લેવી જોઈએ, કોમોડિટીના ઊંચા ભાવે ભારતની વિદેશ વેપારતુલાને અસમતોલ કરી નાખી છે અને આ જ કારણે કરંટ એકાઉન્ટ ડેફિસિત (વેપાર ખાધ) વધુ પહોળી થશે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












