Sunday, June 21, 2026
HomeGeneralકોન્સટેબલ યાકુબઅલીએ DCP ચુડાસમાને ફોન કરી કહ્યુ આ કાર તો મેં ભરૂચ...

કોન્સટેબલ યાકુબઅલીએ DCP ચુડાસમાને ફોન કરી કહ્યુ આ કાર તો મેં ભરૂચ જોઈ હતી: જાણો પછી શુ થયુ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 2008માં આખુ અમદાવાદ ઘણધણી ઉઠયુ હતું. એક પછી એક 70 મિનીટ સુધી ચાલેલા બોમ્બ ધડાકામાં અમદાવાદ કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયુ હતું ઠેર ઠેર લાશો અને લોહીના ખાબોચીયા હતા. આ બોમ્બ ધડાકા પહેલી ઘટના ન્હોતી, ભારતમાં 2002થી બોમ્બ ધડાકાની શરૂઆત થઈ હતી. કલકત્તા, મુંબઈ, વારાણસી અને જયપુરથી લઈ ઠેર ઠેર બોમ્બ ધડાકાનો સીલસીલો ચાલી રહ્યો હતો. દેશભરની પોલીસ આ બોમ્બ ધડાકા કરનારને શોધી રહી પણ તેમનો પત્તો ન્હોતો અને ત્યાર અમદાવાદને નીશાન બનાવવામાં આવ્યુ હતું. ગુજરાત સરકારે અમદાવાદમાં કુલ 21 જગ્યાએ થયેલા બોમ્બ ધડાકાની તપાસ એક જ એજન્સી પાસે કરાવવાનો નિર્ણય કરી તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી હતી.



અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે આશીષ ભાટીયા, ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે અભય ચુડાસમા અને આસીસ્ટન્ટ કમિશનર તરીકે એચ.આર.મુલીયાણા હતા. ક્રાઈમ બ્રાન્ચના માથે મોટી જવાબદારી હતી. બીજી તરફ સરકારનું પણ દબાણ હતુ કે કોઈ પણ ભોગે આરોપીઓને ઓળખો અને પકડી લો. ક્રાઈમ બ્રાન્ચની મદદે અધિકારીઓને ફૌજ તૈનાત કરી દેવામાં આવી હતી. બધા જ અધિકારીઓ પોતાની કુનેહ અને આવડત પ્રમાણે કામ કરી રહ્યા હતા. પરંતુ આરોપીઓ સુધી લઈ જાય તેવી કોઈ મહત્વની કડી ક્રાઈમ બ્રાન્ચને હાથ લાગી રહી ન્હોતી, પરંતુ કોઈ પણ કેસમાં પ્રારંભીક લીડ મહત્વની હોય છે. આવી લીડ આપનાર બે નાના પોલીસ કમર્ચારીઓની ભુમીકા અગત્યની રહી છે. જેમાં એક નામ હતું ભરૂચના કોન્સટેબલ યાકુબઅલી પટેલ અને મહેસાણાના કોન્સટેબલ દિલીપ ઠાકોર.

અમદાવાદમાં કુલ 21 બોમ્બ ધડાકા થયા હતા, જેમાં 19 સ્થળે સાઈકલ ઉપર બોમ્બ મુકવામાં આવ્યા હતા, જયારે બે સ્થળે કારમાં બોમ્બ મુકવામાં આવ્યા હતા. આતંકીઓની યોજના હતી કે જયારે સાઈકલ બોમ્બ ફાટે અને લોકો મરવા લાગે અને ઈજાગ્રસ્ત થાય ત્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવશે. આમ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રીત થશે, એટલે આતંકીઓ દ્વારા અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલમાં કાર બોમ્બ ફીટ કરવામાં આવ્યા હતા. આતંકીઓની યોજના પ્રમાણે જ ઈજાગ્રસ્તોને લઈ એમ્બુલન્સ હોસ્પિટલ પહોંચી ત્યારે સિવિલ અને એલજી હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો હતો. સાઈકલના આધારે આતંકીઓ સુધી પહોંચવુ લગભગ અશકય હતું પણ બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવેલી કાર મહત્વની હતી.



ક્રાઈમ બ્રાન્ચે રાજય અને દેશમાંથી ચોરાયેલી કારની માહિતી મેળવવાની શરૂઆત કરી પરંતુ અમદાવાદમાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર કોની છે તેની કોઈ જાણકારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી રહી ન્હોતી. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અભય ચુડાસમાનો પ્રારંભીકકાળ ભરુચ હતો. તેઓ ગુજરાત પોલીસનો હિસ્સો બન્યા ત્યારે તેમનું પહેલુ પોસ્ટીંગ ભરુચ હતું. તે બ્લાસ્ટ કેસને ઉકેલવામાં વ્યસ્ત હતા ત્યારે તેમના ફોનની ઘંટડી રણકી, તેમણે સ્ક્રીન ઉપર જોયુ તો યાકુલઅલી હતો. પહેલા તેમણે યાદ કરવાનો પ્રયત્ન કર્યો કોણ યાકુબ પણ તેમને તરત ચમકારો થયો અરે યાકુબ એટલે ભરૂચનો કોન્સટેબલ. એક ક્ષણ તો લાગ્યુ યાકુબને શુ કામ હશે? પહેલા તો ફોન કાપી નાખવાનો વિચાર કર્યો પણ ઉતાવળમાં ફોન ઉપાડયો, સામે યાકુબ હતો. જયહિન્દ કહી તેણે વાતની શરૂઆત કરતા પુછયુ સાહેબ બ્લાસ્ટમાં કોઈ લાઈન મળી? ડીસીપી ચુડાસમાને આ પ્રશ્ન ગમ્યો નહીં. યાકુલઅલી પણ પોલીસનો જુનો માણસ તે પણ સમજી ગયો કે પ્રશ્ન પુછવામાં ભુલ થઈ છે.

- Advertisement -

કોન્સટેબલ યાકુલઅલી તરત મુળ વાત ઉપર આવતા કહ્યુ સર મે બ્લાસ્ટ કેસના ફોટો જોયા છે. જે બે સ્થળે કાર બોમ્બનો ઉપયોગ થયો તે કારમાં મે ભરૂચમાં જોઈ હતી. ડીસીપી ચુડાસમાં ખુરશીમાં ઉભા થઈ ગયા, શુ? યાકુબે કહ્યુ જી સર મને લાગે છે કે આ બંન્ને કાર મેં ભરૂચમાં જોઈ હતી. કયાં.. યાકુબે કહ્યુ સર ભરૂચમાં ગુલામભાઈ રહે છે. હું તેમના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે આ બંન્ને કાર જ ત્યાં પાર્ક હતી, આ સાંભળતા ડીસીપી ચુડાસમાના મગજના બધા જ તાર હલી ગયા. તેમણે કહ્યુ યાકુબ તરત તપાસ કર આ કાર કોની હતી અને કોણ લઈ આવ્યુ હતું. યાકુબ ગંભીરતા સમજી ગયો, તે તરત ગુલામભાઈના ઘરે પહોંચ્યો. તેના હાથમાં જુનુ અખબાર હતું. તેણે ગુલામભાઈને અખબારમાં છપાયેલી તસવીર બતાડી પુછયુ આ કારને ઓળખો છો? ગુલામભાઈએ તસવીર ધ્યાનથી જોઈ તે પણ ચમકી ગયા. તેમા ઘરે બે ત્રણ દિવસ માટે ભાડે રોકાયેલા લોકો જ આ કાર લઈ આવ્યા હતા.



યાકુબઅલીએ મામલો સમજાવ્યો. ગુલામભાઈએ તરત પોતાની ડાયરીમાં નોંધી રાખેલા નંબર કાઢયા અને યાકુબને આપ્યા. યાકુબે તરત આ ફોન નંબરની જાણ ડીસીપી ચુડાસમાને કરી યાકુબને પણ ખબર ન્હોતી, તેની આ માહિતી કેટલી મહત્વની સાબીત થવાની છે. યાકુબઅલીની જેમ મહેસાણા પોલીસ કોન્સટેબલ દિલીપ ઠાકોર પણ ક્રાઈમ બ્રાન્ચ માટે મહત્વનો સાબીત થયો.

એસએસસી સુધી અભ્યાસ કરનાર દિલીપ ઠાકોર આમ તો મુળ ડીઝલ મિકેનીક, પછી મહેસાણા પોલીસમાં ભરતી થયો. ત્યારે ગુજરાત પોલીસમાં કોમ્પયુટરનું આગમન થયુ હતું. કોમ્પયુટરનો ઉપયોગ માત્ર ટાઈપીંગ મશીન તરીકે થતો હતો. મહેસાણાના ડીસીપી તરીકે વિનોદ મલ્લ આવ્યા અને તેમણે દિલીપીને કોમ્પયુટરની પ્રારંભીક તાલીમ આપી. પણ પોતાની કામ શીખવાની ધગશને કારણે દિલીપી ઠાકોરે મહેસાણા જેવા નાના નગરમાં પણ એવુ કામ કર્યુ તે મહેસાણામાં ડીએસપી તરીકે આવનાર તમામ આઈપીએસ અધિકારીઓ દિલીપના કામથી પ્રભાવીત થતાં હતા. વર્ષો અગાઉ આશીષ ભાટીયા પણ મહેસાણાના ડીએસપી હતા એટલે તેઓ દિલીપના કામથી પરિચીત હતા. મોબાઈલ ટ્રેકીંગમાં દિલીપ ઠાકોર માહિર હતો.



આ કેસ જે રીતે અટવાઈ પડયો હતો ત્યારે આશીષ ભાટીયાને યાદ આવ્યુ કે દિલીપી ઠાકોરની મદદ લેવી જોઈએ અને તેમણે દિલીપીને ફોન કર્યો અને મહેસાણા ડીએસપીને જાણ કરી દિલીપને અમદાવાદ બલાવી તપાસ ટીમમાં સામેલ કર્યો. જો કે ત્યારે ઘણા અધિકારીને આશીષ ભાટીયાનો નિર્ણય વાજબી લાગ્યો ન્હોતો કે એક કોન્સટેબલ કઈ રીતે આ કેસમાં મહત્વનું કામ કરશે. દિલીપ ઠાકોરે જયારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ટેકનીકલ સેલની મુલાકાત લીધી ત્યારે અંદાજ આવ્યો કે આ પ્રકારના ટાંચા સાધનોમાં કઈ રીતે કામ થશે જયારે દિલીપ ઠાકોરે આ સંબંધે ડીસીપી ચુડાસમાને વાત કરી ત્યારે તેમણે તરત તેના હાથમાં અઢી લાખ રૂપિયા મુકી કહ્યુ જે પણ ખરીદી કરવાની હોય તે કરો પણ કોઈ લીડ આપો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પાસે સારા સોફલવેર પણ ન્હોતા, છતાં દિલીપ ઠાકોરે કામ શરૂ કર્યુ. પહેલા તો જે સ્થળે બ્લાસ્ટ થયા હતા તે તમામ સ્થળની મુલાકાત લીધી.

તા 26 જુલાઈ 2008ના રોજ સાંજના સુમારે થયેલા ફોન ચેક કરવાના હતા, પણ સમસ્યા એવી હતી કે લાખો ફોન કોલ્સ હતા. આ ફોનમાંથી આતંકીએ કયો નંબર વાપર્યો હશે તે નક્કી કરવાનું કામ એટલે ઘાસની ગંજીમાંથી એક સોય શોધી કાઢવા જેવુ કામ હતુ. દિલીપે લાખો ફોન કોલ્સ મેન્યુએલી ચેક કરવાનું શરૂ કર્યુ દિવસ રાત જોયા વગર કામ શરૂ કર્યુ. ઉંઘ આવે તો ઓફિસમાં જ સુઈ જવાનું લાખો ફોનમાં પાંચથી સાત શંકાસ્પદ નંબર દિલીપ ઠાકોરે શોધી કાઢયા. જે બીજી મહત્વની લીડ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જો કે દિલીપીની બ્લાસ્ટ કેસની કામગીરીની ક્રાઈમ બ્રાન્ચના બધા જ સિનિયર અધિકારીઓની હતી, પણ બહુ લાંબો સમય તે વાત કાગળ ઉપર આવી નહીં. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી તરીકે હિમાંશુ શુકલ આવ્યા અને બ્લાસ્ટ કેસમાં દિલીપ ઠાકોરની કામગીરીની કદર કરવાનું નક્કી થયુ ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર મારફતે એક દરખાસ્ત રાજય સરકારને મોકલવામાં આવી ગુજરાત સરકારે આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપી દિલીપી ઠાકોરને સબઈન્સપેકટર બનાવ્યા હતા.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular