- સોના ચાંદીમાં પેપર સોદાનું ભૂત ધૂણી રહ્યું છે
- ૧૮ જાન્યુઆરીએ ૧૨૧.૬૪ ડોલરની સર્વોચ્ચ ઊંચાઈએથી ચાંદીમાં ઘટાડો ૬૭ ટકા
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યુઝ.મુંબઈ): પેટ્રોડોલરે બુલિયન બાયરોમાં ગભરાટ શા માટે ફેલાવી દીધો? માહિતીસભર, સમજદાર રોકાણકારો માને છે કે આ બધું પેપર સોદાનું ભૂત ધૂણી રહ્યું છે, કોમોડીટી બજાતની તેજીનો આ અંત નથી, જાગતિક બજારમાં રોકડ પ્રવાહિતાના ફુગ્ગામાં ભારાયેલી હવા નીકળવાની રાહ જોવાઈ રહી છે. ૩૦ ઓક્ટોબરે ચાંદીના ભાવ ૫૦ ડોલર પ્રતી ટ્રોય ઔંસ (૩૧/૧૦૩૪૭ ગ્રામ)ની નીચે ગયા પછી, તરતજ જબ્બર માર્જીન કોલ ભરવાના આવ્યા અને ભાવ ૨૫ નવેમ્બરે ૩૮.૨૦ ડોલર ઉત્પાદન પડતરના તળિયે બેસી ગયા (ચાંદીની વર્તમાન ઉત્પાદન પડતર ૨૮થી ૩૫ ડોલર જેટલી છે). ૧૮ જાન્યુઆરીએ ૧૨૧.૬૪ ડોલરની સર્વોચ્ચ ઊંચાઈએથી આ ઘટાડો ૬૭ ટકા દાખવે છે. શુક્રવારે (આજે) ભાવ ૪૪.૨૪ ડોલર હતો. સોનાએ પણ આ જ ભૂમિકા નિભાવી, ભાવ ૧૪ મહિનાના તળિયે ૩૪૩૪ ડોલર થઇ પ્રત્યાઘાતી સુધારે ૩૬૬૬ ડોલરની ઉંચાઈએ પહોચ્યા હતા. મોમેન્ટમ ટ્રેડરો ટીવી સ્ક્રીન સામે બેસીને લાલ-લીલી લાઈટના ઝબ્કારા જોઇને સમસમી ગયા છે.
તેઓ પોર્ટફોલિયો જોઇને માર્જીન કોલ ભરવાની ગણતરી માંડી રહ્યા છે, મોટા ફંડ હાઉસ તો જે નથી વેચવાનું તે નથીજ વેચતા, તેઓ રોકડ માર્જીન ભરીને સોદા આગળ ખેંચી રહ્યા છે. શેરબજારો અને ખાસ કરીને વોલ સ્ટ્રીટ માટે તો સોનાચાંદી બજાર ATM બની ગયા છે. બજાર માટે સારા દિવસો દુર છે, કારણ કે પર્સિયન ગલ્ફ યુદ્ધ પૂરું થવાના દિવસો પણ ખુબ દુર છે, જેણે ક્રુડ ઓઇલના ભાવને ઉંચે રાખ્યા છે અને અમેરિકન ડોલરને મજબુત રાખવાની ફરજ પડી રહી, પરિણામે પેપર બુલિયન મેટલમાં સતત વેચાવાલીનું દબાણ જારી છે. દાયકાઓમાં નાં જોયેલી બજાર સ્થિતિ હજુ આપણને જોવાની બાકી છે.
આ બધા પ્રશ્નો બુલિયન રોકાણકારોને મુંઝવી રહ્યા છે. હોર્મુઝ્ની સામુદ્રધુની હજુ યદ્ધ ભૂમિ છે, અને ક્રુડ ઓઇલના ભાવ ૧૮ ઓક્ટોબરે ૧૨૬.૪૧ ડોલરની સર્વોચ્ચ ઊંચાઈ જોઈ આવ્યા પછી, હવે ૯૧/૯૨ ડોલર આસપાસ ટ્રેડ થાય છે. આમ છતાં સોના ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે? કારણ છે સોનાચાંદી સાથે ક્રુડ ઓઇલના ભાવ પણ ડોલર ટર્મમાં ટ્રેડ થાય છે. અને ડોલર આંધળી તેજીની દોટ લગાવી રહ્યો છે, ત્યારે ભારત, જપાન, સાઉથ કોરિયા, જર્મની જેવા આયાતકાર દેશોને તેમના કરન્સી મુલ્યને બચાવવા મેદાનમાં ઉતરવું પડ્યું છે. આ બધા દેશોએ તેમના પાવર ગ્રીડ અને રીફાઈનરીઓ ચલાવવા આયાત કરવી પડે છે અને તેમાં ડોલરમાં ચુકવણી કરવી પડતી હોઈ સ્થાનિક કરન્સીનું આંધણ ચઢાવવું પડ્યું છે.
વિદેશી સેન્ટ્રલ બેન્કોએ તેમના ચલણમૂલ્યને બચાવવા ખુલ્લા બજારમાંથી ડોલર ખરીદવા પડે છે. પરિણામે બોન્ડ યીલ્ડ ૪.૯૨ ટકાની ઉંચાઈએ પહોચી ગયું અને ડોલર ઇન્ડેક્સ ૧૦ વર્ષની ઉંચાઈએ જઈ બેઠો. આ બધાને લીધે પેપર ગોલ્ડ અને સિલ્વર વેચવાનો વારો આવ્યો છે. અહીજ તો વોલ સ્ટ્રીટ ગોથું ખાઈ ગઈ, ઉદ્યોગો અને ખાણ કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધવા લાગ્યો, ફર્સ્ટ મેજેસ્ટીક સિલ્વર ખાણનો ઉત્પાદન ખર્ચ માર્ગદર્શક ભાવ ૩૦થી ૩૫ ડોલરે પહોચી ગયો. ઉત્પાદન જાળવી રાખવું હોય તો ભાવ ૨૮થી ૩૫ ડોલર મેળવવા ફરજીયાત થઇ પડ્યા.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








