Thursday, November 26, 2026
HomeGujaratમહિલાઓને વર્ષે ₹40 હજાર, બેરોજગાર યુવાનોને દર મહિને ₹5 હજારનું ભથ્થું: અખિલેશ...

મહિલાઓને વર્ષે ₹40 હજાર, બેરોજગાર યુવાનોને દર મહિને ₹5 હજારનું ભથ્થું: અખિલેશ યાદવે જાહેર કર્યો સપાનો ચૂંટણી ઢંઢેરો

- Advertisement -

Uttar Pradesh Assembly election 2027 PDA announcement: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ તેને ‘સત્તાવીસનો સંકલ્પ: PDAનું વચનપત્ર’ નામ આપ્યું છે. ‘દરેક હાથને કામ, દરેક ખેડૂતને યોગ્ય ભાવ, મહિલાઓને સન્માન અને કાયદાનું માન’ની થીમ સાથે તૈયાર કરવામાં આવેલા આ ઢંઢેરામાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને પછાત વર્ગો માટે અનેક વચનો આપવામાં આવ્યાં છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે તેમની સરકાર બનશે તો વૃદ્ધ મહિલાઓને વાર્ષિક 40 હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. આ ઉપરાંત બેરોજગાર યુવાનોને રોજગાર મળે ત્યાં સુધી દર મહિને 5 હજાર રૂપિયાનું ભથ્થું આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

સમાજવાદી પાર્ટી પોતાના ચૂંટણી ઢંઢેરા દ્વારા PDA એટલે કે પછાત, દલિત અને લઘુમતી વર્ગોના સમીકરણને વધુ મજબૂત કરવાની તૈયારીમાં છે. પાર્ટી રાજ્યસ્તરીય ચૂંટણી ઢંઢેરા ઉપરાંત દરેક જિલ્લા માટે અલગ મેનિફેસ્ટો પણ તૈયાર કરી રહી છે. તેમાં સ્થાનિક જરૂરિયાતો, પાયાની સુવિધાઓ અને પ્રાદેશિક સમસ્યાઓને પ્રાથમિકતા આપવાની વાત કરવામાં આવી છે.

- Advertisement -

ચૂંટણી ઢંઢેરામાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ખેડૂતોના પ્રશ્નો અંગે પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. સપાએ મફત આરોગ્યસેવા, એમ્બ્યુલન્સ અને મફત શિક્ષણ આપવાનું વચન આપ્યું છે. અગાઉ બંધ કરવામાં આવેલી પ્રાથમિક શાળાઓ ફરી શરૂ કરવાની અને યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સમાન તક આપવાની વાત પણ કરવામાં આવી છે. PDA સમાજના વિદ્યાર્થીઓ માટે વિશેષ રાજ્ય શિક્ષણ નીતિ લાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ભરતી પ્રક્રિયા અંગે સપાએ જણાવ્યું છે કે તમામ સરકારી વિભાગોમાં ભરતી કરવામાં આવશે અને પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવા માટે નીતિઓ બનાવવામાં આવશે. જે ભરતીમાં એક પરીક્ષા લેવામાં આવે છે તે પ્રક્રિયા ત્રણ મહિનામાં અને બે પરીક્ષા હોય તેવી ભરતી છ મહિનામાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. પાર્ટીએ પાંચ વર્ષમાં 25 લાખ યુવાનોને રોજગાર આપવાનું લક્ષ્ય પણ જાહેર કર્યું છે. સ્નાતક થયેલા યુવાનોને રોજગાર ન મળે ત્યાં સુધી દર મહિને 5 હજાર રૂપિયાનું ભથ્થું આપવાનું વચન આપવામાં આવ્યું છે. યુવાનો માટે લેપટોપ યોજના ફરી શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

મહિલાઓ માટે વાર્ષિક 40 હજાર રૂપિયાના પેન્શનની જાહેરાત ઉપરાંત મહિલા સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની વાત કરવામાં આવી છે. શિક્ષામિત્રોનો પગાર વધારી તેમને કાયમી કરવાની અને જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની જાહેરાત પણ ઢંઢેરામાં સામેલ છે. કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા માટે AI આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની અને ઝીરો ટોલરન્સ નીતિ અમલમાં મૂકવાની વાત કરવામાં આવી છે. ઝડપી ન્યાય માટે ફાસ્ટ ટ્રેક અદાલતો દ્વારા પ્રયાસો કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

- Advertisement -

ગામડાંના વિકાસ માટે નવા ગામો વસાવવાની યોજના રજૂ કરવામાં આવી છે. તેમાં સ્ટ્રીટ લાઇટ, વીજળી, પાકા રસ્તા અને વાઇ-ફાઇ જેવી સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવ્યું છે. ગામડાંઓને ઇન્ટરનેટ સાથે જોડવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ગરીબોને માત્ર 5 રૂપિયામાં ભોજન મળી રહે તે માટે સમગ્ર પ્રદેશમાં સમાજવાદી કેન્ટીન શરૂ કરવાની વાત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત યશભારતી સન્માન વધુ રકમ સાથે ફરી શરૂ કરવાની અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ખેડૂતો માટે લોન માફીનું વચન આપવામાં આવ્યું છે. શેરડીના ખેડૂતોને 24 કલાકમાં ચુકવણી કરવાની જાહેરાત પણ સપાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ છે. આરોગ્ય ક્ષેત્રે રાજ્ય આરોગ્ય નીતિ 2027 લાવીને તમામ નાગરિકોને ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવવાનો વાયદો કરવામાં આવ્યો છે.

ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે અખિલેશ યાદવે કહ્યું હતું કે સમાજવાદી સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરામાં ન હોય તેવાં કામ પણ કર્યાં હતાં. તેમણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના કાર્યકાળનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તે સમયે લખનઉના વિકાસ માટે કામ કરવામાં આવ્યું હતું અને શહેરમાં મોટા પાયે રોકાણ આવ્યું હતું. અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે ચૂંટણી ઢંઢેરામાં ન હોવા છતાં લખનઉમાં મેદાંતા હોસ્પિટલ બનાવવામાં આવી હતી, જે શહેરની શ્રેષ્ઠ હોસ્પિટલોમાંની એક છે.

- Advertisement -

તેમણે વધુમાં કહ્યું હતું કે સમાજવાદી સરકારના સમયમાં વિશ્વસ્તરીય સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું, જે દેશનાં શ્રેષ્ઠ સ્ટેડિયમોમાંનું એક છે. સામાન્ય રીતે સરકારો શહેરો અને મોલ બનાવતી નથી, પરંતુ સમાજવાદી સરકારે દેશનો સૌથી મોટો મોલ બનાવ્યો હતો. અખિલેશ યાદવે એમ પણ જણાવ્યું હતું કે AI અને ડિજિટલ પ્લેટફોર્મની ચર્ચા શરૂ થાય તે પહેલાં તેમની સરકારે લખનઉમાં HCLને લાવવાનું કામ કર્યું હતું. રોજગારીની તકો ઊભી કરવા માટે લખનઉમાં IT સિટી બનાવવાની પહેલ પણ સમાજવાદી સરકાર દ્વારા કરવામાં આવી હતી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular